________________
૫૦૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
હોય છે.
કોરી જિજ્ઞાસાવાળાનું પ્રયોજન માત્ર માહિતી ભેગી કરવાનું હોય છે. સ્મૃતિમાં સંઘરી રાખવાનું અને જરૂર પડે ત્યારે પ્રદર્શન કરવાનું! - તે પોતાની જાણકારીનો આટલો જ ઉપયોગ કરે છે. મુમુક્ષુનું લક્ષ્ય જુદું હોય છે. તેનું વલણ એવું હોય છે કે હું જે જાણવા ઇચ્છું છું, તેનો ઉપયોગ હું મારા જીવનને બદલવા માટે કરીશ. મારા પ્રશ્નના જવાબથી હું એક નવી વ્યક્તિ બનીશ.' પરંતુ જે જીવને માત્ર કોરી જિજ્ઞાસા હોય છે, તેની જિજ્ઞાસા પાછળ કોઈ પ્રાણ નથી હોતો. તે કંઈ કરવા નથી ઇચ્છતો. તે કંઈ કરતો નથી, માત્ર પૂળ્યા કરે છે. પૂછવાથી તેના જીવનમાં કોઈ ફરક નથી પડતો, માત્ર જાણકારી વધે છે. તે જે પણ ભેગું કરે છે, એ માત્ર તેની સ્મૃતિમાં ઉમેરાય છે, પણ એનાથી તેનું જીવન રૂપાંતરિત થતું નથી.
મુમુક્ષુને જે પણ જાણવા મળે છે એનો ઉપયોગ, પોતાના જીવનનું રૂપાંતરણ જે રીતે થાય એ રીતે જ કરે છે. જાણવું એ તેનું લક્ષ્ય નથી હોતું. જાણવું એ તેના માટે સાધન માત્ર છે. મુક્તિ એ તેનું લક્ષ્ય હોય છે. જીવનમાં કોઈ બંધન, કોઈ ક્લેશ, કોઈ અશાંતિ, કોઈ દુ:ખ, કોઈ દોષ રહી ન જાય એ તેનું લક્ષ્ય હોય છે; તેથી તે જે કંઈ પણ જાણવા ઇચ્છે છે તે પણ એટલા માટે કે ક્લેશાદિ કઈ રીતે ઘટી શકે, કઈ રીતે નષ્ટ થઈ શકે. કોરી જિજ્ઞાસાવાળા માટે જ્ઞાન સાધ્ય છે, જ્યારે મુમુક્ષુ માટે જ્ઞાન સાધન છે, મુક્તિ સાધ્ય છે. જાણકારી પ્રાપ્ત થતાં કોરી જિજ્ઞાસાવાળાનું સાધ્ય સધાઈ જાય છે પણ તેનો આત્મિક વિકાસ થતો નથી, જ્યારે મુમુક્ષુ જાણકારી પ્રાપ્ત કરીને અટકી જતો નથી, તેથી તેનો આત્મિક વિકાસ ક્રમશઃ થતો જાય છે.
કોરી જિજ્ઞાસાવાળો અને મુમુક્ષુ - બન્નેના જ્ઞાનમાં બહુ મોટો ભેદ છે. એકનું જ્ઞાન વાંઝિયું રહે છે, જેમાં ન તો ફૂલ ઊગે છે, ન તો ફળ પાકે છે. બીજાના જ્ઞાનમાં સચ્ચિદાનંદનાં ફૂલ ઊગે છે અને મુક્તિનાં ફળ પાકે છે. તેમાં સમાધિની સુગંધ મહેકી ઊઠે છે. જે જ્ઞાનથી સમાધિની સુગંધ ન ઊઠે તે નિરર્થક છે. જે જ્ઞાન મુક્તિ ન આપે તે ખરેખર જ્ઞાન જ નથી. જેને કોરી જિજ્ઞાસા છે તેની જાણકારી તેને મુક્તિ નથી અપાવી શકતી. તેની જાણકારીથી તેના જીવનમાં કોઈ પરિણામ નથી આવતું. તે ભલે શાસ્ત્રોથી પરિચિત હોય, શબ્દોનો માલિક હોય, તર્કનો શૃંગાર ધરાવતો હોય, વિવાદમાં તેને કોઈ હરાવી શકે એમ ન હોય; છતાં જીવનમાં તે હારતો જ જાય છે. તેનું જાણેલું કાંઈ કામનું નથી.
જે જાણકારીથી મુમુક્ષુની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે, એ જ જાણકારીથી કોરી જિજ્ઞાસાવાળાની દૃષ્ટિમાં પરિવર્તન આવતું નથી. આનું કારણ એ છે કે મુમુક્ષુ સાંભળે છે જ એવા ભાવથી કે “આ જાણકારી વડે મારે મારામાં સુધારણા લાવવી છે.' પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org