________________
ગાથા-૮૫
७४७
માનવું જ પડે છે અને તે જ ઈશ્વર છે. ઈશ્વર જીવોને સારું-ખરાબ ફળ આપે છે.
તેમનો આ તર્ક અયોગ્ય છે. કર્મ જડ છતાં તેનામાં અખૂટ શક્તિ છે. જડમાં ગજબનાક શક્તિઓ છે, એટલે જડ કર્મ પોતે જ જીવને સુખાદિ આપી શકે છે. તે માટે ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી. કર્મફળપ્રદાતા કોઈ ઈશ્વરને વચમાં લાવવાની જરૂર નથી. કર્મને કાર્યરત બનાવવા માટે ઈશ્વરની જરૂર નથી. તે તો સ્વયંસંચાલિત છે. તેથી ઈશ્વરના નિયમન કે અનુગ્રહનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
કર્મ અચેતન હોવાથી પ્રતિનિયત ક્ષેત્ર અને કાળમાં, પ્રતિનિયત ફળ કેવી રીતે આપી શકે એ પ્રશ્નથી મૂંઝવણ અનુભવતાં, તેનો કોઈ નિર્ણય નહીં થઈ શકવાથી, કર્મને ફળ આપવામાં પ્રેરનાર ઈશ્વરની કલ્પના કરી કેટલાક સંતોષ માને છે; પરંતુ તેવા ઈશ્વરને માનવા માટે અનેક પ્રકારની કલ્પનાઓ કરવી પડે છે. કર્મના ફળદાનમાં પ્રેરક તરીકે ઈશ્વરને માનવાથી અનેક દોષ આવીને ઊભા રહે છે.
પ્રશ્ન થાય છે કે શું સુખ-દુ:ખ આપવું ઈશ્વરના હાથમાં છે? ઈશ્વર ધારે એને સુખી કરે અને ઈશ્વર ધારે એને દુઃખી કરે એમ ઈશ્વરની મરજી અનુસાર સુખ-દુઃખ થાય છે? ના. જે રાગ-દ્વેષથી મુક્ત હોય તે કોઈના ઉપર રાગ કરી રીઝે, કોઈના ઉપર દ્વેષ કરી મારપીટ કરે એ સંભવિત નથી. આમ, ઈશ્વર કર્મને બદલે પોતાની ઇચ્છા અનુસાર ફળ આપે તો જગતમાં ન્યાય જેવું ન રહે.
બીજો વિકલ્પ એ છે કે ઈશ્વર જીવના કર્મ પ્રમાણે ફળ આપે છે. જીવ જેવું કર્મ કરે છે, ઈશ્વર તેને તેવું જ ફળ આપે છે. પરંતુ જો ઈશ્વરને કર્મ અનુસાર ફળ આપવાનું કાર્ય કરનાર માનવામાં આવે તો તેની સ્થિતિ ન્યાયાલયના નિયમોથી બદ્ધ ન્યાયાધીશ જેવી થઈ જાય, અર્થાત્ જીવના કર્મ અનુસાર તેને ફળ આપવું પડતું હોય તો કર્મ ઈશ્વરથી મહાન ઠરે.
કર્મવાદ વિના સૃષ્ટિવ્યવસ્થા સંગત થઈ શકતી નથી, એટલે ઈશ્વરકર્તુત્વવાદીઓને પણ કર્મવાદ માનવો પડે છે. ઈશ્વરને સૃષ્ટિનો કર્તા-નિયંતા-ધર્તા માનનારા પણ અંતે તો કર્મને માને જ છે. તેઓ ઈશ્વર જીવનાં કર્મ પ્રમાણે તેને સારાં-નરસાં ફળ આપનારો છે એમ ઈશ્વરનું ફળદાતાપણું માને છે. પરંતુ જો ઈશ્વરને તે જીવનાં કર્મ અનુસાર બધું કરવું પડતું હોય તો તે કર્મ ઈશ્વર કરતાં વિશેષ શક્તિવાળાં ઠરે છે; તો પછી એવાં અચિંત્ય શક્તિસંપન્ન કર્મ જ એ બધું કરે છે એમ જ શા માટે ન માનવું? કરેલાં કર્મને જ ફળદાતા શા માટે ન માનવાં? શા માટે ફળદાતા તરીકે ઈશ્વરને વચ્ચે લાવવો? આખરે જ્યારે બધું કર્મવાદથી જ થાય છે, સારા અને ખરાબનાં નિયામક કર્મ જ છે, તો તેને માટે કોઈ ઈશ્વરને વચ્ચે લાવવાની આવશ્યકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org