________________
ગાથા-૭૯
૬૧૯
સિદ્ધિ તો દૂર રહી, ઊલટું નુકસાન થાય છે. સરખાં સાધન હોવા છતાં ફળની આ વિભિન્નતાના કારણે કર્મની સિદ્ધિ થાય છે. ફળવિશેષ એ કાર્ય હોવાથી તેનું કારણ એવું કર્મ સિદ્ધ થાય છે. પ્રત્યેક જીવ પોતાનાં પૂર્વબદ્ધ કર્મનાં ફળને ભોગવે છે.
પોતાની ક્રિયાથી બંધાયેલાં કર્મનું ફળ જીવ ભોગવે છે. ધાન્ય આદિ માટે કૃષિ આદિ કાર્ય કરવા છતાં, ક્યારેક પૂર્વકર્મના કારણે ધાન્ય આદિ રૂપ ફળ ન પણ મળે, પરંતુ તે ક્રિયાથી બંધાયેલાં નવીન કર્મનું ફળ તો ભવિષ્યમાં મળે જ છે. ક્રિયામાત્રનું ફળ હોય જ છે. ચેતનની કરેલી કોઈ પણ ક્રિયા નિષ્ફળ હોતી નથી. શુભાશુભ ક્રિયાનું સુખ-દુઃખરૂપ ફળ અવશ્ય હોય છે. શુભ પ્રવૃત્તિના ફળરૂપે જીવ સુખી થાય છે અને અશુભ પ્રવૃત્તિના ફળરૂપે જીવ દુ:ખી થાય છે.
જીવની શુભાશુભ પ્રવૃત્તિ અનુસાર પુણ્ય-પાપરૂપ કર્મ બંધાય છે. કર્મના પુણ્ય અને પાપ એવા બે ભેદો સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે સુખ અને દુઃખ એ બન્ને કાર્યો હોવાથી તે બન્નેનાં તેને અનુરૂપ એવાં કારણો હોવાં જોઈએ. જેમ ઘટનું અનુરૂપ કારણ માટી છે અને પટનું અનુરૂપ કારણ તંતુઓ છે, તે જ પ્રમાણે સુખનું અનુરૂપ કારણ પુણ્યકર્મ અને દુઃખનું અનુરૂપ કારણ પાપકર્મ માનવું જોઈએ. સુખ-દુઃખનું કારણ કર્મ છે, તેથી કર્મ પુણ્યરૂપ અને પાપરૂપ એમ બે પ્રકારે સિદ્ધ થાય છે. પુણ્ય-પાપરૂપ કર્મને સ્વીકા૨વાં જોઈએ.
સુખના પ્રકૃષ્ટ અનુભવનું કારણ પુણ્યનો પ્રકર્ષ છે અને પ્રકૃષ્ટ દુ:ખાનુભવનું કારણ પાપનો પ્રકર્ષ છે. પુણ્યનો પ્રકર્ષ થવાથી સુખની વૃદ્ધિ થાય છે અને પાપના પ્રકર્ષથી દુ:ખની બહુલતા થાય છે. સુખનાં સાધનોના પ્રકર્ષ-અપ્રકર્ષ માટે પુણ્યનો પ્રકર્ષ-અપ્રકર્ષ આવશ્યક છે અને દુઃખનાં સાધનોના પ્રકર્ષ-અપ્રકર્ષ માટે પાપનો પ્રકર્ષઅપ્રકર્ષ આવશ્યક છે. હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભ કાર્યોનાં ફળરૂપે કદાપિ, ક્યારે પણ, કોઈ કાળે, કોઈ પણ જીવ સુખી થતો નથી અને દાન આદિ શુભ કાર્યોનાં ફળરૂપે કદાપિ, ક્યારે પણ, કોઈ કાળે, કોઈ પણ જીવ દુઃખી થતો નથી.
તાત્પર્ય એ છે કે જીવનાં મન-વચન-કાયાની પ્રત્યેક ક્રિયાથી કર્મ બંધાય છે, પોતાના પરિપાક કાળમાં જીવને તથાપ્રકારે ફળ આપે છે. સત્પુરુષાર્થ દ્વારા જૂનાં કર્મોનાં ફળ રોકી શકાય છે અથવા નિવારી શકાય છે અને નવાં કર્મ તથા તેની સાથે સંબંધ ધરાવતાં દુઃખમય જન્મ-મરણાદિનું પણ નિવારણ થઈ શકે છે. જ્યારે આત્મા સમસ્ત કર્મોથી રહિત થઈ જાય છે ત્યારે તે મુક્ત કહેવાય છે. આત્મા એક વાર મુક્ત થઈ ગયા પછી પુનઃ તેની સાથે કર્મ બંધાતાં નથી. કર્મનું કર્તૃત્વ અને ભોક્ત બન્ને શરીરયુક્ત બદ્ધ આત્મામાં પ્રાપ્ત થાય છે, મુક્તાત્મામાં નહીં આ છે ભારતીય દર્શનોની (ચાર્વાક સિવાયના) સર્વમાન્ય સામાન્ય માન્યતા.
Jain Education International
For Private & Personal Use Only
–
www.jainelibrary.org