________________
૫૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માનવામાં આવે તો પ્રશ્ન થાય કે આ ઈશ્વરની પ્રેરણા કયા પ્રયોજનથી છે?"
ઈશ્વર નરકાદિના સાધનમાં જેને જેને પ્રેરણા કરે છે, તે તો તે તે જીવો પ્રત્યેનો વેષભાવ છે અને સ્વર્ગાદિના સાધનમાં જેને જેને પ્રેરણા કરે છે, તે તો તે તે જીવો પ્રત્યેનો રાગભાવ છે. ઈશ્વર જો આમ કરતો હોય તો રાગ-દ્વેષના અભાવરૂપ ઈશ્વરનો જે વીતરાગતા ગુણ છે, તે જ નષ્ટ થઈ જાય છે. કદાચ એમ કહેવામાં આવે કે ઈશ્વરને કાંઈ પણ પ્રયોજન છે જ નહીં; તો તેનું સમાધાન એ છે કે જો પ્રયોજન ન હોય તો પ્રયોજનમૂલક પ્રેરણા પણ ન હોઈ શકે, કારણ કે જે કાંઈ પણ પ્રેરણા કરવામાં આવે, તે તો કોઈ ફળને અનુલક્ષીને હોય છે. જો ફળની ઇચ્છા ન હોય તો તેને માટે પ્રેરણા પણ ન હોય; અને પ્રેરણાના અભાવે પ્રેરકપણું પણ ન હોઈ શકે. આમ, ઈશ્વર પ્રેરકકર્તા છે એવો સિદ્ધાંત નષ્ટ થાય છે. પ્રયોજન કે પ્રયોજનનો અભાવ એ બન્નેમાંથી એક પણ ઘટી શકતું નથી. જો એમ માનવામાં આવે કે જીવો પોતાની મેળે જ અશુભ ભાવની અધિકતાથી હિંસા આદિ અશુભ કાર્યો કરે છે અને શુભ ભાવની અધિકતાથી યમ-નિયમાદિ શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તો તો ઈશ્વરનું કર્તુત્વ જ વ્યર્થ ઠરે છે.
- જો કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વર આધીન હોય તો જીવ પરતંત્ર બને છે. કાર્ય કરવામાં જો તે સ્વતંત્ર ન હોય તો તે કર્મફળનો ભોક્તા પણ ન હોઈ શકે. જો કોઈ માણસ શસ્ત્રથી કોઈ માણસનું ખૂન કરે તો તે ખૂનનો જવાબદાર ખૂની માણસ બને છે, શસ્ત્ર નહીં; તેમ જો જીવ કાર્ય કરવામાં પરાધીન હોય તો તે પુણ્ય-પાપનાં ફળનો ભાગીદાર બને નહીં. જેમ સેનાપતિની આજ્ઞાથી સૈનિકો યુદ્ધમાં ઘણા માણસોને મારી નાખે છે છતાં તે સૈનિકો એ કાર્યના જવાબદાર હોતા નથી, એ જ રીતે સ્વામીની આજ્ઞાથી સેવક જે કામ કરે છે તેનો જવાબદાર સેવક થતો નથી, તેમ જો ઈશ્વરની પ્રેરણાથી સારાં-નરસાં કામ જીવ કરતો હોય તો એ કર્મનો જવાબદાર તે જીવ ન ગણાય. એ કર્મનાં ફળ - સુખ અથવા દુઃખ ઈશ્વરને જ મળવાં જોઈએ. જે કરે તે જ ભોગવે. જેણે કર્મ કર્યું તેણે જ તેનું ફળ ભોગવવું જોઈએ. જો ઈશ્વર જ કર્તા હોય તો કરણીનાં ફળ ઈશ્વરે જ ભોગવવાં જોઈએ.
વળી, જો ઈશ્વરની પ્રેરણાથી ગુણ-અવગુણ થતા હોય તો જીવતત્ત્વનો અભાવ થઈ જાય, કારણ કે જીવની સત્તામાં ગુણપણું અથવા દોષપણું ન આવ્યું, પણ તેમાં ઈશ્વરાધીનપણું આવ્યું. કર્તા ઈશ્વરપ્રેરિત છે એમ સ્વીકારતાં જીવનું અસ્તિત્વ ઠરતું નથી, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૧૯૮
'नरकादिफले कांश्चित् कांश्चित् स्वर्गादिसाधने । कर्मणि प्रेरयत्याशु स जन्तून् केन हेतुना? ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org