________________
ગાથા-૬૯
૪૧૭
કરતો હોય તો તેને ચેતનાશક્તિનો પુરવઠો પૂરો પાડનાર જનરેટર જેવું કોઈ સ્થળ હોવું જોઈએ, પરંતુ બૌદ્ધમત પ્રમાણે એવું કોઈ જનરેટર - પુરવઠાનું સ્થળ છે નહીં. કદાચ કોઈ એમ કહે કે એવું સ્થળ છે અને પુરવઠો આપ્યા કરે છે, તો પાછો એ પ્રશ્ન થાય કે આવું પુરવઠાનું સ્થળ ક્ષણિક છે કે અક્ષણિક? જો તે પણ ક્ષણિક હોય તો ફરી પાછો પુરવઠાનો પ્રશ્ન ઊભો થાય અને જો અક્ષણિક હોય તો પછી ‘બધું ક્ષણિક છે' એ સિદ્ધાંતનો ભંગ થાય. જો તે નિત્ય હોય તો સર્વ ક્ષણિક છે એમ કહી શકાય નહીં, એટલે આત્માને ક્ષણિક માનવો અયોગ્ય ઠરે છે. ચેતનાનું ક્ષણિક હોવું શક્ય નથી. એક ક્ષણના અનુભવ જેટલો નહીં પણ તેનાથી પર અને તેની પાર એવો આત્મા હસ્તી ધરાવે છે. આત્મા સર્વ અવસ્થાઓમાં ટકે છે, સ્થિર છે. પદાર્થોમાં થતાં પરિવર્તનને પદાર્થોનાં ઉત્પત્તિ તથા વિનાશ માનવા કરતાં તેને પદાર્થનાં પરિણામ માનવાં વધુ યોગ્ય ગણાય. કોઈ પણ વસ્તુ ઉત્પન પણ થતી નથી કે નષ્ટ પણ થતી નથી. માત્ર એનું પરિવર્તન થયા કરે છે, એનાં પરિણામ બદલાયા કરે છે.
વળી, ક્ષણિકવાદ મુજબ જો એક કારણની સ્થિતિ માત્ર એક જ ક્ષણ સુધીની છે તો તેમાંથી કાર્યની ઉત્પત્તિ કઈ રીતે સંભવે? એ રીતે કાર્યની ઉત્પત્તિ સંભવિત ન હોવાથી કાર્ય શૂન્યમાંથી ઉત્પન્ન થયું માનવું પડશે, નહીં તો કારણ વિના કાર્યની ઉત્પત્તિ' માનવી પડશે. પરંતુ આ વિકલ્પો ગ્રાહ્ય નહીં હોવાથી ક્ષણિકવાદ અવ્યવહારુ તેમજ અવૈજ્ઞાનિક સાબિત થાય છે.
વળી, જગતના સર્વ પદાર્થો માત્ર એક ક્ષણ રહેનારા છે એમ બૌદ્ધો કહે છે, પણ આ આત્માને તો તેવું ક્ષણિકપણું ઘટી શકતું નથી, કારણ કે તે ઉત્પન્ન થયો છે તે ક્ષણ પછીની ક્ષણમાં તે સર્વથા નાશ પામે છે, તેથી તેના પછી તરત ઊપજનારની સાથે તેનો અન્વય સંબંધ રહેતો નથી. જેમ વંધ્યા સ્ત્રીનો પુત્ર અસિદ્ધ છે, તેમ આત્માદિ દ્રવ્ય ક્ષણસ્થાયી માનીએ તો અન્વય સંબંધ ઘટતો ન હોવાથી ક્ષણિકત્વ અસિદ્ધ થાય છે.
વળી, જો પદાર્થોને એકાંતે ક્ષણિક માનવામાં આવે તો તે ક્ષણિક પદાર્થો કેવા સ્વભાવના છે? પદાર્થ સ્વનિવૃત્તિ સ્વભાવવાળો છે, અન્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે કે ઉભય સ્વભાવવાળો છે? તે સ્વનિવૃત્તિ સ્વભાવવાળો એટલે કે પોતાની જાતે જ પોતાનો નાશ થાય તેવા સ્વભાવવાળો ક્ષણિક પદાર્થ છે, અન્યને જન્ય કરવાના સ્વભાવવાળો એટલે કે ઉત્તરકાલીન પદાર્થને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો ક્ષણિક પદાર્થ છે કે ઉભય સ્વભાવ એટલે કે પોતાનો નાશ કરવાના અને અન્ય ઉત્તરકાલીન પદાર્થની ઉત્પત્તિ કરવાના - એમ બે પ્રકારના સ્વભાવવાળો ક્ષણિક પદાર્થ છે? આમ, ત્રણ વિકલ્પને અનુલક્ષીને ક્ષણિક પદાર્થ વિચારવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org