________________
ગાથા-૮૪
૭૧૩
દુખકારણરૂપ માતા-પિતા એ જ હોય છતાં એક પુત્ર સુંદર દેહયુક્ત હોય અને બીજો કુરૂપ; એટલે દૃષ્ટકારણરૂપ માતા-પિતાથી ભિન્ન એવાં અદષ્ટ કર્મને પણ કારણરૂપ માનવાં જોઈએ અને તે કર્મને પણ પુણ્ય અને પાપ એમ બે પ્રકારનાં માનવાં જોઈએ, કારણ કે શુભ દેહાદિ કાર્યથી તેનાં કારણ એવાં પુણ્યકર્મનું અને અશુભ દેહાદિ કાર્યથી તેનાં કારણ એવાં પાપકર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. વળી, શુભ ક્રિયારૂપ કારણથી શુભ કર્મ - પુણ્યની નિષ્પત્તિ થાય છે અને અશુભ ક્રિયારૂપ કારણથી અશુભ કર્મ - પાપની નિષ્પત્તિ થાય છે; તેથી કર્મના પુણ્ય અને પાપ એવા બે ભેદ સ્વભાવથી જ ભિન્મજાતીય સિદ્ધ થાય છે.
આ પ્રમાણે શરીરરચનામાં માતા-પિતા તો કારણ છે જ, પણ જો માત્ર માતાપિતાને જ કારણ માનવામાં આવે તો ત્યાં અપૂર્ણતા છે, ત્યાં પૂરું સમાધાન નથી થતું અને તેથી શરીરરચનાની પાછળ કર્મને પણ કારણરૂપ માનવું જ જોઈએ. શરીરની રચના પાછળ પુણ્ય-પાપ અદષ્ટકારણરૂપે રહેલાં છે. તેમાં મુખ્ય કારણ એવાં જીવનાં શુભ-અશુભ કર્મને માનવા જ જોઈએ.
જેમ ઊગેલા અંકુરની ઉત્પત્તિનું કારણ બીજ છે, તેમ મળેલાં સુખ-દુ:ખરૂપ ફળનું કારણ કર્મ છે, જે પુણ્ય-પાપરૂપ છે. અંકુરની ઉત્પત્તિમાં મૂળ કારણ બીજ છે અને બીજાં સહકારી કારણો અનેક છે, તેમ સુખનું મુખ્ય કારણ પુણ્યકર્મ છે તથા દુ:ખનું મુખ્ય કારણ પાપકર્મ છે અને તેનાં સહકારી કારણો અનેક છે. સુખ-દુઃખ માત્ર દૃષ્ટ કારણોના આધારે જ નથી. તેની પાછળ અદૃષ્ટ પુણ્ય-પાપને માન્યા વિના સુખ-દુઃખનાં કારણ સિદ્ધ થઈ શકે એમ નથી,
કર્મ સૂક્ષ્મ ભલે હોય, પરંતુ તે છે જ નહીં એવું કહેવું યોગ્ય નથી, કેમ કે કારણની સિદ્ધિ કાર્ય દ્વારા થાય છે. કાર્ય જોઈને કારણના અસ્તિત્વનું અનુમાન સ્પષ્ટપણે કરી શકાય છે. કોઈને સુખી-દુઃખી જોઈને તેના અનુરૂપ કારણરૂપે શુભ-અશુભ કર્મને માની શકાય છે. કેવળજ્ઞાની ભગવંતોને કર્મ પ્રત્યક્ષ જણાય છે અને છદ્મસ્થ જીવોને જીવની વિચિત્રતા ઉપરથી અનુમાન વડે કર્મનું અસ્તિત્વ જણાય છે. કર્મની વિચિત્રતાથી જ પ્રાણીઓને સુખ-દુ:ખ વગેરે વિચિત્ર ભાવો પ્રાપ્ત થયા કરે છે, તેથી કર્મ છે જ એવો નિશ્ચય રાખવા યોગ્ય છે.
અહીં કોઈને શંકા થાય કે જો કાર્યને અનુરૂપ કારણનો નિયમ સ્વીકારવામાં આવે તો સુખ-દુઃખનું કારણ એવું કર્મ પણ તેને અનુરૂપ હોવું જોઈએ. સુખ-દુઃખ એ આત્માનાં પરિણામો હોવાથી અરૂપી છે, તેથી તે સુખ-દુ:ખનું કારણ એવું કર્મ પણ અરૂપી હોવું જોઈએ. પરંતુ કર્મ તો રૂપી છે અને એમ માનતાં કાર્યાનુરૂપ કારણનો નિયમ બાધિત થઈ જાય છે, એટલે માનવું પડશે કે કાર્યાનુરૂપ કારણ હોતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org