________________
૩૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન યાદ નથી; એટલે એમ માનવું ઘટે છે કે પૂર્વજન્મ જેવી કોઈ વસ્તુ નથી.
જેઓ પચ્ચીસ કે પચાસ વર્ષની વાતો યાદ હોવાની વાત કરે છે, તેમને શું પોતાના નાનપણની બધી વાતો યાદ હોય છે? તેમને તેમના વર્તમાન જીવનના પહેલાબીજા વર્ષનો હાલ પૂછવામાં આવે તો શું તેઓ તે વર્ણવી શકે છે? જો તેમને પોતાના જીવનનાં પહેલા-બીજા વર્ષની વાતો યાદ નથી, તો પહેલું બીજું વર્ષ હતું જ નહીં એવું કહી શકાય ખરું? તે જ પ્રકારે પૂર્વજન્મનો પણ નિષેધ કરી શકાતો નથી.
પૂર્વજન્મની વાત યાદ નથી એટલે પૂર્વજન્મ નથી એમ કહેનારાઓને પૂછવું ઘટે કે ગર્ભમાં તમે શું કર્યું હતું તે યાદ છે? તમને ગર્ભની વાતો યાદ છે? જો ગર્ભની વાતો યાદ હોય તો કહો. તેનો જવાબ તેઓ નહીં આપી શકે. આ ભવમાં તેઓ ગર્ભમાં હતા તેની વાતો પણ યાદ આવતી નથી, છતાં તેઓ ગર્ભાવસ્થાને માને છે કે નહીં?
આ જગતમાં જેટલા પણ મનુષ્ય જન્મ્યા છે, તે સર્વ માતાના પેટમાં થોડા કાળ માટે રહ્યા હતા. નીચે માથું અને ઉપર પગ, એ રીતે નવ મહિનાથી અધિક સમય સુધી તેમાં લટકી રહ્યા હતા. ત્યાં અંધારી ઓરડી જેવું અંધારું હતું અને તેમાં એવી ઉત્કટ ગરમી હતી કે અનાજ પણ સીઝી જાય. તેમાં એવી દુર્ગધ હતી કે મોઢું ફેરવી લેવાનું મન થાય. વળી, તેમાં બિલકુલ જકડાયેલા રહેવું પડતું હતું - ન હાથ લાંબો કરી શકાતો હતો, ન પગ લાંબા કરી શકાતા હતા; સંકોચાયેલી અવસ્થામાં રહેવું પડતું હતું. પણ ગર્ભમાંથી બહાર આવ્યા પછી મનુષ્ય તે બધું જ ભૂલી જાય છે. શું તેથી એમ કહી શકાય છે કે મનુષ્ય ગર્ભમાં હતો જ નહીં? જો મનુષ્યને ગર્ભાવસ્થાનાં દુઃખ યાદ રહેતાં હોત તો તે ક્યારે પણ ગર્ભમાં આવવાનું પસંદ કરે જ નહીં, પરંતુ મનુષ્ય એ બધું ભૂલી જાય છે અને જે નવું જીવન પ્રાપ્ત થાય છે તેમાં જ તે લીન થઈ જાય છે. એ જ પ્રમાણે તે પૂર્વભવને પણ ભૂલી જાય છે.
સામાન્યપણે પૂર્વજન્મની સ્મૃતિ રહેતી નથી, પરંતુ કેટલાક લોકોને પોતાના પૂર્વભવ યાદ હોય છે. કેટલીક વ્યક્તિઓને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું હોય છે. કેટલીક વ્યક્તિઓને પૂર્વાનુભૂત સ્થળ વગેરે જોવાથી પૂર્વજન્મની ઘટનાઓનું સ્મરણ થાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં જાતિસ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. જાતિસ્મરણજ્ઞાન એ એક એવો વિશિષ્ટ અનુભવ છે કે જેમાં પૂર્વભવ ગતરાત્રીના બનાવની જેમ યાદ આવી જાય છે. જેમ રાત્રે શયન કરનારને સવારે ઊઠતાં આગલી રાતના બનાવની સ્મૃતિ થાય છે, તેમ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વાનુભૂત સ્થળ, પ્રસંગ વગેરેનું સ્મરણ થાય છે. આ જન્મમાં નહીં જોયેલી અને નહીં અનુભવેલી હકીકતો જણાય છે, જેની તપાસ કરતાં તે સત્ય નીકળે છે. આ જાતિસ્મરણજ્ઞાન આત્માના પૂર્વભવને સાબિત કરે છે. તેનાથી આત્માની નિત્યતા સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org