________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
આમ, ધૂર્ત ચાર્વાકો જીવનકાળમાં શરીરથી પૃથક્ એવા કોઈ આત્માને માનતા નથી, જ્યારે સુશિક્ષિત ચાર્વાકો શરીરથી પૃથક્ આત્માનું અસ્તિત્વ જીવનકાળ દરમ્યાન માને છે. તેઓ શરીરની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ અને શરીરના અંત સાથે તેનો અંત થાય છે એમ માને છે. પ્રસ્તુત ગાથામાં શિષ્યે આત્માના નિત્યત્વ વિષેની જે શંકા રજૂ કરી છે તેમાં સુશિક્ષિત ચાર્વાકોના મતનો પ્રભાવ જોઈ શકાય છે. શિષ્યની શંકાને યથાર્થપણે સમજવા માટે આત્માનાં ઉત્પત્તિ-લય અંગેની ચાર્વાક દર્શનની આ માન્યતાને વિસ્તારથી જોઈએ
૨૭૮
ચાર્વાકદર્શન સ્પષ્ટપણે ભૌતિકવાદની ઘોષણા કરે છે. તે માત્ર ભૂતોનું જ અસ્તિત્વ માને છે, કારણ કે ભૂતોને પ્રત્યક્ષ જોઈ શકાય છે. તેમના મત પ્રમાણે ભૂતો સિવાય બીજું કોઈ તત્ત્વ છે જ નહીં. ભૂતો ચાર પ્રકારના છે પૃથ્વી, જળ, તેજ અને વાયુ. ચાર્વાકદર્શન અનુસાર પૃથ્વી આદિ ચાર ભૂતો સિવાય બીજું કોઈ મૂળ તત્ત્વ નથી. ચાર્વાક માને છે કે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર તત્ત્વોથી જ જગતનું નિર્માણ થયેલું છે.૧
ચાર ભૂતો જ પ્રત્યક્ષ હોવાથી, જગતના નિર્માણ સંબંધમાં ચાર્વાક દર્શનનો મત છે કે પૃથ્વી આદિ ચાર ભૂતોથી જ જગતનું ઉપાદાન છે. ભૂતોનો સંયોગ વિશ્વનું કારણ છે. આ ચાર ભૂતોના સંઘાતને શરીર, ઇન્દ્રિયાદિનું નામ આપવામાં આવે છે. આ તત્ત્વોથી કેવળ નિર્જીવ પદાર્થોની જ ઉત્પત્તિ નથી થતી, કિંતુ સજીવ દ્રવ્ય પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રાણીઓનો જન્મ ભૂતોના સંયોગથી થાય છે. મૃત્યુ પછી તે ફરીથી ભૂતોમાં જ ભળી જાય છે.
ચાર્વાકદર્શન આત્માને ભૌતિક તત્ત્વોનો સમૂહ માને છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર ભૂતોના સંયોગથી જ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે અને તે ચૈતન્યથી જ શરીરની બધી ક્રિયાઓ થાય છે. જ્યારે આ ચાર ભૂતોમાંથી કોઈનો સંયોગ સર્વથા તૂટી જાય છે ત્યારે ચૈતન્યનો નાશ થઈ જાય છે અને શરીરનું કામ બંધ થઈ જાય છે. જ્યાં સુધી ચૈતન્ય રહે છે ત્યાં સુધી સ્મૃતિ આદિ વ્યવહાર ચાલે છે. ભૂતોનું વિઘટન થતાં તેમાંથી ઉત્પન્ન થયેલું ચૈતન્ય નાશ પામી જાય છે અને તેના સર્વ વ્યવહાર બંધ થઈ જાય છે. ચૈતન્ય નાશ પામતું હોવાથી તે નિત્ય નથી. ભૂતોના વિઘટન પછી ૧- ચાર્વાકો આકાશ તત્ત્વની સત્તા નથી માનતા, કારણ કે તેનું પ્રત્યક્ષ નથી થતું, પરંતુ કેટલાક ચાર્વાકો આકાશને પાંચમું તત્ત્વ માને છે અને જગતને પંચતત્ત્વાત્મક માને છે. આમ, કેટલાક પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગત માને છે અને કેટલાક આકાશને ઉમેરી, પાંચ ભૂતના સંયોગથી જગતનું નિર્માણ થયેલું છે એમ માને છે. (જુઓ : તર્કરહસ્યદીપિકા, પૃ.૩૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org