________________
૨૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નથી. એવી વસ્તુમર્યાદા છે કે જીવનું જડત્વરૂપે પરિણમવું ક્યારે પણ થાય નહીં અને જડનું ચેતનરૂપે પરિણમવું ક્યારે પણ થાય નહીં. ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે કે વસ્તુ પોતાના સ્વરૂપે જ પરિણમે. ચેતન ચેતનરૂપે જ પરિણમ્યા કરે છે અને જડ જડરૂપે જ પરિણમ્યા કરે છે. એક દ્રવ્ય બે પરિણામ કરી શકે નહીં, તેમજ એક જ પ્રકારનું પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં એવી વસ્તુસ્થિતિ છે.
દેહ અને આત્મા સંયોગ સંબંધે ભેગા રહ્યા છે, પરંતુ બન્ને પોતપોતાના ભાવ અનુસાર પરિણમે છે, અર્થાત્ જડ દેહ જડ ભાવે પરિણમ્યા કરે છે અને ચેતન આત્મા ચેતનભાવે પરિણમ્યા કરે છે. જડ ત્રણે કાળ જડ ભાવે અને ચેતન ત્રણે કાળ ચેતનભાવે જ પરિણમે છે. જડનું પરિણમન જડમાં જ જડરૂપે જ થાય છે, પોતાના વર્ણાદિ ગુણરૂપે જ થાય છે. ચેતનનું પરિણમન ચેતનમાં જ ચેતનરૂપે જ થાય છે, પોતાના જ્ઞાનાદિ ગુણરૂપે જ થાય છે. જડની ગમે તેટલી અવસ્થાઓ પલટાય પણ તે સર્વ જડરૂપે જ હોય છે અને ચેતનની પણ ગમે તેટલી અવસ્થાઓ બદલાય તોપણ તે સર્વ ચેતનરૂપે જ હોય છે. જડની કોઈ પણ અવસ્થા કદી પણ ચેતનરૂપ થાય કે ચેતનની કોઈ પણ અવસ્થા કદી પણ જડરૂપ થાય એમ કદાપિ બની શકે એમ જ નથી એ વાત નિઃસંદેહ છે. શ્રીમદે ગાયું છે તેમ
-
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ?’૧
અહીં શ્રીમદ્ જણાવે છે કે જડ સદા જડપણે જ પરિણમે અને ચેતન સદા ચેતનપણે જ પરિણમે, પોતપોતાનો સ્વભાવ છોડીને અન્ય દ્રવ્યરૂપે કદાપિ પરિણમે નહીં; અર્થાત્ જડ કદી ચેતનપણે પરિણમે નહીં અને ચેતન કદી જડપણે પરિણમે નહીં. જડ છે તે ત્રણે કાળ જડરૂપ જ રહે છે અને ચેતન છે તે ત્રણે કાળ ચેતનરૂપે જ રહે છે. આ વાત પ્રગટ અનુભવરૂપ છે, તેથી તેમાં સંશય કરવા યોગ્ય નથી.
Jain Education International
જડ અને ચેતન એ બે સ્વતંત્ર તત્ત્વો છે. જડમાં થતાં પરિવર્તનોમાં ચેતન કશું જ કરી શકતું નથી અને ચેતનમાં થતી અવસ્થાઓમાં જડ કશું જ કરી શકતું નથી. બન્ને દ્રવ્યો . એકક્ષેત્રાવગાહે રહેતાં હોવા છતાં સ્વતંત્ર હોવાના કારણે એકબીજામાં કંઈ જ કરી શકતાં નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં કિંચિત્માત્ર પરિવર્તન કરી શકતું નથી. જીવ અને પુદ્ગલ બન્ને ભિન્ન છે, એકબીજામાં એકબીજાનો અત્યંત અભાવ છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૭ (આંક-૨૬૬, કડી ૧,૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org