________________
૧૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે તે વડે આત્માની સિદ્ધિ થાય છે. રૂપી પદાર્થોની જેમ આત્માનું દર્શન ક્યારે પણ થતું નથી, થઈ શકતું પણ નથી. આત્મા કંઈ આમળાની જેમ હથેળીમાં લઈને દેખાડી શકાતો નથી, એ તો માત્ર અનુભવાય છે. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી પણ સાક્ષાત્ અનુભવપ્રત્યક્ષ છે.
જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણ કહેવાય છે. કેટલાક લોકો કહે છે કે આત્માને માનવા માટે કોઈ પ્રમાણ નથી. આત્મા પ્રમાણસિદ્ધ પદાર્થ નથી. જે પદાર્થ પ્રમાણથી સિદ્ધ થાય તે જ વાસ્તવિક છે, પણ જે વસ્તુ માનવા માટે કોઈ પ્રમાણ નથી તે વસ્તુનું અસ્તિત્વ નથી. આત્માને માનવા માટે કોઈ પણ પ્રમાણ ન હોવાથી તે અસત્ છે. પરંતુ આ વાત યથાર્થ નથી. આત્માને માનવા માટે ઘણાં પ્રમાણો છે. તેને વિવિધ પ્રમાણો વડે જાણી શકાય છે. તેના મુખ્ય બે પ્રકાર છે - પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાન આદિ પરોક્ષપ્રમાણ. જિનમતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રમાણ માન્ય રાખવામાં આવ્યાં છે. તે બન્ને પ્રકારનાં પ્રમાણોથી આત્માની સિદ્ધિ થાય છે. હવે પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ પ્રમાણ વડે આત્માની સિદ્ધિ કેવી રીતે થાય છે તે જોઈએ. સર્વ પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા આત્માની પ્રમાણભૂતતાનો વિચાર કરીએ – (૧) પ્રત્યક્ષપ્રમાણથી આત્માની સિદ્ધિ
વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. દરેકને પોતાના આત્માનું જ્ઞાન માનસપ્રત્યક્ષ વડે થાય છે. હું છું' એ અહં-પ્રત્યયરૂપે આત્મા સતત માનસપ્રત્યક્ષ છે. ગાઢ અંધકારમાં જ્યાં પોતાનું શરીર પણ દેખાતું નથી, ત્યાં પણ હું છું' એવો પ્રત્યક્ષ અનુભવ જીવ કરે છે. અંધારામાં અમુક વસ્તુ છે કે નહીં એવો સંદેહ થાય છે, પરંતુ ક્યારે પણ હું છું કે નહીં' એવો સંદેહ થતો નથી. ‘હું છું' એવું જે ત્રણે કાળ માનસપ્રત્યક્ષ થાય છે તે આત્માના અસ્તિત્વની સાખ પૂરે છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે આત્મા નામની વસ્તુ વિદ્યમાન હોય તો ઘટની જેમ તે પ્રત્યક્ષ કેમ દેખાતી નથી? એવી શંકાનું સમાધાન એ છે કે હું છું' ઇત્યાદિ અનુભવથી આત્મા માનસપ્રત્યક્ષ જરૂર થાય છે. ૧- જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે - ઇન્દ્રિયપ્રત્યક્ષ અને આત્મપ્રત્યક્ષ. ઇન્દ્રિયોની સહાય વડે કરીને એટલે આંખ, કાન આદિ ઇન્દ્રિય વડે જાણે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ અને ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે તે આત્મપ્રત્યક્ષ. [જુઓ : 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૦ (વ્યાખ્યાનસાર-૧, ૨૧૯)] ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૭૯
'सतोऽस्य किं घटस्येव प्रत्यक्षेण न दर्शनम् ? । अस्त्येव दर्शनं स्पष्टमहंप्रत्ययवेदनात् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org