________________
ગાથા-૫૯
૨૫૯
વ્યભિચાર કરશો તો મારી જેમ તમે પણ દુ:ખી થશો. આ પ્રમાણે કહી હું પાછો આપની સજા ભોગવવા આવીશ.' તો તે પુરુષના આવા વિનયપૂર્ણ વચન સાંભળી શું તું તે માણસને તેટલા વખત માટે છોડીશ ખરો?
પ્રદેશી રાજા એવું કદાપિ ન થઈ શકે. તે કામુક મારો અપરાધી છે, એટલે જરા પણ ઢીલ કર્યા વિના હું એને શૂળી ઉપર ચઢાવી દઈશ.
શ્રી કેશી સ્વામી હે રાજન, તારા દાદાની પણ આવી જ હાલત છે. તેઓ પરાધીન અવસ્થામાં નરકનાં દુઃખ ભોગવી રહ્યા છે, એટલે તને કહેવા માટે કેવી રીતે આવી શકે? જ્યારે તું એક પાપ કરનારને તારી રાજસત્તાની અંદર જઈને પાછા આવવાની થોડી વાર માટે પણ રજા આપતો નથી, તો તારા દાદા કે જેમણે અનેક પાપો કર્યાં હતાં, તેમને નરકવાસથી આટલે દૂર આવવા માટે શી રીતે છૂટ મળે?
—
નરકમાં પહોંચેલો અપરાધી મનુષ્યલોકમાં આવવા તો ઇચ્છે છે, પણ તે ચાર કારણોથી નથી આવી શકતો. પ્રથમ તો નરકની ભયંકર વેદના તેને વિહ્વળ કરી નાંખે છે, જેનાથી તે કિંકર્તવ્યવિમૂઢ બની જાય છે; બીજું, નરકના કઠોર રક્ષક તેને ઘડીભર માટે પણ બંધનમુક્ત નથી કરતા; ત્રીજું, તેના વેદનીય કર્મનો ભોગ પૂરો ભોગવાય નહીં ત્યાં સુધી તે ત્યાંથી બીજે કશે પણ જઈ શકતો નથી; અને ચોથું, તેનું આયુષ્ય પૂરું કરવા ઇચ્છે તોપણ પૂરું થતું નથી, તેથી તે મનુષ્યલોકમાં આવી શકતો નથી. આમ, નરકમાંથી પાછા ન આવવાનાં અનેક કારણો હોય છે. અત્યંત દુઃખથી રિબાતો એવો નરકનો જીવ મનુષ્યલોકમાં આવતો નથી, કારણ કે તેની પાસે અહીં આવવા માટે જોઈતી શક્તિ હોતી નથી. મરીને નરકમાં ગયેલો જીવ અહીં આવી શકતો નથી, તેનું કારણ તેની પરતંત્રતા છે; નહીં કે નરક નામની કોઈ ગતિ જ નથી કે આત્મા નામની કોઈ સ્વતંત્ર સત્તા નથી.
પ્રદેશી રાજા આત્મા નામની કોઈ સ્વતંત્ર સત્તા નથી એ મારી માન્યતાને દૃઢ કરનારું અન્ય એક ઉદાહરણ સાંભળો. મારી દાદી જીવ-અજીવ આદિ તત્ત્વોની જાણકાર હતી અને સંયમ તથા તપ બહુ કરતી હતી. મારી દાદીનું મૃત્યુ થઈ ગયું અને તે આપના કથનાનુસાર સ્વર્ગમાં ગઈ હશે. તે દાદીનો હું ખૂબ પ્રિય પૌત્ર હતો. તે મને જોઈને ગદ્ગદ થઈ જતી હતી. તે મરીને સ્વર્ગલોકમાં ગઈ હોય તો તે સ્વર્ગથી આવીને મને કહી શકી હોત કે ‘હે પૌત્ર! તું પણ મારી જેમ ધાર્મિક બનજે, જેથી તને સ્વર્ગસુખ પ્રાપ્ત થાય.' મારી દાદીએ જે ધર્મ કર્યો હતો, તેનાં પોતાને ઉત્તમ ફળ મળેલાં છે તે કહેવા માટે તેઓ સ્વર્ગ છોડી અહીં જરૂર આવત; પણ તે હજી સુધી મને એવું કહેવા આવી નથી, તેથી સ્વર્ગની વાત મારા માનવામાં આવતી નથી, માટે આત્મા અને શરીર અલગ નહીં પણ એક જ છે એવી માન્યતા મારામાં દૃઢ થઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org