________________
૬૮૬,
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ચારિત્રમોહનીય કર્મનો સ્વભાવ રાગ-દ્વેષ ઉત્પન કરાવીને આત્મસ્થિરતાને રોકવાનો છે. આયુ કર્મનો સ્વભાવ જીવને કોઈ પણ શરીરમાં અટકાવીને રાખવાનો છે. નામ કર્મનો સ્વભાવ જીવ માટે શરીર વગેરે બનાવવાનો છે. ગોત્ર કર્મનો સ્વભાવ ઉચ્ચ-નીચ કુળમાં જીવને ઉત્પન્ન કરાવવાનો છે. અંતરાય કર્મનો સ્વભાવ દાન ઇત્યાદિ કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરાવવાનો છે.
આ રીતે કર્મની મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારે છે. મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારે અને ઉત્તર પ્રવૃતિબંધ ૧૨૦ પ્રકારે છે. બંધની અપેક્ષાએ ૧૨૦ ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, વેદનીય બે, મોહનીય છવ્વીસ, આયુ ચાર, નામ સડસઠ, ગોત્ર બે, અંતરાય પાંચ. ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ આ એકસોવીસ પ્રકૃતિમાં મિથ્યાત્વ મોહનીયના એક ભેદને બદલે ત્રણ ભેદ ગણતાં ૧૨૨ પ્રકૃતિ થાય છે. તેનું કારણ એ છે કે બંધ તો એક મિથ્યાત્વનો જ થાય છે, પણ જીવના અધ્યવસાયો વડે તેના ત્રણ પુંજ થાય છે - અશુદ્ધ, અર્ધવિશુદ્ધ અને શુદ્ધ; જે અનુક્રમે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય કહેવાય છે. તેથી બંધની અપેક્ષાએ એક પ્રકૃતિ છતાં ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ત્રણ પ્રકૃતિ ગણાય છે. આમ, ૧૨૦ને સ્થાને ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ છે. કર્મની સત્તાની અપેક્ષાએ નામ કર્મના ઉત્તર ભેદોમાં ૬૭ને સ્થાને જો ૯૩ ગણવામાં આવે તો ૧૪૮ ઉત્તર પ્રકૃતિ અને જો ૧૦૩ ગણવામાં આવે તો ૧૫૮ ઉત્તર પ્રકૃતિ થાય છે. નામ કર્મની ૬૭ પ્રકૃતિમાં પાંચ બંધન, પાંચ સંઘાત એ દસ અને વર્ણચતુષ્કને બદલે તેના ઉપભેદોને પણ ગણવામાં આવે તો ૧૬ એમ કુલ ૨૬ ઉમેરાતાં તેના ૯૩ ભેદ થાય છે; અને બંધનના પાંચ ભેદને બદલે ૧૫ ભેદ ગણવામાં આવે તો ૧૦૩ ભેદ થાય છે. આમ, બંધની અપેક્ષાએ ૧૨૦, ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ અને સત્તાની અપેક્ષાએ ૧૪૮ (અથવા ૧૫૮) પ્રકૃતિ છે.૧
દરેક સમયે બંધાયેલાં કર્મપરમાણુઓ સાત (અથવા આયુષ્ય સહિત હોય તો આઠ) કર્મની ઉત્તર પ્રવૃતિઓમાં વહેંચાઈ જાય છે, અર્થાત્ તે તે પ્રકૃતિરૂપે પરિણમી જાય છે. જેમ આહારરૂપે ગ્રહણ કરેલ પરમાણુઓ લોહી, માંસ, મજ્જા, હાડકાં, વીર્ય આદિ શરીરધાતુઓરૂપે પરિણમી જાય છે, તેવી રીતે કામણ વર્ગણા મૂળ અને ઉત્તર પ્રકૃતિઓ રૂપે તે તે કર્મના સ્વભાવાનુસાર પરિણમી જાય છે. વળી, જેમ અમુક આહાર ખાસ કરીને લોહીરૂપે પરિણમે છે તો અમુક આહાર વીર્યરૂપે; તેમ પ્રહાયેલા કર્મસ્કંધો ખાસ પ્રકૃતિરૂપે મોટે ભાગે પરિણમે છે; અર્થાતુ સમયમબદ્ધ (એક સમયે બંધાઈ ગયેલા) કર્મસ્કંધોના સાત (કે આઠ) એકસરખા વિભાગ થઈ જાય છે એમ સમજવા યોગ્ય નથી, ૧- જુઓ : પ્રથમ કર્મગ્રંથ', ગાથા ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org