________________
ગાથા-૮૫
૭૪૫ વખત માટે દબાઈ ગયેલાં કર્મ જ ફરી પાછાં ઊથલો ખાઈને પ્રગતિશીલ આત્માને કેવી રીતે નીચે પટકી દે છે? કર્મ સાથે સંબંધ ધરાવતા આવા સંખ્યાબંધ પ્રશ્નોનો યુક્તિયુક્ત, વિસ્તૃત અને વિશદ ખુલાસો જૈન કર્મસાહિત્યમાં મળે છે.
કર્મવાદની સ્થાપનાના વિષયમાં જો કે ભારતનાં વિભિન્ન દર્શનોએ પોતપોતાનું યોગદાન આપેલું છે, તોપણ જૈન પરંપરામાં કર્મવાદનું જે સુવિકસિત રૂપ દષ્ટિગોચર થાય છે, તે બીજાં દર્શનોમાં જોવા મળતું નથી. જૈન આચાર્યોએ જે પ્રમાણે કર્મવાદનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વાગપૂર્ણ નિરૂપણ કર્યું છે; તેવું નિરૂપણ અન્યત્ર મળતું નથી. જૈન દર્શનનો કર્મવાદ ભારતીય દર્શનમાં એક વિશિષ્ટ કર્મવાદ છે. કર્મવાદ જૈન વિચારપ્રવાહ અને આચારપરંપરાનું એક અવિભાજ્ય અંગ બની ગયો છે.
જૈન દર્શન અનુસાર એ અખંડ સિદ્ધાંત છે કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ ઇત્યાદિ કર્મના કારણે થાય છે. આત્માએ બાંધેલા શુભાશુભ કર્મો તેને સુખ-દુઃખ આપે છે. કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમીને ફળ આપે છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે અનુસાર તે પરિણમે છે. જેમ ગોળ ગળ્યો લાગે છે, લીમડો કડવો લાગે છે; તેમ પુણ્ય-પાપરૂપ કર્મ પણ પોતપોતાના સ્વભાવ અનુસાર પરિણમે છે.
જેમ અમૃત અમૃતરૂપે પરિણમે છે અને ઝેર ઝેરરૂપે પરિણમે છે, તેમ કર્મ પોતપોતાની શુભાશુભ પ્રકૃતિ પ્રમાણે પરિણમે છે; અર્થાત્ શુભ કર્મ શુભપણે પરિણમે છે અને અશુભ કર્મ અશુભપણે પરિણમે છે. જીવ જેવા જેવા ભાવથી કર્મને ગ્રહણ કરે છે, તેવાં તેવાં ફળરૂપ તે કર્મ પરિણમે છે અને જેમ અમૃત તથા ઝેર પરિણમ્યા પછી સત્ત્વરહિત થાય છે, તેમ શુભાશુભ કર્મ સમય પાકતાં શુભાશુભ ફળ આપી સત્ત્વરહિત થાય છે.
આમ, શુભ અને અશુભ કર્મો પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમી, નિઃસત્ત્વ થઈ દૂર થાય છે. અબાધાકાળ વીતતાં તે દ્રવ્યકર્મ પોતાનું શુભાશુભ ફળ આપીને નિર્જરે છે, અર્થાત્ નિઃસત્ત્વ થઈ નિવૃત્ત થાય છે. ફળ આપી દીધાં પછી તે પુદ્ગલો આત્માનો સંગ છોડી કાર્મણ વર્મણારૂપે બ્રહ્માંડમાં ભળી જાય છે. તત્પશ્ચાત્ આ પુદ્ગલપરમાણુઓ પોતે, પોતામાં, પોતાની રીતે પરિણત થયા કરે છે, પણ જીવને કોઈ પણ પ્રકારનું ફળ આપવા એ સમર્થ રહેતાં નથી.
જે સમયમાં જે ફળ નીપજે, તેના અનંતર સમયમાં એ કર્મરૂપ પુદ્ગલોની અનુભાગ શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે. તે પુદ્ગલો અન્ય પર્યાયરૂપ પરિણમી જાય છે. બંધાયેલાં કર્મો ઉદયમાં આવી, ફળ આપ્યા પછી ખરી પડે છે. દરેક સમયે કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org