________________
ગાથા ૭૨
૪૭૧
દર્શન ભારતીય દર્શનોમાં અત્યંત પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ મનાય છે. સમ્યક્ બુદ્ધિવાળું વિવેકવાળું આત્મકથન એવો સાંખ્ય શબ્દનો અર્થ થાય છે. (સમ્ સારું; ખ્યા = કરવું). પુરુષ તથા પ્રકૃતિના ભેદનું જે યથાર્થ વિવેકજ્ઞાન તેનું નામ સાંખ્ય એવો અર્થ વિશેષપણે પ્રચલિત તથા સ્વીકાર્ય થયો છે. સાંખ્ય દર્શન નિશ્ચયાત્મક રીતે દ્વૈતવાદી છે. પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોનું તે પ્રતિપાદન કરે છે.
સાંખ્ય દર્શન આત્માને પુરુષ પદથી સંબોધે છે. તેમાં પુરુષનું અસ્તિત્વ સ્વતઃસિદ્ધ, સ્વયંપ્રકાશિત માનવામાં આવેલ છે, કારણ દરેકને ‘હું', ‘મારું' એવું ભાન તો હોય જ છે. તેના માટે કોઈ પ્રમાણની જરૂર નથી. પુરુષ પ્રકૃતિથી પર છે. તે ન તો શરીર છે, ન તો મન છે, ન અહંકાર છે, ન બુદ્ધિ છે. એ ભૌતિક નથી, અણુઓના સંયોગનું પરિણામ નથી, માટે અમર છે. સાંખ્યમત ન્યાયમતની જેમ ચૈતન્યને પુરુષનો આકસ્મિક ગુણ નથી માનતું. તેના મત અનુસાર પુરુષ ચૈતન્યનું આધારરૂપ દ્રવ્ય નથી પણ સ્વયં ચૈતન્યરૂપ છે.
=
પુરુષ અપરિણામી છે. તેનામાં કોઈ પણ પ્રકારનું પરિણમન થતું નથી. પુરુષ સ્વસ્વરૂપથી જરા પણ ચ્યુત થયા વિના નિત્ય એકસ્વરૂપે સ્થિર રહે છે. તે ફૂટસ્થ નિત્ય છે, અર્થાત્ કોઈ પણ પ્રકારના અનિત્ય ધર્મથી રહિત છે. એનો જે સ્વભાવધર્મ છે તે હંમેશાં એવો ને એવો જ રહે છે. સ્વભાવમાં ફેરફાર થઈ નવો સ્વભાવધર્મ પેદા થાય અને જૂનો નાશ પામે એવું ક્યારે પણ બનતું નથી.
પુરુષ નિત્ય અને મુક્ત છે. તે દેશ-કાળથી પર છે તેમજ સુખ-દુઃખથી પણ પર છે. તે સ્વયં રાગ-દ્વેષરૂપે પરિણમતો નથી. તે કર્મના આવરણથી રહિત છે. તે સનાતન સાક્ષીરૂપ, પૂર્ણ અને અવ્યય છે. તે અસંગ, નિષ્ક્રિય, અકર્તા અને દ્રષ્ટામાત્ર છે. તે કોઈનું કાર્ય પણ નથી અને કારણ પણ નથી. પુરુષ અવ્યક્ત, અવિકૃત, અનવયવ છે. તે અગમ્ય છે, અર્થાત્ ઇન્દ્રિયાદિનો વિષય નથી. ચૈતન્યસ્વરૂપવાળો આત્મા વિષયી છે અને જડ સ્વરૂપવાળાં બુદ્ધિ, ઇન્દ્રિય, દેહ આદિ વિષયો એ વિષયી(પુરુષ)ના વિષયો છે. સાંખ્ય દર્શનનો પુરુષ ત્રિગુણાતીત, વિવેકી, વિષયી, વિશેષ, ચેતન તથા અપ્રસવધર્મી (કોઈને ઉત્પન્ન ન કરવાવાળો) છે.
વેદાંતમત અનુસાર આત્મા એક છે અને તે બધા જીવોમાં વ્યાપ્ત છે. તે દેહભેદે ભિન્ન નથી, અર્થાત્ સર્વ દેહમાં એક જ આત્મા વ્યાપેલો છે. સાંખ્ય દર્શનને આ મત મંજૂર નથી. સાંખ્ય સિદ્ધાંત અનુસાર પુરુષ એક નહીં પણ અનેક છે. પુરુષ પ્રતિશરીર જુદો જુદો છે. સર્વની પોતપોતાની સ્વતંત્ર સત્તા છે. સાંખ્ય દર્શન પ્રમાણે પુરુષની અનેકતાનો સ્વીકાર કર્યા વિના જન્મ, મરણ, બંધ, મોક્ષની વ્યવસ્થાનું તર્કયુક્ત પ્રતિપાદન સંભવિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org