________________
૨૫૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
આત્માનું અસ્તિત્વ છે એ નિશ્ચય હજી વિચારણા દ્વારા થયો છે, અનુભવથી થયો નથી.
વિશેષાર્થ
નાસ્તિક એવા ચાર્વાકમતના પ્રભાવથી શિષ્ય એમ માનતો હતો કે દેહથી ભિન્ન એવો કોઈ સ્વતંત્ર જ્ઞાનધારક પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. વિચારવાન શિષ્યે પોતાની આ માન્યતાને અનુલક્ષીને આત્માના અનસ્તિત્વ વિષે તર્કયુક્ત દલીલો રજૂ કરી હતી. તેણે શ્રીગુરુ સમક્ષ આત્મતત્ત્વના અસ્તિત્વ અંગેની પોતાની શંકા પ્રદર્શિત કરી હતી અને તે શંકાના સમાધાન માટે શ્રીગુરુને વિનંતી કરી હતી. શ્રીગુરુએ તર્કબદ્ધ સમાધાન દ્વારા આત્મા અને દેહ બન્ને જુદાં છે એમ સિદ્ધ કર્યું. શિષ્ય સત્યનો પક્ષપાતી હોવાથી, સમાધાન પ્રાપ્ત થયા પછી ઊંડી વિચારણા કરે છે અને તે સમાધાન યથાર્થ જણાતાં આત્માના અસ્તિત્વ અંગેની પોતાની માન્યતા બદલે છે.
માત્ર સાંભળવા-વાંચવાથી કોઈ નક્કર પરિવર્તન આવતું નથી. તે વિષય ઉપર વારંવાર વિચારણા કરવાથી, તેનું નિરંતર ઘોલન કરવાથી પરિવર્તનનો પ્રારંભ થાય છે. ચિંતન-મનનરૂપ જ્ઞાન થોડું હોય તોપણ ઘણું ફળદાયી છે અને તે વિના ગમે તેટલું શ્રવણ-વાંચન હોય તોપણ તે ફળદાયી થતું નથી. ચિંતન-મનનરૂપ જ્ઞાન સમ્યક્ દિશામાં આગળ વધવામાં મદદરૂપ બને છે. વારંવાર વિચારણા કરતાં. જ્ઞાનસંસ્કારનું નિર્માણ થાય છે અને અનાદિ વિપરીત માન્યતા ટળે છે. પથ્થરની કોઈ મોટી શિલા ઉપર જળધારા પડી રહી હોય તો તે જોતાં એમ લાગે કે પથ્થર સામે જળની શું વિસાત! પણ જો જળની ધારા એ શિલા ઉપર સતત પડ્યા કરે તો અંતે શિલાના ટુકડે ટુકડા થઈ તે રેતી બની જાય છે. એ પ્રમાણે બોધની નિરંતર વિચારણા પણ વિપરીત માન્યતાઓનો નાશ કરે છે. કેવળ શ્રવણ-વાંચનમાં આ તાકાત નથી, તેથી તે સમ્યક્ શ્રદ્ધાનનું કારણ બની શકતું નથી, માટે જ જ્ઞાનીઓ તત્ત્વવિચારણાનો દૃઢ અભ્યાસ કરવાની વારંવાર ભલામણ કરે છે.
તત્ત્વની રુચિપૂર્વક ઊંડી વિચારણા કરવામાં આવે તો તે સમ્યક્ નિર્ણયનું અને સમ્યક્ પ્રતીતિનું કારણ બને છે. વારંવાર વિચારણા કરવાથી તત્ત્વનો અડગ નિશ્ચય થાય છે. જેમ જેમ વિચારણા કરવામાં આવે, તેમ તેમ તેના સંસ્કાર આત્મા ઉપર પડતા જાય છે. સંસ્કાર દૃઢ થતાં તે અચળ શ્રદ્ધારૂપે આત્મામાં સ્થાપિત થાય છે. જ્યાં વિચારણાપૂર્વકની શ્રદ્ધા નથી ત્યાં તેને ડગતાં વાર લાગતી નથી. માત્ર ઓઘસંજ્ઞાએ અથવા ગતાનુગતિકતાથી કરેલી શ્રદ્ધા લાંબો સમય ટકી શકતી નથી અથવા તો તે કાર્યકારી થઈ શકતી નથી. વિચારણાપૂર્વક કરેલી શ્રદ્ધા જ પરમાર્થમાર્ગે લાભદાયી નીવડે છે. શ્રી કાનજીસ્વામી કહે છે
‘લોકો ઓઘસંજ્ઞાથી આત્મા છે એમ બીજાના કહેવાથી હા પાડે છે; પણ પોતે શંકા કરીને તે કેમ છે, કેવડો છે, કેવો છે તેનો વિચાર કરીને કદી પ્રશ્ન પણ પૂછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org