________________
૧૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આંખો તાત્કાલિક કાઢી નાખવામાં આવે અને પછી તે બીજા કોઈને લગાડવામાં આવે તો જે મનુષ્યને તે આંખો બેસાડી હોય તે જોઈ શકે છે, પણ મડદું નથી જોઈ શકતું. આંખ તો એ જ છે, તો આ ભેદ કેમ? માટે એવો કોઈ પદાર્થ જરૂર અસ્તિત્વ ધરાવે છે કે જેના કારણે આંખ જોવાનું કાર્ય કરે છે અને જો તે ન હોય તો આંખ નિષ્ક્રિય થઈ જાય છે. આ પદાર્થ તે આત્મા છે.
આના ઉપરથી સિદ્ધ થાય છે કે આંખ દ્વારા જ્ઞાન કરનાર, જોનાર કોઈ બીજો જ પદાર્થ છે, એટલે કે આત્મા છે. આંખ તો માત્ર સાધન જ છે. મડદાને આંખરૂપી સાધન તો છે, પરંતુ દેહમાં કોઈ જોનાર હવે રહ્યો નથી, તેથી આંખ હોવા છતાં પણ એ મૃતક કોઈને જોઈ નથી શકતું. મૃત દેહની આંખ નથી જોઈ શકતી, કારણ કે જોનાર દેહમાંથી ચાલ્યો ગયો છે. જ્યાં જોનાર આત્મા છે ત્યાં જ આંખ દ્વારા સામે રહેલા રૂપ-રંગયુક્ત દૃશ્ય દેખાય છે. આત્મા વિના માત્ર આંખથી કશું જ્ઞાન થતું નથી.
પાંચ ઇન્દ્રિયના વ્યાપાર - સ્પર્શવાના, ચાખવાના, સુંઘવાના, જોવાના અને સાંભળવાના વ્યાપાર તે પાંચ ઇન્દ્રિયથી પર એવી કોઈ વસ્તુ ન હોય તો થઈ શકતા નથી. જો એમ થઈ શકતું હોત તો મરણ પામેલ દેહમાં બધી ઇન્દ્રિય હોવાના કારણે સર્વ વ્યાપાર થઈ શકત, પણ તેમ થઈ શકતું નથી; તેથી જીવમાત્રમાં એક એવી વસ્તુ છે કે તે વસ્તુની જ્યાં સુધી દેહમાં હાજરી હોય છે ત્યાં સુધી જીવની ત્વચા સ્પર્શ કરી શકે છે, જીભ રસ ચાખી શકે છે, નાસિકા ગંધ લઈ શકે છે, ચક્ષુ જોઈ શકે છે અને કાન સાંભળી શકે છે. ટૂંકમાં કહીએ તો ઇન્દ્રિયોનો સર્વ વ્યાપાર ત્યાં સુધી જ ચાલે છે કે જ્યાં સુધી દેહમાં ઇન્દ્રિયોથી ભિન્ન એવો એક ચૈતન્યવંત પદાર્થ હોય છે. જેના કારણે સર્વ ઇન્દ્રિયવ્યાપારો ચાલે છે, તે પદાર્થ ઇન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા છે અને તે પદાર્થ દેહમાંથી નીકળી જતાં સર્વ પ્રકારનાં ઇન્દ્રિયવ્યાપારી બંધ પડે છે.
આમ, આત્મા જ જોનાર છે, સાંભળનાર છે, સુંઘનાર છે, ચાખનાર છે, સ્પર્શનાર છે. આત્મા ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે. ઇન્દ્રિયો કરણ છે અને આત્મા એ સર્વ ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા છે. દેહમાંથી આત્મા નીકળે એ જ ક્ષણે ઇન્દ્રિયની પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. જ્યારે આત્મા ઇન્દ્રિયથી પૃથક્ થાય છે ત્યારે ઇન્દ્રિય કોઈ પણ પ્રકારનું જ્ઞાન કરી શકતી નથી. ઇન્દ્રિય આત્માની મદદ વિના જ્ઞાન કરી શકતી નથી. ઇન્દ્રિય ન તો સ્વયં કોઈ વસ્તુ જાણી શકે છે, ન તેનો અનુભવ યાદ રાખી શકે છે. આત્માનો સંયોગ હોય તો જ ઇન્દ્રિયો પોતપોતાના વિષયના ગ્રહણનું કાર્ય કરી શકે છે. આત્માની સત્તા ન હોય તો તે જડપણે પડી રહે છે, તેથી આત્મા અને ઇન્દ્રિય જુદાં છે. જો આત્મા ન હોય તો ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી, એટલે ઇન્દ્રિય જ આત્મા નથી, પણ ઇન્દ્રિયથી આત્મા ભિન્ન છે. આ વાતને યથાર્થપણે જાણી લેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org