________________
ગાથા-૭૯
તાલાવેલી, નિષ્ઠા જોઈને શ્રીગુરુને પણ પ્રસન્નતા થાય છે. તેની પાત્રતા જોઈ તેમના અંતરમાંથી પ્રેમ ઊમટે છે અને એ રીતે ગુરુ-શિષ્યનો અંતરંગ સંબંધ સહજપણે કેળવાય છે. શિષ્યનો શ્રીગુરુના અંતઃકરણ સાથેનો સંબંધ સદૈવને માટે બંધાય છે.
શિષ્યને એવો વિશ્વાસ હોય છે કે ગુરુ પાસેથી તેને પોતાના પ્રશ્નોના ઉત્તર મળશે જ, સદ્ગુરુ તેની સમસ્યાનું યથાર્થ નિરાકરણ કરશે જ, સદ્ગુરુ તેના પ્રશ્નોનું યથાર્થ સમાધાન આપી તેને નિઃશંક કરશે જ. સદ્દગુરુ તેને પ્રાથમિક ભૂમિકામાં સમાધાન આપે છે, પણ પછી તો તેઓ શિષ્યને એવી ભૂમિકા ઉપર લઈ જાય છે કે
જ્યાં સમસ્યા જ ન રહે. તેની ચિત્તદશા એવી થઈ જાય છે કે તેને કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો અને થાય તો પણ તરત શમી જાય છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય પણ મુમુક્ષુતાસંપન્ન છે, પાત્રતાવાન છે. તે શ્રીગુરુ સમક્ષ વિનયપૂર્વક પોતાની શંકાઓ રજૂ કરે છે. પ્રસ્તુત ગાથામાં તે શ્રીગુરુને કહે છે કે આપના સમાધાનથી આત્માના કર્મકર્તાપણાનો તો સ્વીકાર થાય છે, આત્મા કર્મનો કર્તા છે એમ તો મનાય છે; પણ આત્મા કર્મના ફળનો ભોક્તા છે એ વાત બેસતી નથી. કર્મ જડ હોવાથી તેનામાં ફળ આપવાની સમજણશક્તિ નથી, તો પછી તેને ફળ આપવાની ખબર કઈ રીતે પડે? ચૈતન્યશક્તિરહિત જડ કર્મને શું ખબર પડે કે આ જીવને આટલું ફળ આપવાનું છે? અને તેથી તે ફળ આપવામાં કેવી રીતે પરિણામી થાય? આમ વિચારતાં શિષ્યને આત્માનું કર્મફળભોસ્તૃત્વ યથાર્થ ભાસતું નથી. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
જીવ કર્મ કર્તા કહો, એ તો ઠીક સમજાય; વિચારતાં મધ્યસ્થથી, ઘટે યુક્તિ ને ન્યાય. કર્તા જીવ જ કર્મનો, પણ ભોક્તા નહિ સોય; એ શંકા રહે છે કહો, સમાધાન જે હોય. કારણ પુદ્ગલ જાતિ તે, સર્વ અચેતનરૂપ; શું સમજે જડ કર્મ કે, અંધકાર મહા કૂપ. પોતે પોતાને કદી, ઓળખી શકે ન કોય; તો શી રીતે બીજા પ્રતિ, ફળ પરિણામી હોય?'૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ' , ગાથા ૩૧૩-૩૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org