________________
૬૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
પ્રાપ્ત થાય છે. સત્ય મળે છે સ્વયંના શ્રમથી, સ્વયંના બોધથી! બીજું કોઈ સત્ય આપી શકતું નથી. સત્ય જીવે પોતે જ પ્રાપ્ત કરવાનું હોય છે. મુમુક્ષુ જીવ સાધના માટે જીવનને દાવ ઉપર લગાવે છે અને બધા વિભાવભાવોથી નિવર્તી નિજસ્વરૂપ તરફ દૃષ્ટિ કરે છે.
જેની મુમુક્ષુતા તીવ્ર હોય તેને તો સદ્ગુરુનું વચન સાંભળવામાત્રથી કાર્ય થઈ જાય છે. સાંભળતાંની સાથે જ તેના ભાવોમાં પરિવર્તન શરૂ થઈ જાય છે. તેને એવો પ્રબળ ઉત્સાહ હોય છે કે શ્રવણ કરતાંની સાથે જ તે બદલાઈ જાય છે. સદ્ગુરુનો બોધ તેના અંતઃસ્થલમાં પહોંચી જાય છે અને તત્ક્ષણ તેનામાં રૂપાંતરણ શરૂ થઈ જાય છે.
ત્રણ પ્રકારના શ્રોતા હોય છે પ્રથમ પ્રકારનો શ્રોતા એવો હીન કક્ષાનો હોય છે કે તેને જગાડવામાં આવે તોપણ તે જાગતો નથી, તે સાંભળે છે છતાં તે સાંભળતો નથી. ક્યારેક સદ્ગુરુના બોધમાંથી તેને કંઈક પકડાય છે તેના અંતરમાં કંઈક કૂણાશ પ્રગટે છે, ત્યાં તો તેનું દોઢડહાપણ, સ્વચ્છંદ તેમજ આગ્રહથી મેલી થયેલી તેની બુદ્ધિ વચમાં આવે છે, તેને કંઈ ને કંઈ સમજાવે છે અને તે યથાર્થ માર્ગે પ્રયાણ આદરી શકતો નથી. તેના આત્મામાં ક્રાંતિ થતી જ નથી. તેની સ્મૃતિમાં બોધ ટકે છે પણ એ બોધ હૃદયને સ્પર્શી શકતો નથી. દુનિયાના અધિકાંશ લોકો આવા પ્રકારના હોય છે. બીજા પ્રકારનો (મધ્યમ) શ્રોતા એવો છે કે કોઈ શ્રમ કરે તો તે જાગૃત થાય છે. સદ્ગુરુનો ઉપદેશ તેને જગાડે છે પણ ઘણી. મહેનતે! પૂર્વસંસ્કારમાંથી છૂટવા તેણે ખૂબ પ્રયત્ન કરવો પડે છે, પણ સદ્ગુરુના ઉપદેશથી તે જાગૃત તો થાય છે. જઘન્ય કક્ષાનો શ્રોતા સદ્ગુરુના બોધને સાંભળે છે, ક્વચિત્ સમજે પણ છે, છતાં તેને તર્કાદિ વચ્ચે નડે છે; જ્યારે મધ્યમ કક્ષાનો શ્રોતા સદ્ગુરુના બોધને સાંભળે છે, સમજે છે અને એ બોધનો તે સ્વીકાર પણ કરે છે કે ‘આમ જ હોય, આમ જ મારે કરવું જોઈએ', પરંતુ એ પ્રમાણે કરવાનું સાહસ તેનામાં જાગતું નથી.
-
ત્રીજો પ્રકાર ઉત્કૃષ્ટ શ્રોતાનો છે. તેનામાં શ્રવણ, સમજ, સ્વીકાર અને સાહસ યુગપદ્ - એકીસાથે પ્રગટે છે. તે અલ્પ ઉપદેશથી પણ જાગૃત થઈ જાય છે. કહ્યું નથી અને પરિણમી જાય. અહીં ગુરુ કહે અને ત્યાં શિષ્યમાં ઘટિત થાય. તેનામાં શીવ્રતાથી કાર્ય થાય છે, સાંભળતાં જ ધા પડે છે, વેદના થાય છે અને તે ઉપર ઊઠે છે. બોધ મળતાવેંત માન્યતામાં ઊતરી જાય છે, પરિણામમાં ઝળકે છે અને તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજા પ્રકારના શ્રોતાને બોધ બુદ્ધિ સુધી પહોંચે છે, જ્યારે અહીં એ બોધ તત્ક્ષણ હૃદય સુધી પહોંચી જાય છે, તેથી આવું પરિણામ સહેજે નીપજે છે.
આ શ્રેષ્ઠતમ સાધકની દશા છે. શ્રીગુરુને જોતાવેંત તેનું હૃદય ઊછળવા માંડે છે. શ્રીગુરુના અસ્તિત્વમાં ઓતપ્રોત થવા તે આતુર હોય છે. શિષ્યની આવી અભીપ્સા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org