________________
ગાથા-૮૦
૬૩૯ છે. તે જો જીવને કર્મ અનુસાર ફળ આપવામાં જોડાય તો તેને ઇચ્છા, મન, દેહ જોઈએ અને તેથી તેની પર્ણ શુદ્ધતામાં ભંગ પડે. ઈશ્વર જીવોને કર્મફળ આપવાના પ્રપંચમાં પડે તો તેને દેહાદિનો સંગ થાય અને તેની શુદ્ધતા ખંડિત થાય. તેથી પરને ફળ આપવાની પ્રવૃત્તિ કરે તે ઈશ્વર હોઈ શકે નહીં. ઈશ્વરને ઉપાધિરહિત, વીતરાગી, જ્ઞાતા ભગવાન ઠરાવવો અને વળી તેને ફળ આપવાના પ્રપંચવાળો માનવો એ બન્ને વાતો પરસ્પર વિરુદ્ધ છે. એ બન્ને વચ્ચે પ્રત્યક્ષ સ્પષ્ટ વિરોધ છે.
આમ, પરને ફળ આપવાની પ્રવૃત્તિ દેહ અને રાગ વિના સંભવે નહીં અને દેહાદિ અનેક પ્રકારનો જો ઈશ્વરને સંગ થાય તો તે પરભાવનો કર્તા થાય, અર્થાત્ ઈશ્વર જો કર્મફળદાતા ઠરે તો તેને પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે અને તે સંસારના મહાપ્રપંચમાં ફસાઈ જાય. ઈશ્વરમાં જો ઇચ્છા, રાગ, ઉપાધિ માનવામાં આવે તો તેનું ઈશ્વરપણું ટકે નહીં. ઈશ્વર તો મહિમાવંત, દેહરહિત, રાગાદિ ભાવરહિત, વીતરાગ પરમાત્મા છે. તે અસંગ અને સ્વાધીન છે. તેને જો પરના સંગવાળો, ઇચ્છાવાળો, કર્તવ્યવાળો માનવામાં આવે તો ઈશ્વરનું ઈશ્વરપણું જ ટકે નહીં. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે –
જો ઈશ્વર કર્મનાં ફળને આપે એમ ગણીએ તો ત્યાં શુદ્ધતા એટલે ઈશ્વરનું ઐશ્વર્ય જ રહેતું નથી. જગતના જીવો પુણ્ય-પાપ કરે તેને ફળ દેવા આદિ ઉપાધિમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે; અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે... મુક્ત જીવો બધા વીતરાગ છે. પરભાવ આદિના કર્તા નથી. તે પરભાવ આદિના કર્તા થાય તો તેને સંસારની અને રાગીપણાની પ્રાપ્તિ થાય. તેમજ ઈશ્વર પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવ આદિના કર્તાપણાના દોષનો પ્રસંગ આવે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય.૧
મુક્ત જીવો નિષ્ક્રિય હોય છે, અર્થાત્ પરભાવાદિના કર્તાપણાથી રહિત હોય છે. પરભાવાદિના કર્તાપણાથી તો સંસારની પ્રાપ્તિ થાય છે. જો ઈશ્વર કર્મફળદાતા હોય તો તે પરભાવાદિનો કર્તા બને છે અને એ રીતે તે મુક્ત જીવો કરતાં પણ હીન બને છે. ઈશ્વર જો જીવોને કર્મફળ આપવાની પ્રવૃત્તિમાં પ્રવર્તતો હોય તો તે મુક્ત જીવો કરતાં પણ ન્યૂન ઠરે છે અને તેથી તેનું ઈશ્વરપણું જ ખંડિત થાય છે.
વળી, બધા આત્મા જાતિ અપેક્ષાએ પરમાત્મસ્વરૂપ છે. કોઈ પણ આત્મા પોતાના સ્વરૂપને પામવાનો યથાર્થ પુરુષાર્થ કરે તો તે પૂર્ણ પવિત્ર પરમાત્મા થઈ શકે છે. જીવનો સ્વભાવ જુદો અને ઈશ્વરનો સ્વભાવ જુદો, એમ સ્વભાવભેદ માનતાં અનેક ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૨૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org