________________
४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ચિત્તના રૂપ(શાંત અવસ્થા)માં આવે છે ત્યારે આત્માને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે તથા તે પોતાને મન અને શરીરથી ભિન્ન, નિત્ય, મુક્ત, શુદ્ધચૈતન્યસ્વરૂપમાં જુએ છે. (૮) પૂર્વ મીમાંસા દર્શનની દષ્ટિએ આત્મસ્વરૂપ
મીમાંસા દર્શનના મત અનુસાર દેહ, ઇન્દ્રિય અને મનથી ભિન્ન, સ્થિર એવા આત્માનું અસ્તિત્વ છે. જ્ઞાન, સુખ, દુઃખ ઇત્યાદિ ગુણો તેનામાં સમવાય સંબંધથી રહે છે. ચેતના એ આત્માનો સ્વાભાવિક નહીં પણ આગંતુક ગુણ છે. આત્મા સ્વભાવથી અચેતન છે, પરંતુ મન અને ઇન્દ્રિયોના સંસર્ગમાં આવવાથી તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. સુષુપ્ત અવસ્થામાં તથા મોક્ષ અવસ્થામાં આ સંયોગનો અભાવ હોવાથી તે જ્ઞાનશૂન્ય બની જાય છે. આત્મા સ્વયંપ્રકાશમાન છે. તે કર્તા, ભોક્તા તથા જ્ઞાતા છે. આત્મા અમર છે. તેની ઉત્પત્તિ અથવા વિનાશ નથી. મીમાંસકોના મત પ્રમાણે આત્મા વિભુ, નિત્ય, કર્મફળભોક્તા, દેહને રચનારો અને મન વડે જ્ઞાત-અજ્ઞાતદશાવાળો છે. વ્યક્તિગત વિષમતાના આધારે પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન આત્માઓની માન્યતા મીમાંસા દર્શનમાં જોવા મળે છે. મીમાંસકો આત્માને અનેક તેમજ દેહભેદે ભિન્ન માને છે. મીમાંસકોના મત અનુસાર મૃત્યુ પછી આત્મા કર્મોનું ફળ ભોગવવા માટે પરલોકમાં વિચરે છે. (૯) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ
અદ્વૈત વેદાંત અનુસાર બહ્મ અને જીવ વસ્તુતઃ અભિન્ન છે, અર્થાત્ જીવ ન તો બહ્મથી ભિન્ન છે, ન તો તેનો અંશ છે, ન તો તેનો વિકાર છે; પરંતુ તે સ્વતઃ બ્રહ્મ જ છે. જીવ અને બ્રહ્મ વચ્ચે જે ભેદ દેખાય છે તે સત્ય નથી, પણ ઉપાધિકૃત છે. બન્ને વચ્ચે જે ભેદ જણાય છે તે વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. એક જ આકાશ કે જે સર્વવ્યાપી છે, તે ઉપાધિભેદના કારણે જેમ ઘટાકાશ, મહાકાશ એમ જુદું જુદું ભાસે છે, તેમ અવિદ્યાના કારણે એક જ સર્વવ્યાપી બહ્મ ઉપાધિભેદથી અનેક જીવોરૂપે ભાસે છે. આ સિદ્ધાંત દ્વારા એમ પ્રતિપાદન કરવામાં આવે છે કે જીવ મર્યાદિત હોવા છતાં તત્ત્વતઃ બહ્મથી અભિન્ન છે. અદ્વૈત વેદાંતવાદીઓ બહ્મ સિવાય કોઈ પણ તત્ત્વને પારમાર્થિક સત્ માનતા નહીં હોવાથી તેઓ વ્યવહારમાં અનુભવાતા ભિન્ન ભિન્ન જીવોનો ખુલાસો માયા અથવા અવિદ્યાના સિદ્ધાંત દ્વારા આપે છે. જીવની મુખ્ય ઉપાધિ અવિદ્યા છે, જે ઈશ્વરની ઉપાધિરૂપ માયાનો જીવાત્માના ભાગે આવેલો અંશ છે. દેહેન્દ્રિયરૂપી ઉપાધિ જ્યારે આત્માને લાગેલી હોય ત્યારે તે સંસારી જીવ કહેવાય છે. નિત્ય અને નિરતિશય જ્ઞાન દ્વારા પ્રગટ થતી શક્તિરૂપી ઉપાધિ લાગેલી હોય ત્યારે તે આત્મા ઈશ્વર કહેવાય છે. તે જ આત્મા સ્વસ્વરૂપે નિરુપાધિક, કેવળ અને શુદ્ધ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org