________________
૪૦૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દ્રવ્ય-નિત્ય વસ્તુનો સ્વભાવ છે.'
શ્રીમદે આ ગાથાની બીજી પંક્તિમાં આત્માની નિત્યતાને એક સચોટ દૃષ્ટાંત વડે સમર્થિત કરી છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ દેહની ત્રણ અવસ્થા છે અને નિત્યસ્વરૂપી આત્માની તે (બાહ્ય) વૈભાવિક પર્યાય છે. બાલ્યાવસ્થામાં આત્મા બાળક જણાય છે, આત્મા બાલ્યાવસ્થા ત્યાગી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરે ત્યારે તે યુવાન જણાય છે અને યુવાવસ્થા છોડી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરે ત્યારે વૃદ્ધ જણાય છે. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થતો નથી. અવસ્થાઓ બદલાય છે, પણ આત્મદ્રવ્ય બદલાતું નથી. બાળ અવસ્થામાં આત્મા બાળક જણાય છે, યુવાનીમાં તે યુવાન જણાય છે, વૃદ્ધાવસ્થામાં તે વૃદ્ધ જણાય છે; પણ તે ત્રણે અવસ્થામાં આત્મા ચૈતન્યદ્રવ્યરૂપે તો એક જ છે. આ જ તેનું નિત્યત્વ છે.
જ્યારે બાળપણ હોય છે ત્યારે જીવ માને છે કે હું બાળક છું'; જુવાન થાય તો માને છે કે હું જુવાન છું'; વૃદ્ધ થાય ત્યારે માને છે કે “વૃદ્ધ છું'; પરંતુ જીવ તો આ ત્રણે અવસ્થાઓથી પર છે. અંદર એવું કંઈક તત્ત્વ છે કે જે બાળપણને છોડીને જુવાનીને ગ્રહણ કરી શક્યું અને જુવાનીને છોડીને વૃદ્ધત્વને ગ્રહણ કરી શક્યું. આ કંઈક તે બાળપણ આદિથી અલગ એવું શાશ્વત આત્મદ્રવ્ય છે.
બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓ બદલાઈ છતાં તેને જાણનારો તો તેનો તે નિત્ય આત્મા છે. જેમ એક મોતીની માળામાં જુદાં જુદાં મોતીઓ વચ્ચે એક દોરો હોય છે, તેમ જુદી જુદી અવસ્થાઓમાં તે તે અવસ્થાને જાણનારો આત્મા એનો એ જ રહે છે. માળામાં નાનાં મોતી, મોટાં મોતી એમ જુદાં જુદાં અનેક મોતી હોય છે અને તે બધાને એક હરોળમાં ગોઠવનાર દોરો એક હોય છે; તેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા - એમ જુદી જુદી અવસ્થા હોય છે અને તે ત્રણે અવસ્થાને જાણનાર એક જ આત્મા છે.
જેણે બાળપણને જાણ્યું અને માણ્યું, એ જ યુવાનીને જાણે છે અને ભોગવે છે અને એ જ વૃદ્ધાવસ્થાને જાણે છે અને વેઠે છે. આ ત્રણે અવસ્થાનો અનુભવ એનો એ જ આત્મા કરે છે. આત્મા તો જોનાર-જાણનાર તત્ત્વ છે. બાળપણ આવ્યું તો તે બાળપણને જાણે છે, જુવાની આવી તો તે જુવાનીને જાણે છે, વૃદ્ધાવસ્થા આવી તો તે વૃદ્ધાવસ્થાને જાણે છે. અવસ્થા બદલાય છે છતાં આત્મા ટકે છે. અવસ્થા આવે છે અને ચાલી જાય છે, ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે; પરંતુ આત્મા તો વિદ્યમાન જ રહે છે. આત્મા તે અવસ્થાઓથી જુદો, તેનો જાણનારો છે. આત્મા એક શાશ્વત જ્ઞાનધારક પદાર્થ છે. ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૨૨૦-૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org