________________
૧૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
થતો કર્મવિનાશ પણ કૃતક જ છે અને તેથી મોક્ષ પણ કૃતક થયો અને અનિત્ય પણ થયો. આ દલીલનો ઉત્તર આ પ્રમાણે છે - ઘટવિનાશ અને કર્મવિનાશને જેઓ કૃતક કહે છે, તેઓ ઘટવિનાશ અને કર્મવિનાશ શું છે એ જાણતા નથી, તેથી તેને કૃતક કહે છે. વસ્તુતઃ ઘટવિનાશ એ બીજું કાંઈ નથી, પણ ઘટરહિત કેવળ આકાશ એ જ ઘટવિનાશ છે. આમાં આકાશ તો સદા અવસ્થિત હોવાથી નિત્ય જ છે, તેથી તેને કૃતક કઈ રીતે કહી શકાય? મુદ્ગરે ઉપસ્થિત થઈને આકાશમાં તો કશું જ નવું કર્યું નથી, પછી શા માટે ઘટવિનાશરૂપ એવા આકાશને કૃતક કહેવું? તે જ પ્રકારે કર્મનો વિનાશ થાય એટલે બીજું કાંઈ રહેતું નથી, પણ કર્મરહિત એવો કેવળ આત્મા જ રહે છે. અહીં તપસ્યાદિથી આત્મામાં કશું જ નવું ઉત્પન્ન થતું નથી, કારણ કે આકાશની જેમ આત્મા સદા અવસ્થિત હોવાથી તે નિત્ય જ છે. એટલે મોક્ષને એકાંતે કૃતક કે અનિત્ય માની શકાય નહીં. પરંતુ જો મોક્ષને એકાંતે નહીં પણ કથંચિત્ અર્થાત્ પર્યાયષ્ટિથી અનિત્ય માનવામાં આવે તો તે યોગ્ય જ છે, કારણ કે મોક્ષાદિ સમસ્ત પદાર્થો પર્યાયનયની અપેક્ષાએ અનિત્ય જ છે. વિશ્વના સર્વ પદાર્થો દ્રવ્ય અને પર્યાય ઉભયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય છે, એટલે એ દષ્ટિએ મોક્ષ પણ નિત્ય તેમજ અનિત્ય છે. મોક્ષ નિત્યાનિત્ય છે, માટે મોક્ષને એકાંતે અનિત્ય માનવાનો આગ્રહ રાખી શકાય નહીં. જો બધી જ વસ્તુ ઉત્પાદ-વિનાશ-સ્થિતિરૂપ છે તો મોક્ષ માટે એકાંત અનિત્યતાનો આગ્રહ કેવી રીતે રાખી શકાય? .
અહીં કોઈ શંકા કરે કે જેમ ઘડો ફૂટી જાય છતાં તેનાં ઠીકરાં સાથે આકાશનો સંયોગ રહે છે, તેમ જીવે જે કર્મની નિર્જરા કરી હોય, તે કર્મો અને જીવ એ બને લોકમાં જ રહે છે; તેથી તેમનો સંયોગ પણ કાયમ જ રહે છે, તો ફરી જીવ-કર્મનો બંધ શા માટે થતો નથી? કર્મપુદ્ગલ તો ચૌદ રાજલોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલાં છે, તેથી ચૌદમા રાજલોકના ઉપરના ભાગમાં રહેલા સિદ્ધ જીવોને પણ કર્મયુગલનો સંબંધ થવાનો જ. એટલે તેઓ પણ કર્મથી બદ્ધ થવાથી મુક્ત તો નહીં જ રહેને? કર્મનાં પુદ્ગલો લોકમાં સર્વત્ર વ્યાપી રહેલાં છે, માટે તેના સંબંધથી આત્મા મુકાયો હોય તો પણ તે અમુક્ત જ રહેશે.
આ શંકાની નિવૃત્તિ આ પ્રમાણે થઈ શકે - કર્મબંધ થવામાં હેતુ છે રાગાદિ ભાવો અને મન, વચન, કાયાના યોગ. તેમાંનું કાંઈ પણ મુક્તાત્માને પ્રાપ્ત થવાનો સંભવ છે જ નહીં. માટે ફરી કર્મથી બંધાવાનો તેમને કોઈ અવકાશ નથી. તેઓ કર્મરહિત થયા પછી ફરીથી કર્મ સહિત થતા નથી. મોક્ષમાં ગયેલા જીવ ફરી કર્મ સાથે બંધાતા નથી. ફરીથી કર્મ ન બંધાય એવી ઉપદ્રવરહિત, કલ્યાણકારી, અચલ, અક્ષય સ્થિતિ એ જ મોક્ષ છે. કર્મપુદ્ગલના સ્પર્શમાત્રથી મુક્ત જીવો અમુક્ત થઈ જતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org