________________
૪૬૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન પ્રકૃતિ સાથે અનાદિ સંયોગ છે. સાંખ્ય-યોગ દર્શનોએ બંધ-મોક્ષ તો માનેલા છે, પરંતુ તેમણે બંધ-મોક્ષને પુરુષના બદલે પ્રકૃતિના માન્યા છે. (૬) પૂર્વ મીમાંસા દર્શન
પૂર્વ મીમાંસા દર્શનના મત અનુસાર આત્મા સ્વયંપ્રકાશમાન છે. તે કર્તા, ભોક્તા તથા જ્ઞાતા છે. (૭) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
જીવના કર્તુત્વનો ઉલ્લેખ ઉપનિષદોમાં જોવા મળે છે. ઉપનિષદોમાં જીવાત્માને કર્તા કહ્યો છે, પણ એ જીવાત્મા જેનો અંશ છે એ બહ્મને ઉપનિષદોએ અકર્તા કહ્યો છે. તે માત્ર પોતાની લીલાનો દ્રષ્ટા મનાયો છે. પરમાર્થ સત્ બ્રહ્મને કદી પણ કર્મનો લેપ લાગતો નથી એમ તે માને છે.
સર્વ દર્શનોના કર્તૃત્વ સંબંધી સિદ્ધાંતની તુલના કરતાં જણાય છે કે આત્માના કર્તુત્વની માન્યતામાં તેમની વચ્ચે ઘણો તફાવત છે. વિભિન્ન મતોમાં આત્માના કર્તૃત્વ સંબંધી ભેદ જોવા મળે છે. આત્માના કર્તુત્વ વિષે જુદાં જુદાં દર્શનોની માન્યતાથી પ્રભાવિત થયેલું શિષ્યનું ચિત્ત અનેક શંકાઓમાં પ્રસ્ત થઈ જાય છે.
આત્માના નિત્યપણા અંગેના શ્રીગુરુએ આપેલ સમાધાન ઉપરથી શિષ્યને એટલું તો સમજાયું છે કે કોઈ પણ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ પણ નથી કે કેવળ પર્યાયરૂપ પણ નથી. વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક છે, તેથી તે નિત્યાનિત્ય છે. પ્રત્યેક વસ્તુમાં જે દ્રવ્યાંશ છે, તે જ તે વસ્તુની સ્થિરતાનું કારણ છે. દ્રવ્ય અનાદિ-અનંત છે. તેની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી. તે સ્વભાવસિદ્ધ છે. જો દ્રવ્યને ન માનવામાં આવે તો સ્મૃતિ ઘટી શકે નહીં. પ્રત્યેક વસ્તુમાં પર્યાયાંશ પણ છે. પર્યાયની ઉત્પત્તિ પણ થાય છે અને નાશ પણ થાય છે. દ્રવ્યના કારણે વસ્તુમાં સ્થિરતા છે અને પર્યાયના કારણે તેમાં ઉત્પાદ અને વિનાશ છે. આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે.
‘ટકીને બદલવું' એ જ વસ્તુનું સમ્યક્ સ્વરૂપ છે એમ શ્રીગુરુએ ન્યાયયુક્ત સમાધાનથી સ્પષ્ટ કર્યું. શ્રીગુરુએ સ્યાદ્વાદશૈલીથી એકાંત નિત્ય અને એકાંત અનિત્ય પક્ષથી વિલક્ષણ એવા નિત્યાનિત્ય પક્ષની સિદ્ધિ કરી. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાદ્વાદ મંજરી' માં લખે છે કે અર્ધભાગ સિંહનો અને અર્ધભાગ મનુષ્યનો, તે બને ભાગરૂપ એક જ અવયવીને નરસિંહ કહેવાય છે, તેવી જ રીતે પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય ધર્મયુક્ત છે. જે પ્રકારે નરસિંહ અવતારમાં એક ભાગમાં નર અને એક ભાગમાં સિંહ, એમ એક જ નૃસિંહમાં પરસ્પર વિરુદ્ધ મનુષ્ય અને સિંહ એમ બન્ને આકૃતિઓ રહે છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org