________________
૪૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ભારતીય દર્શનકારોએ આત્માનું અસ્તિત્વ માન્ય કર્યું છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં આત્માના સ્વરૂપ અંગે પુષ્કળ વર્ણન કરવામાં આવ્યું છે. આત્મતત્ત્વની મીમાંસા તેમાં વિસ્તારથી કરેલી છે. આ વિષયને બહુ સૂક્ષ્મતાથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આત્માના અસ્તિત્વની સિદ્ધિ, તેનાં લક્ષણ, તેનું પરિમાણ ઇત્યાદિ વિષયોનું ઊંડું વિવેચન કરવામાં આવ્યું છે. આ વિષે દાર્શનિકોએ અનેક વિકલ્પો ઊભા કરીને દાર્શનિક ગ્રંથોનું નિર્માણ કર્યું છે. દાર્શનિક સાહિત્યમાં દાર્શનિકોએ પોતપોતાની દૃષ્ટિએ કરેલું આત્મતત્ત્વનું નિરૂપણ જોવા મળે છે.
ભારતીય દર્શનોમાં આત્માના સ્વરૂપ અંગે વિવિધ ખ્યાલો છે અને તેથી આત્મા અંગે વિવિધ દાર્શનિક વિચારસરણીઓ પ્રવાહિત થઈ છે, અનેક મત અસ્તિત્વમાં આવ્યા છે. જુદાં જુદાં દર્શનોમાં આત્માની જુદી જુદી વ્યાખ્યા કરવામાં આવી છે. આત્મા વિષે વિભિન્ન દર્શનોની માન્યતા આ પ્રકારે છે - (૧) ચાર્વાક દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ
ચાર્વાક દર્શન આત્માનું અસ્તિત્વ સ્વીકારતું નથી. તે માને છે કે આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. ચૈતન્યવિશિષ્ટ એવું જે ભૌતિક શરીર એ જે સાચું છે. ચાર્વાકમત અનુસાર ચાર કે પાંચ મહાભૂત સિવાય બીજી કોઈ સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. ચાર કે પાંચ મહાભૂતોનો સંયોગ થવો એ જ જીવન છે અને એ સંયોગનું નષ્ટ થવું એ જ મૃત્યુ છે. ચાર્વાકમત પ્રમાણે જડ તત્ત્વોનું કોઈ વિશેષ પ્રકારે સંમિશ્રણ થાય તો તેમાં ચૈતન્ય ગુણનો આવિર્ભાવ થાય છે. જડ પદાર્થોથી જુદો, આત્મા નામનો કોઈ સ્વતંત્ર એવો ચિટૂપ પદાર્થ માનવાની જરૂર નથી. જો શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વનું અસ્તિત્વ નથી તો તેની નિત્યતાનો પ્રશ્ન જ ઊઠતો નથી, કારણ કે મૃત્યુ પછી શરીર નષ્ટ થઈ જાય છે અને તેની સાથે ચૈતન્ય પણ નષ્ટ થઈ જાય છે. આમ, પુનર્જન્મ, સ્વર્ગ, નરક સર્વ મિથ્યા કરે છે. ચાર્વાકમતવાળા સ્વતંત્ર આત્મતત્ત્વને માનતા નહીં હોવાથી તેઓ નાસ્તિક ગણાય છે. (૨) જૈન દર્શનની દૃષ્ટિએ આત્મસ્વરૂપ
જૈન દર્શનમાં આત્માનું અસ્તિત્વ શરીરથી સ્વતંત્ર માનવામાં આવ્યું છે. જીવનું લક્ષણ ઉપયોગ છે, અર્થાત્ ચેતના છે. જ્ઞાન અને દર્શનરૂપ ઉપયોગ જેનામાં હોય, સુખ-દુ:ખની અનુભૂતિ જેનામાં હોય તે જીવ કહેવાય છે. જીવો અનંત છે અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. જીવ દેહપરિમાણ છે, અર્થાત્ તે રૂપરહિત અમૂર્ત હોવા છતાં પોતે ધારણ કરેલા દેહ જેટલો જ વિસ્તાર ધરાવે છે. તે કદી ઉત્પન્ન પણ થતો નથી કે મૃત્યુ પણ પામતો નથી. તે નિત્ય હોવા છતાં પરિવર્તનીય એવી પર્યાયથી અનિત્ય પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org