________________
ગાથા-૪૫
૪૧ આત્મા પોતાનાં કર્મનો કર્તા અને તેનાં ફળનો ભોક્તા છે. કર્મ કરવું અને ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી, તેથી તે ટળી શકે છે. સર્વ કર્મનો આત્યંતિક અભાવ થાય ત્યારે આત્મા મોક્ષપદને પામે છે. આમ હોવાથી જૈન ગ્રંથોમાં જીવોના બે પ્રકાર બતાવ્યા છે - મુક્ત અથવા સિદ્ધ અને બદ્ધ અથવા સંસારી. જે જીવો સર્વથા કર્મક્ષય કરી કર્મરહિત થયા હોય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ ચાર ગુણો જેમનામાં પ્રગટ થયા હોય તથા જન્મ-મરણના પરિભ્રમણમાંથી જેઓ સદાને માટે મુક્ત થયા હોય તે જીવો મુક્ત - સિદ્ધ છે. જે જીવો કર્મના કારણે દેહ ધારણ કરી, જન્મ-મરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરે છે તે બદ્ધ - સંસારી જીવો છે. (૩) બૌદ્ધ દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ
પ્રતીત્યસમુત્પાદવાદના ટેકેદાર હોવાથી મહાત્મા બુદ્ધ પરિવર્તનશીલ એવા દુષ્ટ ધર્મો સિવાય કોઈ પણ અદૃષ્ટ સ્થાયી દ્રવ્યનો સ્વીકાર કરતા નથી. તેઓ સમગ્ર જગતને પરિવર્તનશીલ માને છે અને નિત્ય બદલાતાં જતાં દ્રવ્યોથી ભિન્ન એવું કોઈ સ્થિર કે સ્થાયી આત્મતત્ત્વ છે એમ માનતા નથી. તેમના મત પ્રમાણે જેને જીવ કહેવામાં આવે છે તે તો એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ છે. તે કોઈ નિત્ય અને અચળ વસ્તુ નથી. જીવન એ વિભિન્ન, ક્રમબદ્ધ અને અવ્યવહિત અવસ્થાઓનો એક પ્રવાહમાત્ર છે. બૌદ્ધો કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનનો ઉદય અને લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કોઈ સ્થાયી સત્પદાર્થ નથી. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે, તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમૂહની અંદર પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે. બૌદ્ધો તેને વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. બૌદ્ધો આત્માને જ્ઞાન, અનુભૂતિ અને સંકલ્પોનું ક્ષણે ક્ષણે પરિવર્તિત થવાવાળું એક સંતાન માને છે. તેઓ આત્માને ક્ષણિક માને છે, તેથી તેઓ ક્ષણભંગવાદી કહેવાય છે. મહાત્મા બુદ્ધ ચેતનાની જુદી જુદી અવસ્થાઓનો સ્વીકાર કર્યો છે, પણ કોઈ સ્થાયી ચૈતન્યતત્ત્વની હસ્તી સ્વીકારી નથી, તેથી આ મતને અનાત્મવાદ અથવા નૈરાત્મવાદ કહેવાય છે. (૪) ન્યાય દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ
ન્યાય દર્શન શરીરથી ભિન્ન એવા અનંત તેમજ અનાદિ જીવદ્રવ્યને માને છે. નૈયાયિકોના મત અનુસાર આત્મા એક એવું દ્રવ્ય છે જે અનાદિ-અનંત છે અને ઇચ્છા, દ્રષ, પ્રયત્ન, જ્ઞાન, સુખ વગેરે તેના ગુણ છે. ગુણ ગુણીની સાથે સમવાય સંબંધથી સંકળાયેલા રહે છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણો આત્માની સાથે સંકળાયેલા તો છે, પણ સ્વભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org