________________
૪૧૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
(૧) પહેલો વિકલ્પ – ક્ષણિક પદાર્થનો સ્વવિનાશિત્વ સ્વભાવ છે એમ કહેવામાં આવે તો તે અન્યની ઉત્પત્તિ નથી કરી શકતો. જે ક્ષણિક પદાર્થ છે તેને પોતાનો નાશ કરવાના સ્વભાવવાળો કહેવામાં આવે તો તે ક્ષણ પછીની બીજી ક્ષણમાં જે ઊપજવાનો છે, તેનો જનક એટલે કે ઉત્પન્ન કરનાર છે એમ તે પદાર્થને કેવી રીતે કહી શકાય? ન જ કહેવાય, કારણ કે પોતાના નાશકાર્યમાં વ્યસ્ત થયેલો અન્યને ઉપજાવવામાં સમર્થ નથી જ બની શકતો, એટલે સ્વવિનાશિત્વ સ્વભાવ અન્યનો જનક નથી બનતો. (૨) બીજો વિકલ્પ – ક્ષણિક પદાર્થને અન્ય પદાર્થનો જન્મદાતા થવાનો સ્વભાવ છે એમ કહેવામાં આવે તો તે પણ બૌદ્ધોના મત મુજબ યુક્ત નહીં આવે, કારણ કે જો પૂર્વકાલીન ક્ષણિક પદાર્થ ઉત્તરકાલીન ક્ષણિક પદાર્થને જન્મ આપવામાં ઉપાદાનકારણ થવાનો સ્વભાવ ધારણ કરે છે એમ કહેવામાં આવે તો તે સ્વનિવૃત્તિરૂપ સ્વભાવનો ત્યાગ કરનારો થાય છે. જો પદાર્થ અન્ય ક્ષણનો જન્મદાતા હોય તો સ્વવિનાશનો સ્વભાવ તેને અસંગત થાય છે. ક્ષણસ્થાયી પદાર્થમાં ક્ષણિકત્વ સ્વભાવ ઘટતો નથી, કારણ કે ક્ષણિકત્વ અને અન્ય જનકત્વ એક જ સ્થાનકે કેવી રીતે રહે? (૩) ત્રીજો વિકલ્પ – એક પદાર્થમાં બે સ્વભાવ માનવામાં આવે તો પરસ્પરનો અન્વય સંબંધ યથાર્થ ઘટે છે, એટલે પૂર્વપર્યાયના નાશમાં અને અન્ય પર્યાયની ઉત્પત્તિમાં એક પદાર્થનો યોગ થતો હોવાથી અન્વય સંબંધ ઘટે છે. સ્વનિવૃત્તિસ્વભાવ અને અપરજન્મજનકત્વ સ્વભાવ, એમ બે સ્વભાવ એક પદાર્થમાં સાથે રહેતા હોવાનું જો માનવામાં આવે તો તેમાં જરા પણ અયુક્તપણું એટલે વિરોધી ભાવ નથી આવતો અને પૂર્વપદાર્થમાં તથા ઉત્તરપદાર્થમાં અનુવૃત્તિરૂપ અન્વય સંબંધ યથાર્થ ઘટે છે. પૂર્વપરિણામરૂપ પોતાનું સ્વરૂપ છે તેનો નાશ કરવાનો સ્વભાવે તે પદાર્થમાં છે, તેવી જ રીતે ઉત્તરકાલીન પર્યાયરૂપ સ્વરૂપને જન્મ આપવાનો પણ સ્વભાવ તે પદાર્થ ધારણ કરે છે. તે બને સ્વરૂપમાં સાંકળરૂપે જે અન્વયરૂપ એક સ્વભાવત્વ, એટલે કે કથંચિત્ એકરૂપપણું રહેલું છે તે એકત્વસ્વભાવના યોગથી છે.
વસ્તુમાં બે સ્વભાવનું રહેવાપણું હોવાથી જ કારણ-કાર્યભાવરૂપ અન્વય સંબંધનો યોગ યથાર્થ ઘટે છે, એટલે જે પદાર્થો અન્ય જનત્વ અને સ્વનિવૃત્તિ એવા બે સ્વભાવને ધારણ કરતા નથી, તે પોતાનું પદાર્થપણું સિદ્ધ નથી કરી શકતા. જે તે બન્ને સ્વભાવને ધારણ કરે છે, તે સદા પોતાના અનેક સ્વભાવ વડે અસ્તિત્વ, વસ્તુત્વ, પદાર્થત્વ, દ્રવ્યત્વ આદિરૂપ પોતાનું સત્ય સ્વરૂપ જેમ છે તેમ સિદ્ધ કરી શકે છે. અન્વય સંબંધથી વસ્તુતત્ત્વની સિદ્ધિ થાય છે.
અનેકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ અનુવૃત્તિવાળું એટલે કે અન્વય સ્વભાવવાળું માનેલું છે, તેથી તે આત્મામાં ઉત્પાદસ્વભાવ, વિનાશસ્વભાવ તથા ધૃવત્વ સ્વભાવ ઘટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org