________________
૧૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છતાં કોઈ વસ્તુનું સ્મરણ મરેલો માણસ કરી શકતો નથી. તેથી સ્મરણ એ ઇન્દ્રિયનો ગુણ નથી. સ્મરણજ્ઞાનના આશ્રય તરીકે ઇન્દ્રિયથી જુદું કોઈ અન્ય દ્રવ્ય માનવું પડે છે. અને તે દ્રવ્ય આત્મા છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા ગૃહીત અર્થનું સ્મરણ કરનાર દ્રવ્ય તે આત્મા છે. પાંચ ઇન્દ્રિયોથી ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરનાર તે પાંચ ઇન્દ્રિયોથી ભિન્ન છે અને તે આત્મા છે.
જેમ પાંચ બારીમાંથી ઉપલબ્ધ થયેલ વસ્તુનું સ્મરણ થઈ શકતું હોવાથી, એ સ્મરણધર્મ બારીઓથી ભિન્ન એવી તે વ્યક્તિનો ધર્મ છે; તેમ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ કરનાર તે ઇન્દ્રિયોથી ભિન્ન એવા કોઈ પદાર્થનો ધર્મ છે. જેમ પાંચે બારીમાંથી જોતી વ્યક્તિ એક જ છે અને તે બારીઓથી ભિન્ન છે, કારણ કે પાંચે બારીમાંથી જોયેલ વસ્તુનું તે સ્મરણ કરી શકે છે; તેમ પાંચ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ વસ્તુનું સ્મરણ કંરનાર પણ ઇન્દ્રિયોથી ભિન્ન એવો કોઈ પદાર્થ હોવો જોઈએ અને તે જ આત્મા છે. જો તે ઇન્દ્રિયથી ભિન્ન ન હોય, અર્થાતુ જો તે ઇન્દ્રિયથી અભિન્ન હોય તો તે એક હોવાથી અનેક દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરી શકે નહીં. જેમ કે કોઈ એક શબ્દાદિને ગ્રહણ કરનાર જ્ઞાનવિશેષ. જો એ જ્ઞાનવિશેષ માત્ર પોતાના વિષયને ગ્રહણ કરે છે તો તે અન્ય વિષયને સ્મરી શકતું નથી. જો એ સ્મરણકર્તાને ઇન્દ્રિયોથી અભિન્ન માનવામાં આવે તો પાંચ બારી દ્વારા જોઈને તે બધાનું સ્મરણ કરનાર વ્યક્તિને પણ બારીથી અભિન્ન માનવી જોઈએ. વાસ્તવમાં જેમ પાંચ બારીથી જોનાર વ્યક્તિ એ પાંચે બારીથી ભિન્ન છે, તેમ ઇન્દ્રિયોથી આત્મા ભિન્ન છે.
જો સ્મૃતિધારક પદાર્થ તરીકે આત્મા ન હોય તો સ્મૃતિ થવી સંભવે જ નહીં. ઇન્દ્રિયોથી ભિન્ન એવા જ્ઞાયક આત્માનો સ્વીકાર ન કરવામાં આવે, જ્ઞાનધારક આત્માનું અસ્તિત્વ ઇન્દ્રિયોથી સ્વતંત્ર માનવામાં ન આવે તો ઇન્દ્રિયવ્યાપાર બંધ થઈ ગયો હોય ત્યારે ઇન્દ્રિય દ્વારા જાણેલી વસ્તુનું સ્મરણ કઈ રીતે થઈ શકે છે? થોડા વખત પહેલાં મેં તિજોરીમાં આટલા રૂપિયા જોયા હતા’, ‘પાંચ વર્ષ પહેલાં મેં આ વાત સાંભળી હતી’, ‘સાત વર્ષ પહેલાં રાજસ્થાનમાં કળાકંદ નામની મીઠાઈ ખાધી હતી, તે ખૂબ મધુર હતી’, ‘અમુક ભાઈના લગ્ન સમયે મેં રાતરાણીના અત્તરની સુવાસ લીધી હતી', રેશમી કાપડ ખૂબ સુંવાળું હોય છે, મેં તેનો અનુભવ અમુક વર્ષ પહેલાં કર્યો છે' વગેરે વસ્તુનું સ્મરણ ઇન્દ્રિયવ્યાપાર બંધ થયા પછી પણ થાય છે, તો તે સ્મરણ કરનાર ઇન્દ્રિયો તો હોઈ શકે નહીં, કારણ કે ઇન્દ્રિયવ્યાપાર તો બંધ થઈ ગયો છે. ઇન્દ્રિયવ્યાપાર બંધ થવા છતાં જ્ઞાનવ્યાપાર બંધ થયો નથી, માટે પૂર્વે ગ્રહણ કરેલા પદાર્થને યાદ રાખનાર કોઈ તત્ત્વ છે અને તે આત્મા છે. ઇન્દ્રિયો સ્મરણ નથી કરતી, પણ આત્મા સ્મરણ કરે છે. આત્મા ચક્ષુ આદિ સર્વ ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org