________________
ગાથા-૭૫
૫૪૩
કરે છે, તો પ્રશ્ન ઊઠશે કે કારણ વિના થનારો તે બંધ કેવી રીતે છૂટી શકે? જો જીવ પહેલાં કર્મરહિત, અર્થાત્ શુદ્ધ માનવામાં આવે તો બંધ થઈ શકતો નથી અને જો શુદ્ધ હોવા છતાં પણ તેનો બંધ માની લેવામાં આવે તો પછી એ બંધ છૂટી મોક્ષ કેવી રીતે થઈ શકે? અશુદ્ધતા વિના જ બંધ થઈ જાય તો પછી બંધ શાશ્વત જ રહે, તેથી બંધ શુદ્ધ અવસ્થામાં કદી થઈ શકતો નથી. બંધ થવામાં અશુદ્ધતાની આવશ્યકતા રહે છે એ સ્વીકારવું પડે છે.
વળી, અશુદ્ધતામાં પણ બંધની આવશ્યકતા રહે છે. પૂર્વબંધ વિના શુદ્ધ આત્મામાં અશુદ્ધતા આવી શકતી નથી. જો બંધ વિના શુદ્ધ આત્મામાં પણ અશુદ્ધતા આવવા માંડે તો અશુદ્ધતા બંધની અપેક્ષા વિના સ્વતઃ જ થશે. હવે જેમ અમુક્ત જીવને અશુદ્ધતાનો સદ્ભાવ બંધ વિના પણ માન્યો, તેમ મુક્ત જીવને પણ અમુક્ત જીવોની જેમ જ અશુદ્ધતાનો સદ્ભાવ માનવામાં શો બાધ છે? જો એમ થાય તો જે આત્મા મુક્ત થયા છે, અર્થાત્ સિદ્ધ છે, તે પણ પાછા અશુદ્ધ થઈ જશે અને અશુદ્ધ થતાં બંધ પણ કરશે. મુક્ત જીવ બંધરહિત હોવા છતાં પણ પુનઃ બંધમાં પડશે. પછી સંસારી અને મુક્ત જીવમાં કોઈ અંતર નહીં રહે. તેથી એમ માનવું ઘટે છે કે પૂર્વકર્મ વિના અશુદ્ધતા કોઈ રીતે આવી શકે નહીં. બંધરૂપ કાર્ય માટે અશુદ્ધતારૂપ કારણની આવશ્યકતા છે અને અશુદ્ધતારૂપ કાર્ય માટે પૂર્વબંધરૂપ કારણની આવશ્યકતા છે. બંધમાં અશુદ્ધતાની અને અશુદ્ધતામાં બંધની અપેક્ષા આવતી હોવાથી બંધ કે અશુદ્ધતા - એક પણ સિદ્ધ થતું નથી. આનું જ નામ અન્યોન્યાશ્રય દોષ છે. જો જીવ અને કર્મનો સંબંધ અનાદિ માનવામાં આવે તો આ દોષ આવતો નથી.
જે સમયે આત્મા કર્મોથી બંધાય છે, તે સમયે તે અશુદ્ધ પણ છે. અશુદ્ધતા વિના બંધન થઈ જ શકતું નથી. એ જ પ્રમાણે જે સમયે તેનામાં અશુદ્ધતા છે, તે જ સમયે બંધન પણ છે જ. બંધન વિના અશુદ્ધતા પણ આવી શકતી નથી, તેથી બંધન અને અશુદ્ધપણું એ બન્ને અવિનાભાવી છે. એક વિના બીજું ન હોય એનું જ નામ અવિનાભાવ છે. અશુદ્ધતા પણ અનાદિ છે અને બંધન પણ અનાદિ છે. કર્મનો જીવ સાથેનો બંધ અનાદિ કાળનો જ છે.
જીવની અનાદિકાલીન યોગ્યતાથી કર્મનું બંધાવાપણું અનાદિ કાળથી વર્તે છે. જીવ અને કર્મયુગલોનો સંબંધ યોગ્યતા વડે અનાદિકાલીન ન હોય તો, જીવ કમળપત્રની જેમ પ્રથમ શુદ્ધ હોય અને પછી તેને કર્મનો સંબંધ થયો છે તેમ જો માનવામાં આવે તો, પૂર્વે કહ્યા પ્રમાણે મહાન વિરોધ આવે છે. જીવ સાથે કર્મના બંધને આદિકાલીન માનીએ તો તે કાર્યમાં કારણભૂત એવી યોગ્યતાનું પણ આદિપણું આવે છે અને જો યોગ્યતાને આદિવાળી માનીએ તો શુદ્ધ નિરંજન સિદ્ધ પરમાત્માને પણ કદાચિતું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org