________________
પ૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મૂકવામાં આવે છે. સ્વવિચારણાપૂર્વક તત્ત્વનો નિર્ણય કરવાનો હોય છે. જે સ્વવિચારણાપૂર્વક આત્માદિ તત્ત્વોને સમજવાનો અભ્યાસ કરે છે, તેની ચિત્તદશા નિર્મળ થતી જાય છે. જીવ અન્ય ઠેકાણે ઉપયોગ લગાવે તો રાગાદિની વૃદ્ધિ થાય છે, પરંતુ આત્માનાં છે પદના અભ્યાસમાં પોતાનો ઉપયોગ લગાવે તો તેને તત્ત્વપ્રતીતિ થાય છે અને રાગાદિનો ઘટાડો થાય છે. અન્ય વિચારોથી નિવૃત્તિ લઈ, શાંત ભાવે રુચિપૂર્વક તે છે પદની વિચારણા કરે તો ચૈતન્યનો રસ પોષાય છે, યથાર્થ પુરુષાર્થ ઊપડે છે; માટે યથાર્થ તત્ત્વનિર્ણય કરવામાં તેણે પોતાના ઉપયોગને એકાગ્ર કરવો ઘટે છે.
શિષ્ય તત્ત્વનિર્ણય કરવા ઉદ્યમી થયો છે. તે આત્માના કર્મકર્તુત્વ વિષે વિચારણા કરે છે. તે વિચારણા કરતાં તેને જણાય છે કે જો ઈશ્વરાદિ કર્મના કર્તા હોય અને આત્મા કર્મનો કર્તા ન હોય તો આત્મા બંધરહિત ઠરે છે. આત્મા બંધરહિત હોવાથી બંધની નિવૃત્તિનો ઉપાય, અર્થાત્ મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ રહેતો નથી અને જો કર્મ કરવાં એ આત્માનો સ્વભાવ હોય તો સ્વભાવ ત્રિકાળ હોવાથી કદી પણ બંધ ટળી મોક્ષ થાય નહીં. મોક્ષ ન થવાનો હોય તો મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ નથી. આ રીતે બને વિકલ્પમાં મોક્ષનો ઉપાય નિરર્થક ઠરતો હોવાથી શિષ્ય મૂંઝવણ અનુભવે છે. તે સત્ય નિર્ણય કરી શકતો નથી, તેથી પોતાની શંકાનું સમાધાન કરવા તે શ્રીગુરુને વિનંતી કરે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
આમ સરળસ્વભાવી સુશિષ્યની મતિ મૂંઝાયેલી છે, તેને સદુપાય સૂઝતો નથી, તેથી તે શ્રી ગુરુને વીનવે છે ?
હે ગુરુદેવ! કર્તા કર્મના પ્રશ્નમાં મારી અલ્પ મતિ મૂંઝાઈ છે અને તેનું સમાધાન થઈ શકતું નથી. મારા પર કૃપા કરી આ આશંકાના વમળમાંથી મને ઉગારી લો અને મારા અંતરને સમાધાનરૂપી સદુપાયથી પ્રકાશિત કરો, જેથી હું ન્યાયનો નિર્ણય કરી શકું.
મેં ઉપર જણાવ્યાં તે કારણોથી જીવ પોતે કંઈ કરતો જ નથી, તો પછી મોક્ષ ઉપાયનો હેતુ કેવી રીતે રહે? જો જીવ પાપ-પુણ્યનો કર્તા નથી, રાગદ્વેષનો કર્તા નથી અથવા કંઈ કરતો નથી, તો મોક્ષનો ઉપાય પણ કેમ કરી શકે? અને જો જીવ કર્મનો કર્તા હોય, તો તે તેનો સ્વભાવ ઠરે છે અને સ્વભાવ મટવા યોગ્ય નહીં હોવાથી, અહીં પણ મોક્ષના ઉપાયનું કારણ જણાતું નથી.
માટે હે કૃપાળુ! સત્ય શું છે, તે ન્યાયથી સમજાવવા આ દીન લઘુ શિષ્યની વિનંતિ છે.’૧ ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ પૃ. ૨૧૪-૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org