________________
ગાથા-૭૩
૫૦૩ જે માત્ર કોરી જિજ્ઞાસાથી સાંભળે છે તે માત્ર કાનની ક્રિયા કરે છે, તેની જાણકારી મસ્તકરૂપી ભંડારની એક વસ્તુ બનીને રહી જાય છે. મુમુક્ષુ સાંભળે એટલે કરવા દોડે છે. કોરી જિજ્ઞાસાવાળો સાંભળે એટલે અન્યને કહેવા દોડે છે. આવું કોરું જ્ઞાન મોક્ષમાર્ગને સાધક તો નહીં પણ બાધક નીવડે છે. તેનું જ્ઞાન માત્ર વ્યર્થ નથી નીવડતું, હાનિકારક પણ બને છે, કારણ કે હવે તે બહુ બોલતો થઈ જાય છે, અહંની વૃદ્ધિ કરી બેસે છે. જે બોધથી મુમુક્ષુ મુક્ત થાય છે, તે જ બોધથી કોરી જિજ્ઞાસાવાળો જીવ પોતાની મૂઢતા વધારે છે. મિથ્યાગ્રહ, સ્વછંદ, અહંકાર વગેરેથી જ્ઞાનને બેડરૂપ બનાવી દઈ, પોતાના બંધનને તે વધુ મજબૂત કરે છે. તેને માટે શાસ્ત્રો શસ્ત્ર બની જાય છે, ગ્રંથો ગ્રંથિ બની જાય છે, સિદ્ધાંતો વિવાદ કરવાના સાધન બની જાય છે. આમ, મુમુક્ષુતા વિના, ધાર્મિક જાણકારી મેળવીને પણ જીવ નુકસાન કરે છે. સાચો લક્ષ બાંધ્યા વિના મેળવેલી જાણકારી તેને બેહોશ બનાવનાર દારૂનું કામ કરે છે. તેના માટે જ્ઞાન પણ મૂર્છાનું કારણ બની જાય છે.
અહીં એ ધ્યાન રાખવું ઘટે કે જિજ્ઞાસા સારી છે, ખરાબ નથી; પણ કેવળ જિજ્ઞાસા જ હોય તો તે આત્મઘાતક છે. જીવનભર પૂછ્યા જ કરે અને ભેગું કર્યા જ કરે અને છતાં જીવનમાં કોઈ જ રૂપાંતરણ ન આવે, જીવનમાં શુદ્ધિનો જરા પણ પ્રાદુર્ભાવ ન થાય, આનંદનો અનુભવ ન પ્રગટે તો એ બધું શા કામનું? માત્ર કોરી જિજ્ઞાસા જીવને અહંકારથી ભરી દે છે, તેથી માત્ર જિજ્ઞાસા પર્યાપ્ત નથી. મુમુક્ષુતા પણ જોઈએ. મોહાસક્તિની મૂંઝવણ થવી અત્યંત આવશ્યક છે. આ મૂંઝવણ ન જાગે ત્યાં સુધી કલ્યાણયાત્રાની શરૂઆત નથી થતી. આ મુંઝવણ વિના જીવ ધર્મની ચર્ચા કરે તોપણ જ્ઞાનીઓના પંથે તે એક પણ ડગ ભરી શકતો નથી. જો સંસારથી મુક્ત થવું હોય તો તેની અસારતા, ક્ષણિકતા સમજવી ઘટે. જો સંસાર અસાર ભાસતો હોય તો જ્ઞાનીનું નાનકડું વચન પણ જીવને જાગૃત કરી દે છે.
અહીં શિષ્યને સંસાર અસાર ભાસ્યો છે. તે મોહાસક્તિથી મૂંઝાયેલો છે. તે વિચારવાન છે, અભ્યાસી છે; પરંતુ જુદા જુદા દાર્શનિકોની માન્યતાઓ પરસ્પર વિરોધી હોવાથી તે ગૂંચવાઈ ગયો છે. આત્મા કર્તા છે કે અકર્તા તે વિષે તે સમ્યક નિર્ણય કરી શકતો નથી, તેથી તે શ્રીગુરુ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી તેનું સમાધાન ઇચ્છે છે. તે ખોટો વિવેક દર્શાવી ‘પ્રમાણ વચન' નથી કહેતો, પણ યથાર્થ નિર્ધાર કરવા માટે, ન્યાયથી આત્માનું કર્તાપણું સમજવા માટે શ્રીગુરુ આગળ પોતાનું ચિંતન રજૂ કરી, ગાથા ૪૮માં કહ્યું તેમ “એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય', એમ શ્રીગુરુને સમાધાનરૂપી સદુપાય માટે વિનંતી કરે છે.
આધ્યાત્મિક ક્ષેત્રે પરીક્ષાપ્રધાની બની, પોતાનો બોધ જાગૃત કરવા ઉપર વજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org