________________
૨૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ફરે એવા જડ-ચૈતન્યના દ્વૈતના નિશ્ચય સિદ્ધાંતની ઉદ્ઘોષણા કરી, જડથી ભિન્ન સ્વતંત્ર આત્મદ્રવ્યના અસ્તિત્વની અહીં સિદ્ધિ કરી છે.
વિશેષાર્થ
પ્રત્યેક સંસારી જીવ જે શરીર પ્રાપ્ત કરે છે, તે શરીરમાં તેટલા પરિમાણમાં વ્યાપીને રહે છે. જે શરીરમાં આત્મા હોય છે તેને જ જીવિત કહેવાય છે. જીવિત શરીર જે ક્રિયાઓ કરે છે, તે બધી ક્રિયાઓ જ આત્માની સિદ્ધિમાં પ્રમાણભૂત બને છે. આત્મા જ્ઞાન(વેદક)સ્વભાવી હોવાના કારણે જ તેને સુખ-દુઃખનો અનુભવ થાય છે. શરીરની અંદર જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી રોગાદિના કારણે થતી પીડાનો અનુભવ થાય છે અને જ્યારે આત્મા શરીરને છોડીને ચાલ્યો જાય છે ત્યારે શરીરને બાળી નાખે તોપણ કોઈ જાતની પીડાનો અનુભવ થતો નથી. જીવિત વ્યક્તિના શરીરને પ્રેમાળ સ્પર્શ કરવામાં આવે તો શાતાનો કે ચીમટો ભરવામાં આવે તો અશાતાનો અનુભવ થાય છે, કારણ કે તે શરીરમાં આત્મા રહેલો છે; પરંતુ મડદાને પ્રેમાળ સ્પર્શ કરવાથી કે ચીમટો ભરવાથી તેને નથી કશી ખબર પડતી કે નથી વેદના થતી. તેથી સાબિત થાય છે કે તે શરીરમાં આત્મા નથી.
જીવિત શરીર અને મૃત શરીરના ભેદનો વિચાર કરવાથી જાણવાવાળા અને નહીં જાણવાવાળા એવાં બે દ્રવ્યોની સિદ્ધિ સહજતાએ થાય છે. જેનામાં જાણવાનો ગુણ છે તે ચેતનદ્રવ્ય છે અને જેનામાં જાણવાનો ગુણ નથી તે જડદ્રવ્ય છે. જે જાણે તે જીવ છે અને જે ન જાણે તે અજીવ છે. જો જીવ અને અજીવ બન્નેને જુદાં ન માનતાં એકરૂપ જ માની લેવામાં આવે તો જીવિત વ્યક્તિ અને મૃત વ્યક્તિ વચ્ચે કોઈ ભેદ દેખાવો ન જોઈએ. આ પ્રત્યક્ષ ભેદથી જ જીવ અને અજીવ ભિન્ન છે એમ સિદ્ધ થાય છે.
જીવ
પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી’માં લખે છે કે દ્રવ્યના મૂળ બે ભેદ છે દ્રવ્ય અને અજીવદ્રવ્ય. આ બન્ને ભેદ શબ્દની અપેક્ષાએ પણ છે અને અર્થની અપેક્ષાએ પણ છે. જીવ અને અજીવ બન્ને વાચકરૂપ શબ્દ છે, તેથી તેના વાચ્ય પણ બે પ્રકારે છે એક જીવ અને બીજું અજીવ. જેટલા શબ્દો હોય છે, તેના વાચ્યરૂપ અર્થ પણ હોય છે. જીવ અને અજીવ આ બે શબ્દ છે, તેથી જીવરૂપ દ્રવ્ય અને અજીવરૂપ દ્રવ્ય પણ છે. સામાન્યપણે બે જ દ્રવ્ય છે, એક જીવ અને બીજું અજીવ. પરંતુ વિશેષપણે અજીવના પાંચ ભેદ છે. તે પાંચ પ્રકાર છે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ રીતે કુલ છ દ્રવ્યો છે, એમાં જીવદ્રવ્ય જ્ઞાન-દર્શન સહિત છે અને બાકીનાં દ્રવ્યો જ્ઞાન-દર્શનરહિત છે. તેથી જીવ સિવાયના બધાને અજીવ ગણવામાં આવે છે.૧ ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૩ 'जीवाजीवविशेषोऽस्ति द्रव्याणां शब्दतोऽर्थतः 1 चेतनालक्षणो जीवः स्यादजीवोऽप्यचेतनः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org