________________
૬૪૦
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિસંગતિઓ ઊભી થવી સંભવે છે. જીવ અને ઈશ્વર બન્નેને જો ચૈતન્યસ્વભાવી માનવામાં આવે તો બન્ને સમાન ધર્મના કર્તા થાય. તેમાં ઈશ્વર જગતની રચના કરે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે, છતાં શુદ્ધ તથા મુક્ત ગણાય અને જીવ માત્ર એક દેહ(પોતાના દેહ)ને રચે તથા પોતાનાં કર્મોનું ફળ પામવા ઈશ્વરનો આશ્રય રહે અને છતાં તે બંધવાળો ગણાય, આ વાત યથાર્થ નથી. ચૈતન્યસ્વભાવ સમાન હોવા છતાં જીવ થોડો રાગ કરે અને એક દેહમાં રહેવાનું કાર્ય કરે તો પણ તેને બંધવાળો કહેવો અને ઈશ્વર અનંત દેહોનું કાર્ય કરે અથવા સુખ-દુઃખરૂપ ફળ આપે છતાં તેને શુદ્ધ અને મુક્ત કહેવો એમ કઈ રીતે સંભવે?
વળી, ઈશ્વરનું સામર્થ્ય જીવથી વધારે માનવામાં આવે તો પણ વિરોધ આવે છે. ઈશ્વરને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માનવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ ભેદ પડવો ન જોઈએ, અર્થાત્ ઈશ્વરથી કર્મના ફળ આપવારૂપ કાર્ય ન થવું જોઈએ અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ. ઈશ્વરને અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ માનવામાં આવે તો તેની સંસારી જીવો જેવી મલિન સ્થિતિ થાય અને તેથી તેનામાં સર્વજ્ઞતા આદિ ગુણોનો સંભવ રહે નહીં. વળી, દેહધારી સર્વજ્ઞની જેમ ઈશ્વરને દેહધારી સર્વજ્ઞ માનવામાં આવે તો પણ તેનો કર્મફળદાતૃત્વરૂપ વિશેષ સ્વભાવ માનવો અયથાર્થ ઠરે છે, કારણ કે તેને દેહધારી માનવામાં આવે તો તેના દેહનો નાશ થયા પછી - તે મુક્ત થયા પછી તેનામાં કર્મફળદાતૃત્વ સંભવે નહીં. આ બધી દલીલોથી એમ સાબિત થાય છે કે ઈશ્વરને જો કર્મફળદાતા માનવામાં આવે તો તેના ઉપર અનેક દોષોનું આરોપણ થાય છે. તેને સારાં-નરસાં કર્મોનાં ફળનો દાતા માનવાથી ઈશ્વરનું ઈશ્વરપણું જ નથી રહેતું.
આમ, અનેક પ્રકારે વિચારતાં શિષ્યને એ પ્રતીત થાય છે કે ઈશ્વર શુદ્ધસ્વભાવી હોવાથી તેને કર્મફળદાતા માનતાં અનેક દોષ ઉત્પન્ન થાય છે. ઈશ્વરના કર્મફળદાતૃત્વ વિષે ઊંડી વિચારણા કરતાં શિષ્યને ન્યાયમાં વિરોધ આવતો દેખાય છે, અર્થાત્ શુભાશુભ કર્મનું ફળ ઈશ્વર આપે છે એમ માનવાથી જીવ ભોક્તા તો સિદ્ધ થાય છે, પણ ઈશ્વરને ઉપાધિવાળો માનતાં ઈશ્વરનું ઈશ્વરપણું ટળીને તેને જીવપણું પ્રાપ્ત થાય છે. તો પછી પ્રશ્ન થાય છે કે જીવનું કર્મફળભોક્નત્વ કયા પ્રકારે સંભવે? જીવમાં શુભાશુભ કર્મનું ફળ કેવી રીતે શક્ય બને? આ શંકાના નિરાકરણ અર્થે શિષ્ય શ્રીગુરુની પાસે પોતાની મૂંઝવણ રજૂ કરી યથાર્થ સમાધાનની યાચના કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ફળદાતા ઈશ્વર ગયે, તો તે ઘટે જરૂર; સમર્થ વિણ કોણ કરી શકે, વિના જ્ઞાન અંકુર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org