________________
૭૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કર્મપુદ્ગલનું આવું સ્વાભાવિક પરિણમન હોય છે. કર્મ પોતાના સ્વભાવ અનુસાર પરિણમીને ફળ આપે છે. શુભ અને અશુભ કર્મ સ્વયં પોતાના સ્વભાવથી પરિણમે છે અને જીવને ફળ આપે છે, તેથી કર્મને ફળ આપવા માટે બીજા કોઈ તત્ત્વની આવશ્યકતા રહેતી નથી. જેમ શરીરમાં અન્નનો જથ્થો મોકલ્યા પછી તેમાંથી પોષક દ્રવ્ય છૂટું પાડવા માટે બીજી શક્તિ મોકલવાની જરૂર રહેતી નથી, પણ બધું નિયમ અનુસાર સ્વયં જ બને છે; તેમ જે વખતે કર્મ આત્મા સાથે બંધાય છે તે વખતે જ ક્યારે, કેવી રીતે, કેવું અને કેટલું ફળ આપવું એ બધા નિયમોનો નિશ્ચય થાય છે; તેથી કર્મને પરિણાવવા માટે કોઈ અન્ય શક્તિની આવશ્યકતા નથી. પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમવા માટે કર્મને કોઈ બાહ્ય તત્ત્વની આવશ્યકતા નથી, તેથી કર્મનું ફળ આપવા માટે ઈશ્વરની આવશ્યકતા નથી.
આમ, ફળ આપવાની શક્તિ કર્મપુદ્ગલમાં સ્વભાવથી જ રહી છે. આવી સ્વાભાવિક વ્યવસ્થા હોવાથી જીવને કર્મનું ફળ આપવા માટે ઈશ્વરની કોઈ જરૂર નથી. કર્મ જડ હોવા છતાં ફળ આપવાનો સ્વભાવ તેમાં રહેલો છે, તેથી ઈશ્વરને ફળદાતા માનવાની કંઈ જરૂર રહેતી નથી. જેમ સાકરની મીઠાશ માણવા માટે ઈશ્વરની જરૂર નથી, પણ જે સાકર ખાય એને મીઠાશ લાગે એ સ્વાભાવિક છે; તેમ શુભાશુભ કર્મ સ્વભાવથી પરિણમે છે અને તેથી ફળ આપવા માટે વચ્ચે ઈશ્વર જેવા કોઈ વ્યવસ્થાપકની જરૂર નથી. કર્મ પોતે જ ફળ ઉપજાવવાને શક્તિમાન છે.
ન્યાય આદિ કેટલાંક દર્શનો આ મંતવ્યનો સ્વીકાર કરતાં નથી. તેઓ કહે છે કે સારાં-ખરાબ કર્મોનું ફળ ઈશ્વરની પ્રેરણાથી જ મળે છે. તેઓ આ વિશ્વવૈચિત્ર્ય તેમજ સુખ-દુ:ખના કારણ તરીકે ઈશ્વરને માને છે. ઈશ્વર, ભગવાન, ધણી, માલિક, ઉપરવાળો વગેરે ભિન્ન ભિન્ન નામોથી તેઓ ઈશ્વરને ઓળખે છે. તેમના મત મુજબ કર્મનું ફળ આપવાવાળો કોઈ હોવો જોઈએ. જેમ ચોરી કરવાવાળો ચોર પોતાની જાતે ચોરીનું ફળ નથી ભોગવતો. કોઈ ન્યાયાધીશ હોય છે, દંડનાયક હોય છે; જે તેને દિંડિત કરે છે, ફળ આપે છે; તેવી જ રીતે સર્વ જીવોનાં સારા અને ખરાબ કર્મનું ફળ આપવાવાળો પણ કોઈ હોવો જોઈએ એમ તેઓ માને છે. આ આધાર ઉપર તેઓ કર્મફળદાતા ઈશ્વરની આવશ્યકતા અનુભવે છે.
તેઓ કહે છે કે અચેતન કર્મ પ્રતિનિયત ફળ કેવી રીતે આપી શકે? કર્મ તો જડ છે તો એ કઈ રીતે જીવને સુખ-દુઃખ આપી શકે? અચેતન હોવાના કારણે કોઈ પણ ચેતનસત્તાની ગેરહાજરીમાં તે કઈ રીતે કાર્યરત થઈ શકે? જો જીવોને સુખાદિ પ્રાપ્ત થવામાં કોઈ સ્વતંત્ર ચેતનતત્ત્વની પ્રેરણા ન હોય તો, કર્મો જડ છે તેથી તે જીવને સુખ-દુઃખ આપી શકે નહીં; માટે સુખ-દુઃખ આપનાર કોઈ ચૈતન્ય માધ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org