________________
૩૮૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સૂચવે છે. સર્પ-નોળિયો, સાપ-મોર, ઉંદર-બિલાડી વગેરે વચ્ચે જન્મજાત વેર પણ પૂર્વજન્મની સિદ્ધિ કરે છે. (૨) એક જ કુટુંબમાં જન્મેલાં, એક જ કેળવણી પામેલાં, બે બાળકોનાં વ્યક્તિત્વમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે તથા માતા-પિતાના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળાં સંતાન જોવા મળે છે, જે પૂર્વજન્મના સંસ્કાર સાબિત કરે છે. (૩) કોઈના પણ શીખવ્યા વિના નવજાત શિશુ સ્તનપાન આદિ પ્રવૃત્તિ કરે છે, તે પણ પૂર્વજન્મના સંસ્કારનું અનુસંધાને દર્શાવે છે. (૪) કેટલાક વિશિષ્ટ શક્તિવાળાં બાળકો અને કેટલાક આજન્મ યોગીઓ જોવા મળે છે, તે પણ પૂર્વજન્મના સિદ્ધાંતને સમર્થિત કરે છે. (૫) કેટલીક વ્યક્તિઓને પોતાના પૂર્વભવોનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં જાતિસ્મરણજ્ઞાન કહેવામાં આવે છે, તે પણ પૂર્વજન્મને સિદ્ધ કરે છે.
આવી અનેક પ્રકારની વર્તમાન જીવનની વિચિત્રતા - વિશેષતા પૂર્વજન્મનું અનુસંધાન દર્શાવે છે અને પૂર્વજન્મને સિદ્ધ કરે છે. પૂર્વજન્મનું અનુસંધાન સિદ્ધ થતાં આત્મા આ જન્મ પૂર્વે પણ હતો એમ સિદ્ધ થાય છે. ઉત્તરોત્તર પૂર્વ પૂર્વ જન્મ જીવનું અનાદિપણું સિદ્ધ કરે છે. પૂર્વજન્મની સિદ્ધિથી ઉત્તરોત્તર કાર્ય-કારણની પરંપરાથી આત્મા અનાદિ સિદ્ધ થાય છે. પૂર્વજન્મની પરંપરા જોતાં તેનો આદિ નથી જણાતો અને જીવ અનાદિ હોવાથી અનંત સિદ્ધ થાય છે. આત્મા અનાદિ, અનંત, શાશ્વત, નિત્ય સિદ્ધ થાય છે.
શિષ્યને આત્માના નિત્યત્વ વિષે સંદેહ છે. તેને આત્મા ત્રિકાળી હશે કે નહીં એવો સંશય છે. તેનો સંશય દૂર કરવા શ્રીગુરુ તેને સ્પષ્ટપણે સમજાવે છે કે ક્રોધાદિ પ્રકૃતિઓની ન્યૂનાધિકતા સર્પાદિમાં પ્રગટ દેખાય છે તે પૂર્વજન્મના સંસ્કાર છે અને તે જીવની નિત્યતા સૂચવે છે. સર્પ વગેરે પ્રાણી જન્મથી જ ક્રોધાદિ સ્વભાવવાળાં હોય છે. સાપ-મોર વગેરેને જન્મથી વેર હોય છે, તે આ ભવમાં બંધાયેલું વેર કે પ્રકૃતિદોષ નહીં પણ એ પૂર્વજન્મના સંસ્કાર છે. પૂર્વભવની સિદ્ધિથી આત્માની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. આત્મા મરતો નથી, પરંતુ જન્માંતરમાં પણ તેનો તે જ હોય છે, તેથી તે નિત્ય સિદ્ધ થાય છે. પૂર્વજન્મના સંસ્કાર આત્મા નિત્ય છે એ સિદ્ધાંતનું સમર્થન કરે છે અને ઉત્પત્તિ-નાશવાળા અનિત્ય આત્માને માનનારા મતનું નિરાકરણ કરે છે. સર્પાદિમાં ક્રોધાદિ પ્રકૃતિઓની તરતમતાના કારણનો ઊંડાણથી વિચાર કરતાં આત્માના નિત્યત્વ સંબંધી શંકા નિર્મુળ થઈ જાય છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે –
સહુ જીવોમાં દેખાતી વિભિન્નતા તેના ગત જન્મોના સંસ્કાર છે. તેનાથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org