________________
૩૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ચેતનાશક્તિ જણાતી કેમ નથી? મૃતક પણ ભૂતસમુદાય જ છે તો એમાં ચેતનાશક્તિ શા માટે નથી? જીવંત વ્યક્તિનું શરીર પણ શરીર છે અને મૃતકનું શરીર પણ શરીરાકારે જ છે, તો પછી જીવંત વ્યક્તિમાં ચેતનાશક્તિ છે અને મૃતકમાં નથી તેનું કારણ શું? મરી ગયા પછી જે મડદું પડ્યું છે તે મડદું પણ શરીર જ છે તો પછી હવે કેમ તે બોલતું-ચાલતું નથી? મૃત્યુ પહેલાં એ જ બોલતું-ચાલતું હતું, બધી જ ક્રિયા એ કરતું હતું, તો પછી હવે કેમ કંઈ નથી કરતું? શરીર તો એ જ છે, પરંતુ હવે શ્વાસ બંધ છે, પ્રવૃત્તિઓ સદંતર બંધ છે, સુખ-દુ:ખની લાગણીનો અનુભવ પણ થતો નથી.
મૃતકને બધી ઇન્દ્રિયો છે, પરંતુ આંખ ઉઘાડી છે છતાં પણ તે કંઈ જોતું નથી, કાન ઉઘાડા છે પણ તે કંઈ સાંભળતું નથી. જો તેને કોઈ અનુભવ થતો હોત તો લાકડામાં બાળતી વખતે તે ચીસ પાડીને ઊભું થઈ જાત. સામાન્યપણે જીવંત માણસને અગ્નિનો સ્પર્શ થતાં તે ચીસ પાડી ઊઠે છે, પરંતુ મડદું તો બિલકુલ સળવળતું નથી. બને અવસ્થામાં શરીર તો એનું એ જ છે. શરીર નથી બદલાયું, છતાં એક અવસ્થામાં ચીસો પાડે છે અને બીજી અવસ્થામાં ચીસો નથી પાડતું. મૃત્યુ પછી પણ શરીરરૂપે પરિણમેલ ભૂતોની સત્તા રહી હોવા છતાં પણ ચૈતન્યની સત્તા જોવા નથી મળતી. મૃત શરીરમાં જેમ રૂપ, રસ આદિ ગુણ વિદ્યમાન રહે છે, તે જ પ્રકારે ચૈતન્ય પણ તેમાં વિદ્યમાન રહેવું જોઈએ, કિંતુ એવું ક્યારે પણ જોવા નથી મળતું; માટે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી. જડ ભૂતો કોઈ દિવસ પણ ચૈતન્યનું કારણ ન હોઈ શકે. ચૈતન્ય ભૂતોથી ભિન્ન એવા આત્મદ્રવ્યનો ગુણ છે. આત્મા ભૂતોથી ભિન્ન નિરંતર જ્ઞાન કરનાર તત્ત્વ છે.
આમ, મૃતક પણ ચારે ભૂતોનો સમુદાય જ છે અને તે દેહાકારે જ છે, છતાં તેમાં ચેતના જણાતી નથી એ હકીકત આત્માનું ભૂતસંયોગજન્ય નહીં હોવાપણું સિદ્ધ કરે છે. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં લખે છે કે જો ભૂતોના મળવાથી શરીર પરિણામ બનતું હોય તો એ શરીર પરિણામ સદાકાળ થવું જોઈએ, પરંતુ ક્યારેક બને એવું ન હોવું જોઈએ; માટે પૃથ્વી આદિ ભૂતોથી અતિરિક્ત કોઈ ચૈતન્યરૂપ તત્ત્વ હોવું જોઈએ અને એ આત્મતત્ત્વ જ છે. આત્માથી ભિન્ન કોઈ ચૈતન્ય હોઈ શકતું નથી. વળી, શરીર પરિણામ વિના કારણે બનતું નથી. જો શરીર પરિણામ નિર્દેતુક હોય તો દેશ આદિની વ્યવસ્થા બની શકતી નથી. શરીરરૂપે પરિણત પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્યશક્તિની ઉત્પત્તિ થતી હોય તો મૃત શરીરમાં પણ ચૈતન્યની ઉત્પત્તિ થવી જોઈએ, કારણ કે મૃત શરીરમાં પણ ભૂતો મોજુદ જ છે. એમ ન કહેવાય કે મડદામાં રક્તના સંચારનો અભાવ હોવાથી તેમાં ચૈતન્યશક્તિનો પ્રાદુર્ભાવ થતો નથી. જો રક્તનો સંચાર તથા અસંચાર જ્ઞાન પ્રત્યે કારણ હોય તો સૂતેલા મનુષ્યમાં રક્તનો સંચાર હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org