________________
૩૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિનાશરૂપે પરિણામ પામતાં પ્રત્યક્ષ જણાય છે, તો પછી તેને અનાદિ-અનંત નિત્ય, ધ્રુવ કેવી રીતે જાણવાં? પ્રત્યક્ષ જણાતાં ઉત્પત્તિ-નાશસ્વરૂપે જ આ જગતને માનવું જોઈએ, ત્રિકાલિક દ્રવ્યત્વનો સ્વીકાર કરવો જરૂરી નથી.
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કોઈ પણ પરિણામની ઉત્પત્તિ તસ્વરૂપી સત્તા (દ્રવ્ય)ના આધાર વિના હોતી નથી અને નાશ પણ ઉત્પત્તિરૂપ પરિણામનો જ હોય છે. પ્રત્યેક સમયે વિવિધ સ્વરૂપે ઉત્પત્તિ અને નાશનાં જે જે પરિણામો જણાય છે, તે સઘળાં ત્રિકાલિક ગુણ સત્તાના આધારરૂપ તે તે દ્રવ્યોનાં પર્યાયપરિણામ છે. તેમાં ઉત્પત્તિ-નાશનો વ્યવહાર તો માત્ર પૂર્વાપર ભાવની મુખ્યતા-ગૌણતા વડે થાય છે અને જેમાં તે વ્યવહાર કરાય છે તે દ્રવ્ય મૂળ સ્વરૂપે તો ત્રણે કાળ કાયમ હોય છે.
જો કે સર્વ દ્રવ્યોની ત્રિકાલિક સત્તાનું જ્ઞાન તો કેવળી પરમાત્માઓને જ હોય છે, તેમ છતાં આરોપિત ભાવે ચારે ગતિમાં પ્રત્યેક આત્માને ભૂતકાળ અને ભાવિ કાળના પોતાના જીવન સંબંધે, વર્તમાન પરિણામનો સંબંધ પ્રત્યક્ષ અનુભવગમ્ય હોય છે અને તેથી જ તો સર્વ જીવો સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે નિરંતર પ્રયત્ન કરતા હોય છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે વસ્તુના સત્તારૂપ ગુણો સહભાવી નિત્ય હોય છે, જ્યારે ઉત્પાદ-વ્યયસ્વરૂપી પર્યાય પરિણમનભાવે ક્રમભાવી સ્વરૂપે અનિત્ય છે. આમ, વસ્તુ કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે.
વળી, કોઈ એમ કહે કે જ્ઞાનનો આત્માની સાથે ભેદ કે અભેદ ગમે તે માનવામાં આવે છતાં આત્માનું નિત્ય અસ્તિત્વ ઘટી શકતું નથી. જો આત્માની સાથે જ્ઞાનનો અભેદ માનવામાં આવે તો જ્ઞાન અનિત્ય હોવાથી તે નષ્ટ થઈ જાય ત્યારે આત્મા પણ નષ્ટ થઈ જવો જોઈએ. જો આત્મા નષ્ટ થઈ જાય તો પછી તે નિત્ય કેવી રીતે કહેવાય? જે ઉત્પત્તિશીલ હોય તે ઘટાદિની જેમ અનિત્ય હોય છે. જ્ઞાન ઉત્પત્તિશીલ હોવાથી અનિત્ય છે, તેથી જ્ઞાનથી અભિન્ન આત્મા પણ અનિત્ય હોવો જોઈએ. ઘડાની જેમ જ્ઞાન ઉત્પત્તિમાન હોવાથી આત્મા વિનશ્વર - અનિત્ય સિદ્ધ થાય છે. વળી, જે પર્યાય હોય છે તે અનિત્ય હોય છે, જેમ ખંભાદિની નવીનત્વ, પુરાણત્વ આદિ પર્યાયો. જ્ઞાન પણ પર્યાય હોવાથી અનિત્ય છે અને તેથી આત્મા પણ જો જ્ઞાનમય હોય તો અનિત્ય માનવો જોઈએ. આ રીતે અભેદ પક્ષ માનવામાં આત્મા નિત્ય સિદ્ધ નથી થતો. અનિત્ય જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય હોવાથી તેનો પરલોક નથી. આત્મા અને જ્ઞાનમાં જો ભેદ માનવામાં આવે તો જીવ જ્ઞાનવાળો નહીં બની શકે. જેમ આકાશથી જ્ઞાન ભિન્ન છે, તેથી આકાશ જ્ઞાનરહિત છે; તેમ આત્મા પણ જ્ઞાનથી જુદો હોવાથી તે જ્ઞાનરહિત સિદ્ધ થશે. લાકડું, પથ્થર આદિ જ્ઞાનરહિત હોવાથી તેને એક ભવથી બીજા ભવમાં જન્મ લેનારૂપ સંસરણ નથી હોતું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org