________________
ગાથા-૬૮
૪૦૩
આત્માને બાળાદિ અવસ્થાઓની સ્મૃતિ રહે છે. ત્રણે અવસ્થાઓમાં આત્મા નિત્ય રહેતો હોવાથી આત્મા બાળાદિ અવસ્થાઓની સ્મૃતિ કરી શકે છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો જ સ્મૃતિ થઈ શકે. જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય, અર્થાત્ પલટાઈને નાશ પામતો હોય તો આવું સ્મરણ થાય જ નહીં. યુવાવસ્થામાં બાલ્યાવસ્થાનું સ્મરણ અથવા વૃદ્ધાવસ્થામાં બાલ્યાવસ્થા તેમજ યુવાવસ્થાનું સ્મરણ થઈ શકે નહીં; પરંતુ તે સ્મરણ તો થાય છે અને તે જ સાબિત કરે છે કે આત્મા સર્વથા ક્ષણિક નથી. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે, માત્ર તેની પર્યાયો જ અનિત્ય છે.
આત્માનો સર્વથા નાશ નથી થતો. તે બાળાદિ અવસ્થાઓમાં એકરૂપ જ રહે છે. આ વિષે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં લખે છે કે એક યુવાન વ્યક્તિ, પોતાની બાલ્યાવસ્થામાં કરેલાં કાર્યો ઉપર લજ્જિત થાય છે. જો કે તે હવે બાળક નથી તેમજ એ કામ કોઈ બીજી યુવાન વ્યક્તિને લજ્જિત નથી કરતું, કારણ કે તે કાર્યો બીજી યુવાન વ્યક્તિએ તેની પોતાની બાલ્યાવસ્થામાં કરેલાં કાર્યો નથી. તેવી જ રીતે એક યુવાન વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થાની સુવિધા અર્થે કોઈ કામ કરે છે. જો કે તે અત્યારે વૃદ્ધ નથી; તેમજ કોઈ અન્ય વ્યક્તિ તે વૃદ્ધાવસ્થાની સુવિધા અર્થે પણ કામ કરતી નથી. તેથી એ સિદ્ધ થાય છે કે દરેક વસ્તુ અન્વય તથા વ્યતિરેક (સ્થિરતા તથા નાશ) સ્વભાવવાળી છે.૧ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનો આશય એ છે કે એક વ્યક્તિની બાળ-યુવા-વૃદ્ધ અવસ્થા કોઈ બીજી વ્યક્તિની બાળ-યુવા-વૃદ્ધ અવસ્થાથી પૃથક્ રૂપમાં હોય છે. તેથી તેનો અર્થ એટલો જ થાય છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાની બાળાદિ સર્વ અવસ્થાઓમાં એકરૂપ રહે છે. બાલ્યાવસ્થાનું સ્મરણ કરનાર વૃદ્ધના આત્માનો બાલ્યાવસ્થામાં સર્વથા નાશ થયો નથી, કારણ કે તેને બાલ્યાવસ્થાનું સ્મરણ છે. તેથી એમ સિદ્ધ થાય છે કે બદલાતી અવસ્થામાં પણ વસ્તુનું કાયમપણું હંમેશાં રહે છે.
આત્મામાં ઉત્પાદ અને નાશ થવા છતાં પણ દ્રવ્યનું એકરૂપે રહેવું તે પ્રત્યભિજ્ઞાનપ્રમાણથી સિદ્ધ થાય છે. પ્રત્યભિજ્ઞાન દ્વારા આત્માની કથંચિત્ નિત્યરૂપે પ્રતીતિ થાય છે. જે પદાર્થને પહેલાં કોઈ વાર જોયો હોય, પછી કોઈ વાર તેને જ અથવા તેના જેવો કે તેનાથી વિષમ પદાર્થ જોવા મળે તો ત્યાં વર્તમાનમાં થયેલા પ્રત્યક્ષનું અને ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, શ્લોક ૫૦૫, ૫૦૬ 'लज्जते बाल्यचरितैर्बाल एव न चापि यत् । युवा न लज्जते चान्यस्तैरायत्यैव चेष्टते ।। युवैव न च वृद्धोऽपि नान्यार्थं चेष्टनं च तत् । अन्वयादिमयं वस्तु तदभावोऽन्यथा भवेत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org