________________
પ૬૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સિદ્ધ થઈ શકે છે; પરંતુ જીવને સર્વથા શુદ્ધ માનવાથી ઉપર કહેલી વાતોમાંથી એક પણ વાત સિદ્ધ થતી નથી, તેથી પર્યાયથી જીવને અશુદ્ધ માનવો તે જ યુક્તિસંગત છે.
મુક્તિ અને મુક્તિશાસ્ત્રની બધી વાતો તો જ ઘટે જો આત્મા સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ માનવામાં આવે. આત્મા વર્તમાન અવસ્થામાં અશુદ્ધ છે અને સ્વભાવથી શુદ્ધ છે એમ માનવામાં આવે તો જ મોક્ષશાસ્ત્રો ઘટે. આત્માને સર્વથા શુદ્ધ કે સર્વથા અશુદ્ધ માનવો અયોગ્ય છે. શુદ્ધ કે અશુદ્ધ બનેમાંથી એક પણ એકાંતે માનવું યોગ્ય નથી. આત્માને એકાંતે અશુદ્ધ માનવામાં આવે તો ગમે એટલા ઉપાયો કરવા છતાં તે અશુદ્ધતા દૂર ન થવાથી તેનો મોક્ષ થાય જ નહીં અને તો પછી મોક્ષશાસ્ત્રોને કરવાનાં શું? એકાંતે શુદ્ધ સ્વભાવ માનવામાં આવે તો પહેલેથી જ એ શુદ્ધ હોવાથી જીવે મોક્ષ માટે કાંઈ કરવાનું જ ન રહે, તો પછી મોક્ષશાસ્ત્રો નિરર્થક ઠરશે.
ક્ષણિક અવસ્થાની અશુદ્ધતા વખતે જો આખો આત્મા જ તદન અશુદ્ધ થઈ ગયો હોય, તે સ્વભાવથી પણ શુદ્ધ ન રહ્યો હોય તો તે પોતાની અશુદ્ધતા ટાળીને શુદ્ધતા લાવશે ક્યારે અને ક્યાંથી? જો શક્તિરૂપે શુદ્ધતા હોય તો પર્યાયમાં વ્યક્ત થાય. જો શક્તિરૂપે પણ શુદ્ધતા ન હોય તો શુદ્ધતા પ્રગટી શકે નહીં, માટે શક્તિરૂપે આત્માનો સ્વભાવ શુદ્ધ છે અને પ્રગટ અવસ્થામાં અશુદ્ધતા છે એમ સ્વીકારવું જોઈએ. જો આત્મા કેવળ શુદ્ધ હોય, અવસ્થામાં પણ અશુદ્ધતા ન હોય, વર્તમાનમાં પણ શુદ્ધતા જ હોય તો અત્યારે પણ પરમાનંદનો - મોક્ષસુખનો અનુભવ થવો જોઈએ. આત્મા જો સર્વથા પુણ્ય-પાપ વિનાનો તથા કર્મસંયોગ વગરનો અસંગ હોય તો તેના આનંદનો વ્યક્ત અનુભવ થયા વિના ન રહે. પરનિમિત્તના સંગે આત્માની અવસ્થામાં જો બિલકુલ વિકાર ન હોય તો તો તેને અસંગ ચૈતન્યના પરમ આનંદનો અનુભવ વર્તતો હોત; માટે અવસ્થામાં વિકાર અને કર્મનો સંગ છે, છતાં સ્વભાવદષ્ટિએ જોતાં આત્મા અસંગ છે. જો આત્મા પરમાર્થથી અસંગ ન હોય તો કદી અસંગ થઈ શકે નહીં અને જો વ્યવહારથી પણ અસંગ હોય તો તેનામાં પૂર્ણાનંદનો અનુભવ વ્યક્ત હોવો જોઈએ.
આ પ્રમાણે જો આત્માની અવસ્થામાં મલિનતા ન હોત તો અત્યારે તે પરમાત્મા હોત અને તેનો અનુભવ તેને પ્રથમથી જ હોત. વળી, જો અશુદ્ધતા જ તેનું સ્વરૂપ હોત તો તે કદી ટળી શકે નહીં. તેથી સિદ્ધ થાય છે કે આત્મા શક્તિરૂપે ત્રિકાળ શુદ્ધ, પરિપૂર્ણ છે, છતાં વર્તમાન અવસ્થામાં મલિન છે. પરમાર્થથી આત્મા અસંગ છે, શુદ્ધ છે અને નિજભાન થતાં તે અવસ્થા પ્રગટ થાય છે. આત્મા પોતાનું ભાન કરે તો તેને કર્મનો સંગ છૂટે છે અને તે કેવળ જ્ઞાયકભાવે રહે છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં કહે છે કે અહમતવાળા જૈનો આત્માને સાંખ્યમતવાદીની જેમ સર્વથા અકર્તા ન માને, પરંતુ ભેદજ્ઞાન થાય તે પહેલાં આત્માને સદા કર્મનો કર્તા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org