________________
૨૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આત્માનું અસ્તિત્વ નિઃસંદેહ પ્રમાણરૂપ સિદ્ધ કર્યું. જેમ કે સુખ-દુઃખરૂપ સંવેદન કોને થાય છે? શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનું જ્ઞાન કોને થાય છે? શરીરમાંથી મૃત્યુ સમયે કોણ નીકળી જાય છે? સ્વપ્ન અવસ્થામાં જોયેલા પદાર્થોનું સ્મરણ જાગૃત અવસ્થામાં કોણ કરે છે? ભૂતકાળની વાત કોને સ્મરણમાં આવે છે? ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરથી આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે. આત્માના ગુણોનો પ્રત્યક્ષ અનુભવ થવાથી આત્મા પ્રત્યક્ષ થાય છે. આત્માની જ પ્રેરણાથી દેહ ક્રિયા કરતો જણાય છે, તેથી પરોક્ષ રીતે પણ આત્મા સાબિત થાય છે. એ જ પ્રમાણે આ ગાથામાં પણ શ્રીગુરુએ અત્યંત સરળ અને અસરકારક યુક્તિ દ્વારા આત્માની સિદ્ધિ કરી છે.
શ્રીગુરુ શિષ્યને કહે છે કે ‘તને આત્માના અસ્તિત્વ વિષે સંશય છે, પણ વિચાર કર કે આ શંકા કરનાર કોણ છે? આત્મા વિષે સંદેહ કરનાર કોણ છે? ‘માટે છે નહીં આત્મા એવો નિર્ણય કર્યો છે, પણ આ નિર્ણય કરનાર કોણ છે? વિચાર કરતાં જણાશે કે આત્મા સિવાય બીજા કોઈને આવો સંશય થઈ શકે નહીં, માટે આત્માનું અસ્તિત્વ છે. તારા મનમાં આત્મા છે કે નહીં એવી જે શંકા થઈ છે, તે શંકા જ આત્માના અસ્તિત્વને પુરવાર કરે છે.'
સંશયના કારણે આત્માની સિદ્ધિ થાય છે, તે આ પ્રમાણે – શંકાનો સ્વીકાર થતાં જ શંકા કરનારનો સ્વીકાર થઈ જાય છે. શંકા કરનાર વિના શંકા ન હોય. સંશયી વિના સંશય સંભવે જ નહીં. આ શંકા કરનાર આત્મા છે, કારણ કે સંશય એ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન એ આત્માનો ગુણ છે. જ્ઞાન ગુણ આત્મામાં જ રહેતો હોવાથી આત્મા જ શંકા કરવા સમર્થ છે.
જ્ઞાન એ દ્રવ્ય નથી પરંતુ ગુણ છે અને દ્રવ્ય સિવાય ગુણ કદી પણ ઉપલબ્ધ થતો નથી. જ્ઞાન એ ગુણ છે અને ગુણના આશ્રયરૂપ કોઈક દ્રવ્ય હોય જ છે. આત્મા જ્ઞાન ગુણનું આધાર દ્રવ્ય છે. જ્ઞાન આત્મામાં છે. જ્ઞાનનો મૂળ ઝરો આત્મામાંથી જ વહે છે. જ્ઞાન આત્મામાંથી જ આવે છે. જડ પદાર્થને કોઈ પ્રકારનું જ્ઞાન થતું નથી. કોઈ પણ જડ પદાર્થ ક્યારે પણ જ્ઞાન કરી શકતો નથી. જ્ઞાન તો દેહાદિ જડ પદાર્થોથી ભિન્ન એવા આત્મદ્રવ્યનો જ ગુણ છે. આમ, દેહાદિ જડ પદાર્થો જ્ઞાનરહિત હોવાથી તે કોઈ પણ પ્રકારનો સંશય કરવા સમર્થ નથી. જડ દેહ અથવા ઇન્દ્રિયો શંકા કરી શકતાં નથી, આત્માની શંકા કરનાર આત્મા પોતે જ છે. તેથી નિશ્ચય થાય છે કે આત્માનું હોવાપણું છે. આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. આત્માનો સંદેહ પોતે જ આત્માની સિદ્ધિ કરે છે.
આમ, શરીરમાં આત્મા નામનું તત્ત્વ છે કે નહીં? એવી આત્માની શંકા આત્મા પોતે જ કરે છે, પરંતુ આ શંકાનો કરનાર પોતે જ આત્મા છે એમ તે જાણતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org