________________
ગાથા-૯૧
૧૧૩
આ વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં કહે છે કે કર્મને યોગ્ય એવાં પરમાણુઓની સાથે મુક્તનો સંબંધ - સ્પર્શ કરવાપણું છે, તેથી સિદ્ધનો પણ મોક્ષ નથી એવી શંકા ન કરવી; કારણ કે તેમને બંધનાં કારણરૂપ મન, વચન અને કાયાના યોગની ફરી ઉત્પત્તિનો સંભવ નથી, તેથી મુક્ત જીવોને ક્યારે પણ સંસારની પ્રાપ્તિ થશે નહીં. ૧
જેમ નિરપરાધીને કેદ મળતી નથી, તેમ મુક્ત આત્મામાં પણ બંધકારણનો અભાવ હોવાથી તેઓ ફરી બદ્ધ થતા નથી. મુક્ત જીવ અશરીરી છે, તેથી કર્મબંધમાં કારણભૂત એવા મન, વચન અને કાયાના યોગ ન હોવાથી તેમને પુનઃ કર્મબંધનો પ્રસંગ જ ઉદ્ભવતો નથી. માત્ર કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનો આત્મા સાથે સંયોગ હોય એટલામાત્રથી કર્મબંધ માની શકાય નહીં, કારણ કે તેમ માનવા જતાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો સર્વત્ર વિદ્યમાન હોવાથી બધા જીવોને સમાન ભાવે કર્મબંધ થવો જોઈએ. આ પ્રકારે અતિપ્રસંગાદિ દોષો આવતા હોવાથી માત્ર જીવ અને પુદ્ગલ એક ક્ષેત્રમાં રહે તેને જ કર્મબંધનું કારણ માની શકાય નહીં, પણ જીવના મિથ્યાત્વાદિ દોષો અને યોગના કારણે જ કર્મબંધ થાય છે.
જીવના મિથ્યાદર્શનાદિ વિકારી ભાવોનો અભાવ થવાથી કર્મ સાથેનો કારણ-કાર્ય સંબંધ પણ છૂટી જાય છે. પરવસ્તુઓમાં આત્મીયપણાની મિથ્યા ભાવના તે કર્મબંધનું મુખ્ય કારણ છે, તેને જાણવું તે કાંઈ બંધનું કારણ નથી. જીવમાં રહેલી મિથ્યા ભાવનાના કારણે જીવના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવાય છે. મિથ્યા ભાવના છૂટી જવાથી જ્ઞાન છૂટી જતું નથી, પણ જગતની ચરાચર સમસ્ત વસ્તુઓનું જાણવું થાય છે, કારણ કે જ્ઞાન તો જીવનો સ્વાભાવિક અસાધારણ ધર્મ છે. વસ્તુના સ્વાભાવિક અસાધારણ ધર્મોનો કદી નાશ થતો નથી. જો તેનો નાશ થાય તો વસ્તુનો પણ નાશ થઈ જાય. તેથી મિથ્યા વાસનાના અભાવમાં પણ જાણવાનું હોય છે; પણ મિથ્યા વાસનાના અભાવની સાથે જ કર્મ સાથેના કારણ-કાર્યનો અભાવ થઈ જાય છે. કર્મને આવવાનાં કારણોનો અભાવ થયા પછી, જાણવા છતાં પણ જીવને કર્મોનો બંધ થતો નથી અને કર્મોનો બંધ નહીં થવાથી તેના ફળરૂપે સ્થૂળ શરીરનો સંયોગ પણ મળતો નથી. તેથી જીવને નવો જન્મ હોતો નથી.
મુક્ત જીવ ફરીને સંસારમાં જન્મ લેતા નથી, કારણ કે તેમના પુનર્જન્મ માટેનું કારણ હવે રહ્યું નથી. જન્મરહિત થયેલા મુક્ત જીવને જરાવસ્થા હોતી નથી. ઉત્પત્તિ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૩૩
'न च कर्माणुसंबन्धान्मुक्तस्यापि न मुक्तता । योगानां बन्धहेतूनामपुनर्भवसंभवात् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org