________________
૨૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
શ્રી કેશી સ્વામી - હે રાજન! માની લે કે તે દેવમંદિરમાં જવા માટે સ્નાન કરેલું છે, નવાં કપડાં પહેરેલાં છે અને હાથમાં કળશ-ધૂપદાન છે; અને તું દેવમંદિરમાં પહોંચવા માટે ડગ માંડી રહ્યો છે. તે સમયે પાયખાનામાં બેસેલો કોઈ પુરુષ તને કહે કે આપ અહીં આવો, બેસો અને ઘડીભર શરીર લાંબું કરો', તો હે રાજન! શું તું એની વાત માનશે? પ્રદેશી રાજા – હું તેની વાત બિલકુલ નહીં માનું. પાયખાનું ખૂબ ગંદું હોય છે, એવી ગંદી જગ્યામાં હું કેવી રીતે જઈ શકું? હું શું રાજા થઈને દુર્ગધના ભંડારરૂપ એ અપવિત્ર જગ્યામાં પગ દઉં? કદી નહીં. શ્રી કેશી સ્વામી - હે રાજન! એ જ પ્રકારે સ્વર્ગનાં અનેક સુખોમાં ગરકાવ થયેલી તારી દાદી શું આ દુર્ગધયુક્ત મનુષ્યલોકમાં આવી શકે ખરી? મૃત્યુ પછીની સ્થિતિ વિષે સર્વ વિગત તને કહેવા માટે તે ત્યાંથી અહીં નથી આવી શકતી. દેવ ગતિને પ્રાપ્ત થયેલી તારી દાદી અહીં આવી તને પોતાનાં સુખો વિષે કહેવા ઇચ્છે તોપણ તે નથી આવી શકતી.
સ્વર્ગમાં ઉત્પન્ન થયેલો દેવ મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ ચાર કારણોને લીધે તે અહીં નથી આવી શકતો. એક તો તે દેવ સ્વર્ગનાં સુખોમાં અત્યંત લિપ્ત થઈ જાય છે અને માનવીય સુખોમાં એની રૂચિ નથી રહેતી, તેમજ તે પોતાનાં કાર્યોમાં મગ્ન થઈ જાય છે. બીજું, તે દેવનો મનુષ્ય સાથેનો સંબંધ છૂટી જાય છે અને તે દેવદેવીઓની સાથે જોડાયેલા નવા સંબંધોમાં મગ્ન રહે છે. ત્રીજું, દેવસુખના કારણે કાળ વ્યતીત થવાનું ભાન પણ નથી થતું અને મનુષ્યલોકનાં હજારો વર્ષ દેવોને પળમાત્રમાં વીતી જાય છે. વિષયસુખમાં પડેલો તે દેવ, ‘હમણાં જાઉં છું, હમણાં જાઉં છું' એમ વિચારતો રહે છે. એ રીતે બહુ કાળ વીતી જાય છે અને ત્યાં સુધીમાં તો મનુષ્યલોકના અલ્પાયુષી સંબંધીઓ મરી ચૂક્યા હોય છે. ચોથું, મનુષ્યને પરાધીન નહીં એવા દેવતાઓ મનુષ્યલોકમાં આવતા નથી, કારણ કે મનુષ્યલોકની દુર્ગધ તેમનાથી સહન થતી નથી. તેથી સ્વર્ગમાં ગયેલો જીવ અહીં આવવા ઇચ્છતો નથી. આના ઉપરથી તું સમજી ગયો હશે કે તારી દાદી અહીં નથી આવી શકતી, તેનું કારણ મનુષ્યલોકની દુર્ગધ, સ્વર્ગના આનંદની અભિરુચિ આદિ છે; નહીં કે સ્વર્ગ નામની કોઈ ગતિ જ નથી કે આત્મા નામની કોઈ સ્વતંત્ર સત્તા નથી.
આમ, અનેક કારણો હોવાથી પરલોકમાંથી સ્વજનો નથી આવતા. અત્યંત સ્નેહ રાખતા એવા સ્વજનો સ્વર્ગમાંથી કે નરકમાંથી ન આવે તેટલામાત્રથી સ્વર્ગ કે નરક નથી, પુનર્જન્મ નથી, આત્મા નથી એમ કહી ન શકાય. આત્મા અને શરીર બને જુદાં જુદાં છે. મરણ સમયે શરીર અહીં પડ્યું રહે છે અને આત્મા બીજી ગતિમાં જઈ, અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org