________________
ગાથા-૭૪
૫૧૭ આત્મા કથંચિત્ મૂર્ત પણ છે, પરંતુ આત્મામાં મૂર્તિપણું ઉપચારથી છે વાસ્તવમાં નહીં. વાસ્તવમાં આત્મા અમૂર્ત છે. તત્ત્વદૃષ્ટિથી જોવામાં આવે તો આત્મા અમૂર્ત જ છે અને અમૂર્ત આત્મા કદી મૂર્ત થઈ શકતો નથી, કેમ કે વસ્તુની મર્યાદાનું ઉલ્લંધન કદી થઈ શકતું નથી. વસ્તુનું પોતાનું મૂળ સ્વરૂપ નિશ્ચિત હોય છે. જે મૂર્તિ છે તે સદા મૂર્ત જ રહે છે અને જે અમૂર્ત છે તે સદા અમૂર્ત જ રહે છે, તેથી આત્મા વાસ્તવમાં અમૂર્ત જ છે. કેવળ ઉપચારથી તેને મૂર્ત કહેવાય છે.
આત્મા વાસ્તવમાં અમૂર્ત છે, પરંતુ ઉપચારને ન સ્વીકારીને અથવા ઉપચારને અસિદ્ધ માનીને જે કોઈ આત્માને સર્વથા અમૂર્ત જ માને છે, તેણે એ સમજવું ઘટે છે કે જે ઉપચારથી આત્માને મૂર્ત કહેવામાં આવે છે તે ઉપચાર પણ અસિદ્ધ નથી, પરંતુ સિદ્ધ જ છે. જ્યાં મૂળ પદાર્થ ન હોય, પરંતુ કોઈ પ્રકારનું પ્રયોજન તેનાથી સિદ્ધ થતું હોય અથવા તે કોઈ કાર્યમાં નિમિત્ત થતું હોય તો એવા સ્થળે ઉપચારથી તેની સત્તાનો સ્વીકાર કરવામાં આવે છે. જેમ કે કોઈ બાળકમાં તેજસ્વીપણું જોઈને તેને અગ્નિ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે અગ્નિ નથી, કેમ કે તેનામાં ઉષ્ણતા આદિ ગુણ નથી, તોપણ તેજસ્વીપણાના ગુણના કારણે તેને અગ્નિ કહે છે. તેથી તે અગ્નિનો ઉપચાર બાળકમાં સર્વથા વ્યર્થ નથી, પરંતુ તે કોઈ પ્રયોજનવશ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ક્યાંક ક્યાંક નિમિત્તવશ ઉપચાર કરવામાં આવે છે. સંસારી આત્મામાં મૂર્તપણાનો જે ઉપચાર કરવામાં આવ્યો છે તે કર્મના નિમિત્તથી છે. બીજું, કર્મનો આત્માની સાથે અનાદિ કાળથી અતિ ઘનિષ્ઠ સંબંધ હોવાથી સંસારી આત્માનો વિપાક જ એવો થવા લાગ્યો છે, તેથી કહેવું પડે છે કે આત્મા મૂર્તિ છે. આમ, અમૂર્ત સુખદુઃખના અનુભવનું કારણ મૂર્ત કર્મ કેવી રીતે ઘટી શકે એવી શંકા કરવા યોગ્ય નથી, કારણ કે સુખ-દુઃખનો અનુભવ કરનાર સંસારી આત્મા કથંચિત્ મૂર્તિ છે. મૂર્તિ મૂર્તિની સાથે જોડાઈ શકે છે, તેથી કર્મ આત્મા સાથે સંબદ્ધ થઈ શકે છે.
આત્મતત્ત્વ યદ્યપિ સ્વરૂપે તો અનંતજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનંત ગુણોના પુનરૂપ, અરૂપી, અસંખ્યાત પ્રદેશમય, અખંડ, અક્ષય, નિર્મળ છે; તથાપિ કર્મસંયોગે વિવિધ પર્યાયસ્વરૂપે જીવ આ સંસારમાં ચાર ગતિમાં જન્મ-મરણ કરતો કરતો ભમ્યા કરે છે. આ જડ કર્મને તેણે પોતે જ મિથ્યાત્વાદિ હેતુઓ વડે ગ્રહણ કરી, પોતાના આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરવત્ એકાકાર સ્વરૂપે ભેગાં કર્યા છે. સંસારી જીવ પોતાના કૃતકારિત્વ-અનુમોદનથી, મન-વચન-કાયાના યોગ વડે તેમજ મોહનીય કર્મના ઉદયજન્ય કષાયપરિણામ અનુસાર નવીન કાર્મણ વર્ગણાઓ રહણ કરીને, તેને અષ્ટવિધ કર્મરૂપે પરિણમાવે છે. કર્મરૂપે પરિણમેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરવતું એકાકાર સ્વરૂપે બંધ નિપજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org