________________
ગાથા-૫૧
૧૩૭
જે જ્ઞાયકરૂપ અનુભવ બાકી રહે છે તે જીવનું સ્વરૂપ છે. અબાધ્ય અનુભવ એટલે બાધક નહીં એવો અનુભવ, અર્થાત્ જીવનું જ્ઞાતાપણું. આ જ્ઞાયકપણું એ જ આત્માનું સ્વરૂપ છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે
‘હું સ્ત્રી નહિ, પુરુષ નહિ, દેહ નહિ, મન નહિ, ઠીક-અઠીક, સંકલ્પ-વિકલ્પ પણ હું નહિ, અંદર આઠ કર્મની ઝીણી ધૂળ તે પણ હું નહિ, એમ પરદ્રવ્યને વિવેક વડે બાદ કરતાં કરતાં બાકી જે જ્ઞાયક સ્વરૂપ તે હું છું. એમ જ સદાકાળ જાણ્યા કરે તે જાણનારો, જાણવાનું સ્મરણ કરનારો, જ્ઞાતાપણે હયાતી રાખનારો નિત્ય સળંગ ટકી રહે છે તે જીવનું સ્વરૂપ છે.’૧
જીવના સ્વરૂપનો નિર્ણય કરવા માટે તે અનુભવનો વિચાર કરવો ઘટે કે જે અનુભવને બાદ ન કરી શકાય. તે માટે ત્યાં સુધી પાછા હટતા જવું કે જેના કરતાં વધુ પાછળ હટી શકાય એમ ન હોય. સ્ત્રી, પુત્ર, ધર આદિ પદાર્થોથી પાછળ હટી શકાય છે, શરીરથી પાછળ હટી શકાય છે, વિચારોથી પાછળ હટી શકાય છે, પલટાતી ભાવદશાથી પણ પાછળ હટી શકાય છે; પરંતુ તે પછી વધુ પાછળ હટી શકાતું નથી. હવે માત્ર જોનાર જ રહે છે. જ્ઞાયકરૂપી દીવાલ આવી જાય છે. જ્ઞાયકથી પાછળ નથી જઈ શકાતું. જ્ઞાયકને બાદ નથી કરી શકાતો. આ જ તેનું અસ્તિત્વ છે. જીવ એનાથી ભિન્ન નથી, એની સાથે એકરૂપ છે. જ્ઞાન એ આત્માથી ભિન્ન નથી. જ્ઞાન અને આત્મા અભિન્ન છે.
જીવ સ્ત્રી આદિ પ૨પદાર્થોથી, શરીરથી, વિચારોથી, ભાવોથી અલગ થઈ શકે છે, પણ જ્ઞાયકતાથી અલગ થઈ શકતો નથી. શરીર અલગ થઈ શકે છે, મન પણ અલગ થઈ શકે છે. તે બન્નેથી આત્મા ભિન્ન થઈ શકે છે, કારણ કે જીવનું હોવું ન શરીરમાં છે, ન મનમાં છે. તેનું હોવું તો એ તત્ત્વમાં છે કે જે શરીર અને મનની પાર રહેલું છે, જે આ બન્નેને જુએ છે. આમ, દેહાદિ એ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તેનાથી જુદો છે. તે નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મના લેપથી યુક્ત નથી. બધાને બાદ કરી શકાય છે, પણ જ્ઞાયકતાનો અનુભવ બાદ કરી શકાતો નથી અને એ જ આત્માનું સ્વરૂપ છે. શ્રીમદ્ લખે છે
‘નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે.
જે સર્વને જાણે છે તે આત્મા છે.
જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org