________________
ગાથા-પ૩
૧૬૫ પદાર્થની પ્રતીતિ થાય છે. મૃત્યુ અને જીવનની ભેદરેખા આંકનાર તત્ત્વની વિચારણા કરતાં આત્માની સિદ્ધિ સ્વયમેવ થઈ જાય છે. વિચાર કરતાં જણાય છે કે દેહથી પૃથક એવું આત્મદ્રવ્ય દેહમાંથી નીકળી જાય છે ત્યારે જ જીવન સમાપ્ત થઈ મરણ નીપજે છે. દેહની અંદર જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી જીવન કહેવાય છે અને જ્યારે આત્મા તે દેહને છોડે છે ત્યારે મરણ કહેવાય છે. જીવંત અવસ્થામાં દેહ અને આત્મા બન્ને સાથે હોય છે, જ્યારે મૃત્યુ અવસ્થામાં બન્ને જુદા થઈ જાય છે.
આમ, આત્માનો સંયોગ હોય ત્યારે જ દેહ ચેષ્ટા કરી શકે છે. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે છે અને આત્મા ન હોય તો તે નિષ્ક્રિયપણે - નિશ્ચેષ્ટપણે પડ્યું રહે છે. તેથી આત્મા દેહથી જુદું એક સ્વતંત્ર દ્રવ્ય સિદ્ધ થાય છે. જેમ એંજિન અને ડ્રાઈવર એક નથી, તેમ દેહ અને આત્મા એક નથી. દેહને આત્મા માનનાર ભૂલ કરે છે. દેહને આત્મા માનવાની આ ભૂલ ભાંગવા યોગ્ય છે. દેહ અને આત્માની ભિન્નતાનો સ્પષ્ટપણે સ્વીકાર કરવા યોગ્ય છે. (૨) આત્માની સત્તા વડે ઇન્દ્રિય પ્રવર્તે છે.
કેટલાક લોકો એમ કહે છે કે દેહ ભલે આત્મા ન હોય પણ દેહના ચક્ષુ આદિ ઇન્દ્રિયરૂપ અંગ તે આત્મા છે. દેહમાં રહેવાવાળી ઇન્દ્રિયો જ આત્મા છે, કારણ કે તે દ્વારા જ્ઞાન થાય છે અને જ્ઞાન આત્માનો સ્વભાવ છે. તેઓ જ્ઞાનને ઇન્દ્રિયનો જ ગુણ માને છે, કારણ કે જ્ઞાનપ્રવૃત્તિ ઇન્દ્રિય દ્વારા થાય છે, પણ આ માન્યતા ભૂલભરેલી છે. જ્ઞાનને ઇન્દ્રિયનો ગુણ માની શકાય નહીં, પણ ઇન્દ્રિયથી ભિન્ન એવા આત્માનો ગુણ જ માનવો ઘટે છે. તેનું કારણ એ છે કે જો ઇન્દ્રિય સ્વયં જ જાણી શકતી હોત તો મૃતાવસ્થામાં પણ એને એ જ ઇન્દ્રિય હોવાથી તેનું જાણવું ચાલુ રહેવું જોઈએ, તેની પ્રવૃત્તિમાં કોઈ અંતરાય ન આવવો જોઈએ; પરંતુ આવું બનતું નથી. જો જ્ઞાન કરવાની શક્તિ ઇન્દ્રિયો જ ધરાવતી હોય તો મૃત દેહને પણ ઇન્દ્રિયો તો છે જ, તો પછી તેને જ્ઞાન કેમ થતું નથી? મનુષ્યના મૃત દેહને પાંચ ઇન્દ્રિયો હોય છે, તોપણ એક પણ ઇન્દ્રિય કામ નથી કરતી. જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ચાખવાનું, સ્પર્શવાનું, બધી જ ક્રિયા બંધ થઈ જાય છે. ઇન્દ્રિય અને આત્મા અભિન્ન હોય તો આવું કઈ રીતે સંભવે?
જ્યારે એક તંદુરસ્ત માણસ મૃત્યુ પામે છે ત્યારે તે જ ક્ષણે આંખ કેમ દેખાતી બંધ થઈ જાય છે? તે મડદાની આંખ સુંદર પણ છે અને વ્યવસ્થિત છે. તેની આંખનો પડદો વગેરે બધું જેવું હતું તેવું જ છે, છતાં તેને કેમ નથી દેખાતું? આંખો ખુલ્લી હોય તોપણ મડદું કેમ નથી જોઈ શકતું? આંખની જોવાની શક્તિ તો નષ્ટ નથી થઈ, કારણ કે એ જ આંખને બીજા જીવંત દેહમાં રોપવામાં આવે છે ત્યારે તે બીજી વ્યક્તિ તે આંખ દ્વારા જોઈ શકે છે. મરી ગયા પછી ચક્ષુદાન કરવામાં આવે છે. એ મૃતકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org