________________
६६४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યારે જીવ પોતાનાં મન, વચન અને કાયા દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મયોગ્ય પુદ્ગલપરમાણુઓનું આકર્ષણ થાય છે. જેટલા ક્ષેત્રમાં - જેટલા આકાશપ્રદેશોમાં તેનો આત્મા વિદ્યમાન રહે છે, તેટલા પ્રદેશોમાં વિદ્યમાન પરમાણુઓમાંથી થોડાં પરમાણુઓ તેના દ્વારા તે જ સમયે ગ્રહણ કરાય છે. પ્રવૃત્તિની તરતમતા પ્રમાણે પરમાણુઓની સંખ્યામાં પણ તારતમ્ય હોય છે. પ્રવૃત્તિનાં પ્રમાણમાં વધારો થતાં પરમાણુઓની સંખ્યામાં વધારો થાય છે અને પ્રવૃત્તિના પ્રમાણમાં ઘટાડો થતાં પરમાણુઓની સંખ્યામાં પણ ઘટાડો થાય છે.
એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે અજ્ઞાની જીવ કર્મ નથી બાંધતો. તેનું કારણ એ છે કે તે પ્રત્યેક ક્ષણે વિભાવભાવમાં હોય છે. વિભાવભાવના કારણે તેને સમયે સમયે કર્મબંધ થાય છે. એક આંખના પલકારામાં અસંખ્ય સમય વીતે છે. સમય એ કાળની નાનામાં નાની અવિભાજ્ય ઈકાઈ છે. એવા અસંખ્ય સમયો એક પલકારામાં થાય છે અને તેમાંના પ્રત્યેક સમયે જીવ સાત અથવા આઠ કર્મો બાંધે છે. આયુષ્ય કર્મ ન બાંધે ત્યારે સાત અને આયુષ્ય કર્મ બાંધે ત્યારે આઠ એમ જીવ સમયે સમયે સાત કે આઠ કર્મ બાંધે છે.
રાગાદિ ભાવકર્મથી પરિણત થયેલો આત્મા પ્રતિસમય, કર્મરૂપે પરિણમી શકે એવી કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે બન્નેનો અગ્નિ-લોહની જેમ સંબંધ થાય છે. અગ્નિથી તપેલા લોખંડના ગોળા જેવો આત્મા અને કર્મનો બંધ થાય છે. જો લોખંડના ગોળાને ભઠ્ઠીમાં નાખવામાં આવે તો તે લાલચોળ થઈ જાય છે. અગ્નિમાં લોખંડનો ગોળો મૂકવામાં આવે ત્યારે અગ્નિ એના એક એક કણ(ભાગ)ને સ્પર્શતો સ્પર્શતો આગળ વધે છે અને થોડી વારમાં તો અગ્નિ લોખંડના ગોળાના સર્વ પ્રદેશમાં પ્રસરી જાય છે. પહેલાં કાળો દેખાતો લોખંડનો ગોળો, તેમાં અગ્નિના થયેલા પ્રવેશથી લાલચોળ દેખાય છે. હવે લોખંડ એના મૂળ સ્વરૂપમાં નથી દેખાતું, પણ તેના ઉપર આગની લાલાશ જ દેખાય છે. આ પ્રકારે આત્મા અને કાશ્મણ વર્ગણાનો સંબંધ છે. આત્માના વિભાવભાવથી કર્મપુદ્ગલો આત્માના પ્રદેશ પ્રદેશ છવાઈ જાય છે. આત્મા ઉપર કાર્મણ વર્ગણાનો જથ્થો કર્મરૂપે છવાયેલો હોવાથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રગટ થતું નથી.
આત્મા સાથે કર્મના બંધને સમજવા માટે બીજું દૃષ્ટાંત છે દૂધ-પાણીનું. દૂધ અને પાણી અને સ્વતંત્ર દ્રવ્યો છે. બન્ને જુદાં જુદાં દ્રવ્યો હોવા છતાં તે બન્નેને ભેગાં કરવામાં આવે છે ત્યારે તે એકબીજામાં મળી જાય છે. મિશ્રણ થઈ ગયા પછી બન્ને એકરૂપે દેખાય છે. આત્મા અને કર્મનો બંધ પણ આવો જ છે. આત્મા અને કર્મનો સંયોગ સંબંધ ક્ષીરનીરવત્ છે. જેમ દૂધ સાથે પાણી મળીને એકરસ થઈ જાય છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org