________________
६८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાય છે કે અમુક સમય સુધી તે સર્વની એક જેવી પર્યાય થતી રહે છે. સ્કંધ સ્વયં કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, કિંતુ તે અમુક પરમાણુઓની વિશેષ અવસ્થા જ છે અને પોતાના આધારભૂત પરમાણુઓને આધીન જ તેની દશા રહે છે. પુદ્ગલોના બંધમાં એવી રાસાયણિકતા છે કે તે અવસ્થામાં તેનું સ્વતંત્ર વિલક્ષણ પરિણમન ન થતાં પ્રાય: એક જેવું પરિણમન થાય છે, પરંતુ આત્મા અને કર્મપુદ્ગલોનું આવું રાસાયણિક મિશ્રણ થઈ શકતું જ નથી. એ વાત જુદી છે કે કર્મપરમાણુના નિમિત્તે જીવના પરિણમનમાં વિલક્ષણતા આવી જાય છે અને જીવના નિમિત્તથી કર્મપરમાણુની પરિણતિ વિલક્ષણ થઈ જાય છે; પણ એટલામાત્રથી એ બન્નેના સંબંધને રાસાયણિક મિશ્રણની સંજ્ઞા આપી શકાતી નથી, કેમ કે જીવ અને કર્મના બંધમાં બન્નેની એક જેવી પર્યાય થતી નથી. જીવની પર્યાય ચેતનરૂપ થાય છે અને પુદગલની અચેતનરૂપ. જીવનું પરિણમન ચૈતન્યના વિકારરૂપે થાય છે અને પુદ્ગલનું રૂપ, રસ, ગંધ આદિરૂપે થાય છે.
નૂતન કર્મપુદ્ગલોનું જૂનાં બંધાયેલાં કર્મશરીરની સાથે રાસાયણિક મિશ્રણ થઈ જાય છે અને નૂતન કર્મ જૂનાં કર્મપુદ્ગલની સાથે બંધાઈ સ્કંધમાં ભેગું થઈ જાય છે. જૂના કર્મશરીરથી પ્રતિક્ષણ અમુક પરમાણુ ખરે છે અને તેમાં પ્રતિક્ષણ બીજાં નવાં ઉમેરાય છે. જીવના પ્રદેશ સાથે એકક્ષેત્રાવગાહપણે જે પૂર્વબદ્ધ કર્મસ્કંધો છે તેમાં નવા કર્મસ્કંધોનો સંબંધ થાય છે, પરંતુ આત્મપ્રદેશો સાથે તેનો બંધ, રાસાયણિક રૂપે કદાપિ થતો નથી. તે તો માત્ર સંયોગરૂપે છે. આત્મા અને કર્મશરીરની એકક્ષેત્રાવગાહના સિવાય અન્ય કોઈ રાસાયણિક મિશ્રણ થઈ શકતું નથી. જો રાસાયણિક મિશ્રણ થાય તો તે જૂનાં કર્મપુદ્ગલોનું નવીન કર્મપુદ્ગલો સાથે થાય છે, આત્મપ્રદેશો સાથે નહીં.
આમ, જીવ અને કર્મનો માત્ર સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નહીં; અને આ સંયોગ સંબંધ પણ ત્યારે જ થાય છે કે જ્યારે જીવની પરિણતિ વિકારી હોય છે. રાગ, દ્વેષ ઇત્યાદિ વિકારી ભાવોથી કર્મોનો બંધ થાય છે. જ્યારે કર્મનાં પરમાણુઓનો જીવની સાથે સંબંધ થાય છે ત્યારે ચાર વાત નક્કી થાય છે. કર્મબંધની સાથે જ કર્મોનાં સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શક્તિ અને કર્મનાં પરમાણુઓની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે. એ ચારને ક્રમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે. આમ, બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (અનુભાગ કે રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. ૧
કર્મબંધના ચાર પ્રકાર આ પ્રમાણે છે – (૧) પ્રકૃતિબંધ – કર્મપરમાણુઓના સ્વભાવનું નિર્માણ (કયું કર્મ કયા સ્વભાવનું હશે). ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૮, સૂત્ર ૪
'प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तद्विधयः ।' ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org