________________
ગાથા-૬૦
૨૭૯ આત્મા ટકતો ન હોવાથી બીજા ભવમાં જવાવાળો કોઈ જ રહેતો નથી, તેથી જન્માંતર જેવું કંઈ છે જ નહીં.
પૃથ્વી, જળ, તેજ અને વાયુના સમુદાયથી આત્મા ઉત્પન્ન થાય છે અને તેના વિઘટનથી તે નાશ પામે છે, તેથી આત્માનો આધાર એકમાત્ર ભૂતો છે. ચાર્વાકો આત્માને ઉત્પન્ન થનારી વસ્તુ માને છે અને આત્માની ઉત્પત્તિનાં કારણો તરીકે તેઓ ભૂતોનો જ સ્વીકાર કરે છે. ભૂતોથી અતિરિક્ત કોઈ કારણનો સ્વીકાર તેઓ કરતા નથી. તેમના મત અનુસાર આત્મા ચાર ભૂતોમાંથી જ નિષ્પન્ન થનારી વસ્તુ છે. ચૈતન્યતત્ત્વ એ ભૂતસમુદાયનો જ પિંડ છે. જડ ભૂતોથી જુદો આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ છે એ વાત કેવળ મિથ્યા છે.
પ્રશ્ન થાય કે જડ તત્ત્વમાંથી ચૈતન્યની ઉત્પત્તિ કેવી રીતે સંભવી શકે? તે બન્ને તો વિધર્મી છે. જડમાંથી જડ જ ઊપજી શકે, જડમાંથી જડ કરતાં સાવ જુદી વસ્તુની ઉત્પત્તિ શી રીતે સંભવે? ચૈતન્યનું અસ્તિત્વ તો કોઈ પણ ભૂતમાં પ્રાપ્ત નથી થઈ શકતું તો પછી ભૂતોમાંથી ચૈતન્ય કેવી રીતે બની શકે? જો ભૂતોમાં જ તેનો અભાવ હોય તો ભૂતોના યોગથી ચૈતન્યનો પ્રાદુર્ભાવ કઈ રીતે થઈ શકે?
ચાર્વાકમતવાદીઓ આનો જવાબ એમ આપે છે કે જડ તત્ત્વોના સંયોગથી જ દરેક વસ્તુનું નિર્માણ થાય છે. ચેતનમાંથી જડ નહીં પણ જડમાંથી ચેતન એવો ઉત્પત્તિક્રમ તેઓ દર્શાવે છે. એ સંભવ છે કે તત્ત્વોમાં જો કોઈ ગુણનો અભાવ હોય તોપણ તેની ઉત્પત્તિ તે તત્ત્વો દ્વારા નિર્મિત વસ્તુમાં થઈ શકે છે. જડ તત્ત્વોમાં ચૈતન્યનો અભાવ છે તો પણ અમુક પ્રકારે ભૂતોનો સંયોગ થતાં તેમાં ચૈતન્યનો સંચાર થાય છે. જેમ યકૃત(liver)માંથી એક પ્રકારનો રસ નીકળે છે, તેમ મસ્તકમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. જડ ભૂતોનું કોઈ વિશેષ પ્રકારે સંમિશ્રણ થાય છે ત્યારે તેમાં ચૈતન્યનો આવિર્ભાવ થાય છે, તેથી એમ માનવાની જરૂર નથી કે ચૈતન્ય કોઈ અભૌતિક તત્ત્વનો ગુણ છે. તે જડ દ્રવ્યનો જ એક ઉપવિકાર છે.
આ મતને ચાર્વાકો એક સુપ્રસિદ્ધ દૃષ્ટાંત દ્વારા સમર્થિત કરે છે. તેઓ કહે છે કે જે ખાદ્યપદાર્થોમાંથી મદિરા બનાવાય છેએમાં માદકપણાનો ગુણ નથી હોતો, પણ એ પદાર્થોના મિશ્રણને સડવા દઈને પછી એને ઉકાળીને જે મદિરા તૈયાર કરવામાં આવે છે, એને પીવાથી નશો ચઢે છે કે નહીં? સામાન્ય પરિસ્થિતિમાં માણસની જે માનસિક અવસ્થા હોય છે તેમાં મદિરા પીવાથી ફેરફાર થાય છે કે નહીં? તો પછી જુદા જુદા ભૂતોના મિશ્રણથી ચૈતન્યની ઉત્પત્તિ શા માટે ન થાય? જેમ અમુક ખાદ્યપદાર્થોના સંમિશ્રણથી માદક મદિરાની ઉત્પત્તિ થાય છે, તેમ પૃથ્વી આદિ ચાર ભૂતોના મિશ્રણથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org