________________
૩૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. દ્રવ્ય અને પર્યાય અલગ અલગ નથી. તે બન્ને એક જ વસ્તુમાં રહેલા છે. વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે, તેથી એક જ વસ્તુ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી નિત્ય દેખાય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી અનિત્ય દેખાય છે.
પ્રયોજન અનુસાર વસ્તુના ધર્મોને મુખ્ય-ગૌણ કરવા ઘટે છે. જેમ દહીં વલોવીને માખણ કાઢવાના રવૈયાને ફેરવવા માટે દોરડું એક હોય છે અને તેના છેડા બે હોય છે. દહીં વલોવતી વખતે એક છેડો ખેંચવામાં આવે ત્યારે બીજો છેડો છોડી દેવો પાલવે નહીં અને બીજી તરફનો છેડો ખેંચવામાં આવે ત્યારે પ્રથમનો છેડો છોડાય નહીં. જો એકસાથે બને છેડા ખેંચવામાં આવે તોપણ કામ થાય નહીં અને જો એકસાથે બન્ને છેડા છોડી દેવામાં આવે તોપણ કામ થાય નહીં; પણ એક છેડો ખેંચતાં બીજા છેડાને ઢીલો કરવામાં આવે તો રવૈયો ફરે, દહીં વલોવાય અને માખણ નીકળે. તેમ પ્રયોજન અનુસાર વસ્તુના ધર્મોને મુખ્ય-ગૌણ કરતાં તત્ત્વનવનીત પ્રગટે છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે કહ્યું છે કે રવૈયાના નેતરાને એક અંત(જેડા)થી ખેંચી બીજા અંત(જેડા)થી ઢીલું છોડી છાશ વલોવતી ગોવાલણ જેમ માખણ મેળવે છે, તેમ વસ્તુના એક ધર્મને મુખ્ય અને તેના બીજા ધર્મને ગૌણ કરતી એવી અનેકાંત નીતિ તત્ત્વનવનીત વલોવી જયવંત વર્તે છે. ૧
દરેક વસ્તુ આ પ્રમાણે દ્રવ્યપર્યાયાત્મક હોવા છતાં વસ્તુના દ્રવ્યસ્વભાવનું જ્ઞાન ન હોવાના કારણે તથા ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થા અનુભવમાં આવતી હોવાના કારણે શિષ્ય વસ્તુને માત્ર પર્યાયરૂપ માની લીધી હતી. પર્યાય સમયે સમયે બદલાય છે, તેનો સ્વભાવ અનિત્ય છે; તેથી શિષ્યને એવી શંકા થઈ હતી કે વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવા મળે છે તેથી તે નિત્ય નથી.
શિષ્યને બૌદ્ધમતના પ્રભાવથી શંકા થઈ હતી. બૌદ્ધમત વસ્તુને ક્ષણિક માને છે. બૌદ્ધો માને છે કે વસ્તુની ક્ષણે ક્ષણે ઉત્પત્તિ અને નાશ થાય છે, તેથી આ જગતમાં કંઈ પણ નિત્ય નથી. પરંતુ આ માન્યતા એકાંતિક છે. વસ્તુ કેવળ અનિત્ય નથી, તેમાં નિત્ય-અનિત્ય બને ધર્મો રહેલા છે. કોઈ એક દૃષ્ટિએ જોતાં આખું વિશ્વ ક્ષણિક દેખાય છે તેનો ઇન્કાર થઈ શકે નહીં, પરંતુ તે ક્ષણિકતા એ વસ્તુવ્યવસ્થાનું માત્ર એક અંગ છે. વસ્તુવ્યવસ્થાનું નિત્યસ્વરૂપ એવું બીજું અંગ પણ છે. જે ક્ષણિક છે તે કેવળ વસ્તુનું પરિણામ છે - અવસ્થા છે, પણ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ નથી. વસ્તુમાત્રમાં ક્ષણે ક્ષણે જેટલા રૂપે તેની હાનિ થાય છે તેટલા રૂપે તેનો નાશ, નવીનરૂપ જે ઉત્પન્ન થાય છે ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૨૨૫
'एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुतत्त्वमितरेण । अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org