________________
ગાથા-૮૦
૬૩૩
રહેતું નથી અને ઈશ્વરપણું માનવામાં આવે તો ફળદાતાપણું રહેતું નથી; એમ પરસ્પર પરિહારરૂપ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધસ્વરૂપી હોવાથી એ વીતરાગી મધ્યસ્થ પરમાત્મા અનંત પરદ્રવ્યોની વ્યવસ્થાના પ્રપંચમાં પડે નહીં, તેથી જીવ અને કર્મની વચ્ચે વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવો તે ન્યાયયુક્ત લાગતું નથી.
શિષ્ય વિચારે છે કે જડ કર્મો પોતાની જાતે ફળ આપી શકે નહીં. જડ (વિશેષાર્થ
| કર્મો જ સ્વતંત્રપણે જીવોને સુખ-દુઃખ આપે એ વાત યુક્તિસંગત નથી. સુખ-દુ:ખની વિચિત્રતા કેવળ જડકર્મભનિત ન હોઈ શકે, તે અર્થે ચેતન ઈશ્વરને કારણરૂપ માનવાની જરૂર છે. જીવોને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે કર્મફળદાતા ઈશ્વરની આવશ્યકતા છે. કૃતકર્મફળના વિભાગનો જાણકાર એવો ઈશ્વર જીવોનાં કર્મોનું ફળ આપે છે એમ માનવાથી જીવનું ભોક્તાપણું સધાય છે. કર્મ જડ હોવાથી તે સ્વયં તો જીવને કર્મફળ ભોગવાવી શકે નહીં અને તેથી જીવ કર્મફળનો ભોક્તા ઠરે નહીં; પરંતુ જો વિશિષ્ટ ચૈતન્યસત્તારૂપ ઈશ્વર જીવને તેનાં કર્મોનું ફળ આપતો હોય તો જીવ કર્મફળનો ભોક્તા ઠરે.
પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં શિષ્ય એ વિકલ્પ રજૂ કરે છે કે ઈશ્વર સર્વ જીવોને તેમનાં કર્મોનું ફળ આપે છે. ઈશ્વર શુભાશુભ કર્મોનું ફળ સર્વ જીવોને પહોંચાડે છે અને કર્મફળની વ્યવસ્થા સાચવે છે. કોઈને અધિક સુખ અને કોઈને ન્યૂન સુખ, કોઈને અધિક દુઃખ અને કોઈને ન્યૂન દુ:ખ, એવા પ્રકારની જે કર્મફળવ્યવસ્થા જોવામાં આવે છે તે ઈશ્વરનું કાર્ય છે. આ રીતે કર્મફળદાતા તરીકે ઈશ્વરને સ્વીકારતાં જીવનું કર્મફળભોક્તાપણું સિદ્ધ થઈ શકે છે. ઈશ્વર સર્વનાં કર્મો જાણે છે. તેથી જેમ ન્યાયાધીશ ગુનેગારોને સજા આપે છે, તેમ ઈશ્વર જીવોને તેમનાં કર્મ ભોગવાવે છે એમ માનતાં જીવનું ભોક્તાપણું સહેલાઈથી સિદ્ધ થાય છે. ફળદાતા ઈશ્વરને માન્યા વિના જીવનું ભોક્તાપણું સિદ્ધ થઈ શકતું નથી.
આ વિકલ્પ શિષ્યને ન્યાય દર્શનના પ્રભાવથી ઉદ્ભવ્યો હોય એમ જણાય છે. ન્યાય દર્શનમાં ઈશ્વરને અત્યંત મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. નૈયાયિકોએ ઈશ્વરનો સ્વીકાર કર્યો છે અને તેને જગતકર્તા તથા કર્મફળનો દાતા માન્યો છે. કર્મ પુરુષકૃત છે તથા તેનું ફળ અવશ્ય હોવું જોઈએ એમ તેઓ સ્વીકારે છે. તે છતાં ઘણી વાર પુરુષકૃત કર્મ નિષ્ફળ જતાં હોય છે, તેથી પુરુષકૃત કર્મ પોતે કર્મનું ફળ શી રીતે આપી શકે એવો પ્રશ્ન ન્યાય દર્શનના પ્રણેતા મહર્ષિ ગૌતમને ઉદ્ભવ્યો. કર્મની સાથે કર્મફળનો ઘણી વાર સંબંધ જણાતો નથી, તેનું સમાધાન કરવા જતાં તેમણે કર્મ અને કર્મફળની વચ્ચે, કર્મથી જુદું જ એક કારણ ઉમેર્યું. તેમણે કહ્યું કે કર્મના ફળમાં ઈશ્વર કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org