________________
૧૧૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
રહિત એવા જીવને ઉંમરનો નાશ થવારૂપ જરાવસ્થા આવતી નથી. જન્મ અને જરાનો અભાવ થતાં મરણ પણ રહેતું નથી, મરણનો ભય પણ રહેતો નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી “શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે મૃત્યુ આદિથી રહિત એવા મોક્ષની પ્રાપ્તિ કર્મોનો સર્વથા નાશ થવાથી થાય છે, કારણ કે કર્મોથી રહિત જીવ ક્યારે પણ નવો જન્મ લેતો નથી. જેમ બીજ સર્વથા બળી જવાથી તેના વડે અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપી બીજ સર્વથા બળી જવાથી સંસારરૂપી અંકુરની ઉત્પત્તિ નથી થતી.૧
જન્માદિનું બીજકારણ કર્મનો વિપાક છે. આ બીજના અભાવથી જન્માદિનો પણ અભાવ થાય છે. બીજા વિના જેમ અંકુર ન ફૂટે, તેમ કર્મરૂપ બીજ વિના જન્માદિ થતાં નથી. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. બીજ દગ્ધ થયા પછી તેમાંથી અંકુરનો પ્રાદુર્ભાવ થતો નથી, તે જ રીતે કર્મરૂપી બીજ દગ્ધ થવાથી ભવરૂપી અંકુરનો ઉદય થતો નથી.
કર્મ સહિત એવા જીવને જ ફરીથી જન્મ-મરણાદિ થાય છે, કમરહિત જીવને જન્માદિ થતાં નથી. આ કારણથી કમરહિત એવા સિદ્ધાત્માને ફરીથી જન્માદિ થતાં નથી. નિર્વાણગત જીવ કમરહિત હોવાથી તેમને ફરીથી જન્મ-મરણાદિ થતાં નથી. મોક્ષ પામ્યા પછી ફરી વાર જન્મ-મરણાદિ થતાં નથી. આઠ કર્મથી સર્વથા મુક્ત સિદ્ધ જીવને જન્મ-મરણની જંજાળ નથી. તેમને જન્મ-મરણ આદિ દુઃખોનો વિચ્છેદ થયો હોય છે, માટે જ મોક્ષને સર્વોત્તમ કહેવામાં આવે છે. જ્યાં સુધી રાગ-દ્વેષ-મોહ છે ત્યાં સુધી જન્મ-મરણ છે અને જ્યાં જન્મ-મરણ છે ત્યાં દુઃખ છે, જન્મ-મરણાદિ સર્વ દુઃખથી આત્યંતિક મુક્તિ થતી હોવાથી મોક્ષ સર્વોત્તમ કહેવાય છે.
અત્રે કોઈ એમ કહે કે ધર્મતીર્થના કરનારા જ્ઞાની પુરુષો મોક્ષમાં જાય છે, પણ જો તીર્થનો ઉચ્છેદ થયેલો જુએ તો તેઓ ફરીથી પાછા સંસારમાં આવે છે. તેથી કર્મરહિત આત્માને જન્માદિનું ગ્રહણ ફરીથી ન થાય એમ શા માટે કહેવામાં આવે છે? આ શંકાનો ઉત્તર આપતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘ધર્મબિંદુ માં કહે છે કે કર્મથી સર્વથા મુક્ત થયેલા જીવને તેવા પ્રકારના સ્વભાવના કારણે, તેમજ પૂર્વના પોતાનાં પ્રયોજનને સંપૂર્ણ કર્યા હોવાથી એવા મુક્ત જીવને પુનર્જન્માદિ ગ્રહણ કરવા માટે કોઈ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૬૯૨,૬૯૩
'मृत्यादिवर्जिता चेह मुक्तिः कर्मपरिक्षयात् । नाकर्मणः क्वचिज्जन्म यथोक्तं पूर्वसूरिभिः ।। दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org